મુંબઈઃ જિઓ પ્લેટફોર્મ્સમાં રોકાણ કરનાર દિગ્ગજ ઇન્વેસ્ટરોની યાદીમાં ઇન્ટેલ કેપિટલનો સમાવેશ થતાં જિઓમાં થયેલું કુલ રોકાણ રૂ.1,17,588.45 કરોડે પહોંચ્યું છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની સંપૂર્ણ માલિકીની પેટાકંપની જિઓ પ્લેટફોર્મ્સ નવી પેઢીનું અદ્યતન ટેક્નોલોજી પ્લેટફોર્મ છે, જે આખા ભારતમાં 388 મિલિયન સબસ્ક્રાઇબર્સને ઉચ્ચ ગુણવત્તાયુક્ત અને વાજબી ડિજિટલ સેવાઓ પ્રદાન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. જિઓ પ્લેટફોર્મ્સે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી, સ્માર્ટ ઉપકરણો, ક્લાઉડ અને એજ્ડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા એનાલિસિસ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ, ઓગમેન્ટેડ તથા મિક્સ્ડ રિયાલિટી, અને બ્લોકચેઇન દ્વારા તેની સંપૂર્ણ ડિજિટલ ઇકોસિસ્ટમમાં નોંધપાત્ર રોકાણ કર્યું છે. જિઓનું વિઝન 1.3 અબજ લોકો અને દેશના તમામ વ્યવસાયોને ડિજિટલ માધ્યમો દ્વારા આદાનપ્રદાન તથા વ્યવહાર કરવાની સુવિધા આપવાનો છે, જેમાં નાનાં વેપારીઓ, નાનાં વ્યવસાયો અને ખેડૂતો સામેલ છે, જેથી આ તમામ વર્ગો સર્વસમાવેશક વિકાસ-વૃદ્ધિનો લાભ મેળવી શકે.
ઇન્ટેલ કેપિટલ ક્લાઉડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને 5G જેવી અત્યાધુનિક ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરતી કંપનીઓમાં વૈશ્વિક મૂડીરોકાણ કરે છે. આ પ્રકારના ક્ષેત્રોમાં જિઓ પણ વિકાસવૃદ્ધિ માટે સતત સંશોધન અને રોકાણ કરે છે. ઇન્ટેલ કેપિટલ સેમિકન્ડક્ટર ઉદ્યોગનું નેતૃત્વ કરનાર ઇન્ટેલ કોર્પોરેશનની મૂડીરોકાણ કરનારી પેટાકંપની છે, જે નવીન સંશોધનોનો પાયો નાંખનારા વિશ્વની કમ્પ્યુટિંગ અને કમ્યુનિકેશન ટેક્નોલોજી સાથે ડેટાસેન્ટ્રિક ભવિષ્યને આકાર આપવાનું કામ કરી રહી છે. ઇન્ટેલ ભારતમાં બે દાયકા કરતાં વધુ સમયથી કાર્યરત છે અને બેંગલુરુ તથા હૈદરાબાદમાં તેની સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ડિઝાઇન ફેસિલિટીમાં આજે હજારો કુશળ કર્મચારીઓને રોજગારી પૂરી પાડે છે.