આપણા જેવી આર્થિક સુસ્તીમાંથી ઉગરવાના માત્ર બે જ રસ્તા છે. એક ઉપભોગ દ્વારા, બીજું, મૂડીરોકાણ દ્વારા. આ બજેટએ બીજો રસ્તો અપનાવ્યો છે અને મારા મતે, તે સાચો રસ્તો છે.
પ્રથમ રસ્તો ઉપભોગનો છે જે લોકોના હાથમાં બૅન્ક હસ્તાંતરણ દ્વારા નાણાં મૂકે છે. તેઓ નાણાં ખર્ચશે, માલસામાન ખરીદશે અને વધેલી માગણીના કારણે કારખાનાંઓ ચાલવા લાગશે જેના કારણે વધુ નોકરીઓ સર્જાશે, વધુ ખર્ચ થશે અને સદચક્ર અર્થતંત્રમાં વૃદ્ધિને પુનઃસ્થાપિત કરશે.
બીજો રસ્તો મૂડીરોકાણનો છે; મૂડીરોકાણ નોકરીઓ લાવે છે; નોકરીઓ લોકોના હાથમાં નાણાં મૂકે છે; તેઓ તે ખર્ચે છે અને માલસામાન ખરીદે છે; કારખાનાંઓ ચાલવા લાગે છે, જેનાથી વધુ નોકરીઓ પેદા થાય છે અને આ રીતે આ જ સદચક્ર આપણને સુસ્તીમાંથી બહાર કાઢે છે. હું બીજો રસ્તો પસંદ કરું છું કારણકે તે અસ્ક્યામતો સર્જે છે. આ બજેટ રસ્તાઓ, જળમાર્ગો, પીવાના પાણીની પાઇપલાઇનો, ગૃહનિર્માણ, હૉસ્પિટલો વગેરેમાં- એ રીતે આંતરમાળખામાં કુલ રૂ. ૧૦૩ લાખ કરોડના મૂડીરોકાણનું વચન આપે છે.
એક તક વેડફાઈ ગઈ
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જો એવું સ્વીકાર્યું હોત કે અર્થતંત્ર કટોકટીમાં છે અને પછી સમજાવ્યું હોત કે તેમાંથી આપણને બહાર કાઢવાનું તેમણે શું આયોજન કર્યું છે તો તેમણે પોતાની જ તરફેણ કરી હોત. તેમણે બજેટમાં અનેક નોકરી સર્જક પહેલો જાહેર કરી છે અને તેમણે જો આ પહેલોના લીધે કેટલી સીધી અને કેટલી આડકતરી નોકરીઓ સર્જાશે તેની કાચી ગણતરી આપી હોત તો આપણું મનોબળ મજબૂત થયું હોત.
જોકે, સુધારા જાહેર કરવાનો બજેટ એક માત્ર પ્રસંગ નથી હોતો, પણ સીતારમણે મહાન તક વેડફી નાખી છે. જ્યારે કટોકટી હોય છે ત્યારે ખાસ સુધારાઓ હાથ ધરાય છે- જનતા પણ સુધારાના લીધે જે ટૂંકા ગાળાની તકલીફો વેઠવી પડે છે તેને સ્વીકારી લે છે. દા.ત. તેમણે આપણને મોટા કૃષિ સુધારાની યાદ અપાવી જેનાથી ઉત્પાદકતા નાટકીય રીતે વધશે- કરાર આધારિત ખેતી વિરુદ્ધ ખેડૂતની જમીનનું લાંબા ગાળાનું લીઝિંગ. કેન્દ્ર થોડા વખતથી તેની તરફેણ કરતું આવ્યું છે, પરંતુ રાજ્યો તેનો પ્રતિસાદ આપવામાં ધીમા રહ્યા છે. આ મહત્ત્વનો સુધારો વાસ્તવિકતા બને તે માટે કેન્દ્ર કોઈ લાકડી પર ગાજર લટકાવશે તેવું સાંભળવા આપણે રાહ જોઈ રહ્યા હતા. જો તેમણે ભાજપ જેમાં માને છે તેવા, જેમ કે જમીન અને શ્રમ સુધારા જેવા જાણીતા થોડા વધુ સુધારા જાહેર કર્યા હોત તો દેશ રોમાંચિત થઈ ગયો હોત.