મુંબઇ: આર્થિક સંકટથી જજૂમી રહેલી યસ બેન્ક (Yes Bank)ને પાટા પર લાવવા માટે લાગૂ થયેલા નવા પ્લાન બાદ યસ બેન્ક ખાતાધારકો માટે સારા સમાચાર છે. બેન્કે આજે એટલે કે સોમવારે ટ્વીટ કરીને જાણકારી આપી છે કે, ખાતાધારકો પરથી બેન્કે તમામ પ્રતિબંધ હટાવી લીધા છે. એટલે કે 18 માર્ચ સાંજે 6 વાગ્યા બાદ ગ્રાહક પોતાના ખાતાથી સામાન્ય લેવડ-દેવડ કરી શકશે. ખાતાધારકો બેન્કની તમામ 1,132 શાખાઓથી લેવડ-દેવડ કરી શકશે. ઉલ્લેખનીય છે કે, 5 માર્ચ 2020ના રોજ સાંજે 6 વાગ્યાથી RBI દ્વારા યસ બેન્ક ડિપોઝીટર્સની વિડ્રોલ લિમિટ 50,000 રૂપિયા નક્કી કરાઇ હતી. આ પછીથી જ યસ બેન્કનો કોઇ ખાતાધારક કોઇ પણ માધ્યમથી પૈસા ટ્રાંસફર કરી શકતો નહોતો અને ATM માંથી પણ ગ્રાહકો કેશ નિકાળી શકતા નહોતા.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, યસ બેન્કનો ભારતીય સ્ટેટ બેન્ક 49 ટકા હિસ્સો ખરીદશે. SBI ત્રણ વર્ષ સુધી પોતાની સ્ટેકને 26 ટકાથી ઓછી કરી શકશે નહીં. આ ઉપરાંત પ્રાઇવેટ બેન્ક પણ તેમા રોકાણ કરશે. પ્રાઇવેટ બેન્કો માટે પણ લોક ઇન પીરીયડ 3 વર્ષ સુધીનો જ રહેશે, પરંતુ તેમના માટે સ્ટેકની લિમિટ 75 ટકા સુધી છે.