ન્યૂ યોર્ક- ટોચના અમેરિકી સાયબર ડિપ્લોમેટ રોબર્ટ એલ. સ્ટ્રેયરે IANSને જણાવ્યું હતું કે, "Reliance Jio પાસેથી બોધપાઠ શીખવા મળ્યો છે કે 5G ટેક્નોલોજીમાં રહસ્યમય કશું જ નથી. 4G ટેક્નોલોજીમાં જે પ્રકારના સાધનો ઉપયોગમાં લેવામાં આવ્યા છે તેવા જ સંસાધનો છે, માત્ર નવું લેવલ તૈયાર થાય છે."
Jio મોડેલ અપનાવવા વિશ્વની ટેલિકોમ કંપનીઓને અમેરિકી સાયબર નિષ્ણાતની સલાહ
ચાઇનીઝ ટેલિકોમ જાયન્ટ હુવાવે (Huawei) અને 5G ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઉપયોગી જોખમી ચાઇનીઝ સંસાધનોના જોખમો સામે રિલાયન્સ Jio દ્વારા ઘરઆંગણે વિકસિત કરવામાં આવેલા 5G સોલ્યૂશન્સ અપનાવવા માટે અમેરિકાએ સમગ્ર વિશ્વની ટેલિકોમ કંપનીઓને વિનંતી કરી છે.
કંપનીની 43મી સામાન્ય સભામાં રિલાયન્સના ચેરમેન મૂકેશ અંબાણી દ્વારા 15 જુલાઈએ જાહેર કરવામાં આવ્યા મુજબ Jioના 100 ટકા મેડ-ઇન-ઇન્ડિયા 5G સોલ્યુશન્સ અંગે સ્ટ્રેયર અમેરિકાનું અવલોકન ટાંકી રહ્યા હતાં. સ્ટ્રેયર અમેરિકાના સાયબર એન્ડ ઇન્ટરનેશનલ કમ્યુનિકેશન્સ એન્ડ ઇન્ફોર્મેશન પોલિસીના ડેપ્યૂટી આસિસ્ટન્ટ સેક્રેટરી છે. તે અમેરિકા માટે ઇન્ટરનેશનલ સાયબર સિક્યુરિટી, ઇન્ટરનેટ, ડેટા, પ્રાઇવસી પોલિસી અને વિદેશી સરકારો સાથેની વાટાઘાટોની આગેવાની કરે છે. તેમની જવાબદારીનો સૌથી મોટો હિસ્સો 5G નેટવર્ક માટે હુવાવે સિવાયની કંપનીઓના સાધનો-સંસાધનો માટે વિશ્વના મોટાભાગના દેશોને અમેરિકા તરફી લાવવાનો છે. ચાઇનીઝ સંસાધનો પર આધાર રાખવાનો છોડી દેવા માટે એરટેલ, વોડા આઇડિયા, BSNL દ્વારા શું કરવું જોઈએ તે અંગે બોલતાં સ્ટ્રેયરે ટેક્નોલોજીની લાઇફ સાયકલ અને બિનવિશ્વાસુ વેન્ડરમાંથી વિશ્વાસુ વેન્ડર્સ તરફ પ્રયાણ કરવાની પ્રક્રિયા અંગે વિશદ છણાવટ કરી હતી. તેમણે કહ્યું હતું કે, "અમારું અભિયાન 5G તરફ ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, પરંતુ અમે એ પણ જાણીએ છીએ કે, 3G અને 4G જે રીતે વિકસિત થયા છે તેને જોતાં 5G તરફનું પ્રયાણ થોડું મુશ્કેલ બનશે. માટે જ અમે સરકારો અને ટેલિકોમ કંપનીઓ કેવી રીતે એ માર્ગેથી ખસીને નવા માર્ગે જઈ શકે છે તે માટે તેમને પ્રોત્સાહિત કરીએ છીએ - આ એ જ છે, બિનવિશ્વાસુથી વિશ્વાસુ વેન્ડર્સ તરફ જવાનું."5G ટેક્નોલોજી તૈયાર કરવામાં વિશ્વાસુ વેન્ડર્સનો ઉપયોગ કરવાના વિશ્વના અનેક ટેલિકોમ ઓપરેટર્સના અમેરિકાએ વખાણ કર્યા હતાં, તેમાં સ્પેનના ટેલિફોનિકા, ફ્રાન્સના ઓરેન્જ, ભારતના જિયો, ઓસ્ટ્રેલિયાના ટેલ્સ્ટ્રા, સાઉથ કોરિયાના SK અને ST, જાપાનના NTT અને કેનેડા તથા સિંગાપોરના ટેલિકોમ ઓપરેટર્સનો સમાવેશ થાય છે. સ્ટ્રેયરની ટિપ્પણી બહુ જ મહત્વના સમયે આવી છે જ્યારે અમેરિકી વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ લંડન ખાતે ચીનના હુવાવે અને ZTE જેવા બિનવિશ્વાસુ આઇટી વેન્ડર્સની ઝાટકણી કાઢતાં તેમને વચન ભંગ કરનારા અને ભારતને ધમકી આપનારા તથા પરેશાન કરનારા ગણાવ્યાં હતાં. Jioના ઝીરો ચાઇનીઝ ઇનપૂટ અંગે બોલતાં સ્ટ્રેયરે એન્ટેના, બેઝ સ્ટેશન્સ, બેકહૌલ, કોર સર્વર્સ અને નેટવર્ક મેનેજમેન્ટ જેવા સંસાધનોનું ભારતમાં વૈશ્વિક બજાર છે તેવું ટાંકીને તેમણે ટેક્નોલોજીના આ બજારમાં રહેલી વિશાળ તકોનું વિવરણ પણ કર્યું હતું.