નવી દિલ્હી: ઈન્ડિગોએ શુક્રવારે એક યોજના શરૂ કરી, જે અંતર્ગત કોરોના વાઇરસ રોગચાળા વચ્ચે વધારાની સુરક્ષાની ખાતરી કરવા માંગતા લોકો હવે બે બેઠકો બુક કરાવી શકશે.
એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, "વધારાની બેઠકો માટેની ફી મૂળ બુકિંગ ખર્ચના 25 ટકા સુધીની હશે. આ ઓફર 24 જુલાઈ, 2020 થી લાગુ થશે."
ઈન્ડિગોએ કહ્યું કે '6E ડબલ સીટ' યોજના યાત્રા પોર્ટલ, ઈન્ડિગો કોલ સેન્ટર્સ અથવા એરપોર્ટ કાઉન્ટરો પરથી ઉપલબ્ધ થશે નહીં. આ યોજનાનો લાભ ફક્ત ઈન્ડિગોની વેબસાઇટ પરથી જ મેળવી શકાશે.
ઇન્ડિગોએ 20 જૂનથી 28 જૂનની વચ્ચે 25,000 યાત્રીઓ વચ્ચે એક ઑનલાઇન સર્વે કર્યો હતો, જેમાં યાત્રીઓએ શારીરિક અંતરનો અભાવ એ એક મોટી ચિંતા ગણાવી હતી.
સર્વેમાં કહેવામાં આવ્યું છે કે 62 ટકા લોકોએ શારીરિક અંતરને એક મોટી ચિંતા ગણાવી હતી.
ઈન્ડિગોના મુખ્ય વ્યૂહરચના અને આવક અધિકારી સંજય કુમારે શુક્રવારે કહ્યું, " આ સમયે હવાઈ યાત્રા એ સૌથી સલામત અભિગમ છે, પરંતુ અમે ગ્રાહકોની સરક્ષા માટેની ભાવનાત્મક જરૂરિયાતને સમજીએ છીએ."
તેમણે કહ્યું, અમને આવી વિનંતીઓ મળી રહી હતી અને વધારાની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અમે યાત્રી માટે બે બેઠકો બુક કરાવવાનો વિકલ્પ રજૂ કરવામાં ખુશ છીએ.