નવી દિલ્હીઃ કોરોના વાઈરસ સંક્રમણના કારણે લોકડાઉન લાગુ કરાયું છે, ત્યારે સંદેશા વ્યવહારની કંપની BSNL,MTNLએ 20 એપ્રિલ સુધી પ્રીપેઇડની સમયમર્યાદા વધારી છે.
આ ઉપરાંત એરટલે પ્રીપેઇડની સમયમર્યાદાને 17 એપ્રિલ સુધી વધારી છે. સાથે ત્રણ કંપનીઓએ 10 રૂપિયા સુધીનું ટૉકટાઈમ પણ આપવાનું નક્કી કર્યુ છે. આ યોજના પ્રતિ ઉપભોક્તા ઓછો ખર્ચ કરનાર ગ્રાહકો સુધી સીમિત રાખવામાં આવશે.
આ પહેલા ટેલિકોમ ક્ષેત્રના નિયમનકાર, ટેલિકોમ રેગ્યુલેટરી ઑથોરિટી ઑફ ઇન્ડિયા (ટ્રાઇ) એ જાહેર પ્રતિબંધને ધ્યાનમાં રાખીને, આ સમયગાળા દરમિયાન અવિરત સેવા પ્રદાન કરવા માટે પ્રીપેઇડ ગ્રાહકોની માન્યતા અવધિમાં વધારો કરવા ટેલિકોમ કંપનીઓને જણાવ્યું હતું.
ઉપરાંત, ટ્રાઇએ પણ આવા ગ્રાહકોને અગ્રતા સાથે અવિરત ટેલિકોમ સેવાઓ પ્રદાન કરવા કંપનીઓ દ્વારા લેવામાં આવતા પગલાઓની માહિતી માંગી હતી.
આ પછી, જાહેર ક્ષેત્રના BSNL,MTNLએ એક નિવેદનમાં કહ્યું હતું કે, "પ્રીપેઇડ ગ્રાહકો કે જેની માન્યતા 22 માર્ચ 2020ના રોજ સમાપ્ત થઈ ગઈ છે. કંપની તેમની માન્યતા મફત 20 એપ્રિલ 2020 સુધી લંબાવી રહી છે. તેમજ જે લોકોનું બેલેન્સ શૂન્ય થઈ ગયું છે, તેમને કંપની તરફથી 10 રૂપિયાનો મફત ટૉકટાઇમ પણ આપવામાં આવશે."