નવી દિલ્હીઃ પાકિસ્તાનના લશ્કરની તાલીમ પામેલા આતંકવાદીઓ દ્વારા કાશ્મીરમાં થતાં ઘર્ષણોને ઘણીવાર ‘પ્રોક્સી વૉર’ તરીકે ઓળખાવાય છે. આ આતંકવાદીઓને સરહદની આપણી તરફ ભાગલાવાદીઓ અને ભ્રષ્ટ રાજકારણીઓનું પીઠબળ હોય છે, અને કેટલાક ગેરમાર્ગે દોરવાયેલા તેમજ કટ્ટરવાદી યુવાનો હાથમાં બંદૂકો ઉપાડી લે છે. આ વર્ણન ભૂલભરેલું નથી, છતાં તે કાશ્મીરમાં જે સમસ્યા પ્રવર્તે છે, તેનું સંપૂર્ણ ચિત્ર પણ રજૂ કરતું નથી.
કોઈ પણ સશસ્ત્ર બળવો લોકોના ટેકા વિના ત્રીસ વર્ષ સુધી ટકી ન શકે. કાશ્મીર માટે લાંબા ગાળાનો ઉકેલ શોધવા માટે આતંકવાદને પાકિસ્તાનનો ટેકો નબળો બનાવવાના આપણા પ્રયાસો અને હિંસક ઘટનાઓ અટકાવવા ઉપરાંત, આપણે સામાન્ય નાગરિકો ઉપર વધુ ધ્યાન આપવું આવશ્યક છે. અને કાશ્મીરમાં કોઈ ‘આતંકવાદ’ ને બદલે ‘બળવો’ જેવા શબ્દનો ઉપયોગ કરે તો એ સ્પષ્ટ કરવું જોઈએ કે આતંકવાદ પણ બળવો કરવા માટે વપરાતું સાધન છે.
બળવાને ડામવા માટેની પ્રક્રિયા ઘણીવાર “હાર્ટસ એન્ડ માઈન્ડ્સ” અભિયાન પણ કહેવાય છે, પરંતુ હકીકત એ છે કે આ કાર્યવાહી હૃદયને બદલે મગજની વધુ હોય છે, જેમાં માહિતી, પ્રચાર-પ્રસાર અને બનાવટી સમાચારોનો વિસ્ફોટ હોય છે. ઘર્ષણમાં ખરી સ્પર્ધા તો લોકોના મગજ પ્રભાવિત કરવાની હોય છે. આતંકવાદીઓ અને સરકાર, બંને લોકોને પોતાની તરફેણમાં ફેરવવાના પ્રયાસરૂપે માહિતીની વ્યૂહરચનાઓ દ્વારા લોકોનો વિશ્વાસ અને નિષ્ઠા હાંસલ કરવા માટે સ્પર્ધા કરે છે. લશ્કરમાં અમે તેને ‘માહિતી-યુદ્ધ’ અથવા તો ‘કથાઓની લડાઈ’ તરીકે રજૂ કરીએ છીએ.
આ યુદ્ધમાં બનાવટી સમાચારો ઉપર આધાર રાખતા આતંકવાદીઓને લાભ થાય છે. વિન્સ્ટન ચર્ચિલે કહ્યું હતું, “સત્યને હજુ રજૂ કરવાની તક મળે તે પહેલાં તો જૂઠાણું અડધી દુનિયામાં ફેલાઈ ચૂક્યું હોય છે." આ એવે સમયે કહેવાયું હતું, જ્યારે વૈશ્વિક સ્તરે કોમ્યુનિકેશન્સ - પ્રત્યાયનનો આધાર મુખ્યત્વે રેડિયો અને ટેલીગ્રાફ હતાં. આજે, સ્માર્ટફોન મારફતે વિશ્વભરમાં તત્કાળ માહિતીની આપ-લે થઈ શકે છે. માસાચ્યુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેકનોલોજીએ 2018માં હાથ ધરેલા અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે ખોટા સમાચારો, સાચા સમાચારો કરતાં 70 ગણા વધુ રિટ્વિટ થવાની સંભાવના છે. બનાવટી કહાનીઓ પણ સાચી વાતો કરતાં છ ગણી વધુ ઝડપે પ્રસરે છે.
જમ્મુ અને કાશ્મીરમાં પાકિસ્તાન દ્વારા કરાતો પ્રચાર-પ્રસાર મુખ્યત્વે બે વિષયો ઉપર કેન્દ્રિત હોય છે. પહેલું, આતંકવાતીઓને કાશ્મીરીઓની ધાર્મિક શ્રદ્ધા અને વંશીય ઓળખ વધતા જતા હિંદુ રાષ્ટ્રવાદ દ્વારા જોખમ હેઠળ આવ્યા હોવાનું જણાવીને તેના સંરક્ષક તરીકે ચીતરવા. બીજું, કાશ્મીરી લોકો ઉપર દમન આચરવામાં આવી રહ્યું છે અને સલામતિ દળો દ્વારા માનવ અધિકારોનું મોટા પાયે ઉલ્લંઘન થાય છે, તેમ જોરશોરથી કહેવું. ભારત સરકારે પોતાની માહિતી અને પ્રત્યાયનની વ્યૂહરચના દ્વારા આ બે કથાઓને ખોટી પાડવી જરૂરી છે.
આતંકવાદીઓના બીજા વિષયવસ્તુને ખોટો ઠેરવવો કદાચ સહેલો છે, કેમકે તેમાં વ્યાપક શિસ્તબદ્ધ અભિગમની સાતત્યતા હોવી જરૂરી છે, જે સલામતિ દળો દ્વારા દર્શાવવામાં આવી રહી છે. ત્યાં સુધી કે, જ્યારે બળનો ઉપયોગ કરવા માટે આશ્રય લેવામાં આવે છે, ત્યારે પણ તે નાગરિક જીવનને ન્યુનતમ નુકસાન થાય તે રીતે આતંકવાદીઓ સામે નિશાન સાધવું જોઈએ. આપણે એવા લોકોની વાતોમાં ન આવી જવું જોઈએ, જે લશ્કરને છૂટો દોર આપવા અથવા નાગરિકોની વસ્તી ધરાવતા વિસ્તારોમાં બોમ્બ ધડાકા કરવાનું કહેતા હોય. લશ્કરનો વધુ પડતો ઉપયોગ ઘણીવાર એવી સ્થિતિ તરફ દોરી જાય છે, જે આતંકવાદીઓની હરોળમાં વધુ ભરતી માટે પ્રેરાય છે.