સ્વિઝરલેન્ડની બેન્કોમાં ભારતના અંદાજીક એક ડઝન નિષ્ક્રિય ખાતાઓ માટે એક પણ દાવેદાર સામે આવ્યા નથી. આવી સ્થિતિમાં એવી આશંકા છે કે આ ખાતામાં પડેલા નાણાં સ્વિટ્ઝરલેન્ડ સરકારને ટ્રાન્સફર કરી દેવામાં આવશે.
સ્વિસ સત્તાવાળાઓ પાસેથી ઉપલબ્ધ આંકડા અનુસાર, છેલ્લા છ વર્ષ દરમિયાન, કોઈ ભારતીય વારસદારે સફળતાપૂર્વક આમાંના કોઈપણ ખાતાનો દાવો કર્યો નથી. આમાંથી થોડા ખાતા માટે દાવો કરવાની સમય મર્યાદા આવનાર મહિને પૂર્ણ થઇ જવાની છે. જ્યારે બીજા ખાતાઓમાં 2020ના અંત સુધી દાવો કરી શકાશે.
નિષ્ક્રિય ખાતામાંથી પાકિસ્તાની નાગરિકોને લગતા કેટલાક ખાતામાં દાવો કરવામાં આવ્યો છે. આ ઉપરાંત સ્વિઝરલેન્ડ સહિત થોડા બીજા દેશના નાગરિકના ખાતામાં પણ દાવો કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2015માં પ્રથમ વખત એવા ખાતાને જાહેર કરવામાં આવ્યાં હતા. યાદીમાં અંદાજીત 2,600 ખાતા છે, જેમાં 4.5 કરોડ સ્વિસ ફ્રેંક એટલે ભારતીય નાણાં મુજબ અંદાજીત 300 કરોડ રૂપિયા પડ્યા છે.
યાદીને પ્રથમ વખત જાહેર કરવા સમયે અંદાજીત 80 સુરક્ષા બોક્સ હતા. સ્વિસ બેન્કિંગ કાયદા હેઠળ આ યાદીમાં દર વર્ષે નવા ખાતા જોડાય રહ્યા છે. હવે આ યાદીમાં ખાતાની સંખ્યા 3,500 જેટલી થઇ ચૂકી છે. સ્વિસ બેન્કના ખાતા ઘણા વર્ષોથી ભારતમાં રાજકીય ચર્ચાનો વિષય છે. એવું માનવામાં આવે છે કે ભારતીય દ્વારા સ્વિઝરલેન્ડની બેન્કમાં પોતાની બ્લેકમની રાખવામાં આવે છે.
એવી પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે અગાઉના રજવાડાઓ દ્વારા સ્વિઝરલેન્ડના બેન્ક ખાતામાં રૂપિયા રાખવામાં આવતા હતા. તાજેતરનાં વર્ષોમાં વૈશ્વિક દબાણને કારણે સ્વિઝરલેન્ડે નિયમનકારી ચકાસણી માટે તેની બેંકિંગ સિસ્ટમ ખોલી છે. સાથે જ સ્વિઝરલેન્ડે ભારત સહિત વિવિધ દેશો સાથે નાણાકિય માહિતીની આપ-લે માટે કરાર પણ કર્યો છે.
ભારતને માહિતીની આપ-લે માટેની વ્યવસ્થા હેઠળ તાજેતરમાં સ્વિઝરલેન્ડ સ્થિત નાણાકીય સંસ્થાઓમાં ભારતીયોના ખાતાની પ્રથમ યાદી મળી છે. આ અંગે બીજી યાદી સપ્ટેમ્બર 2020 માં મળશે.