- શેરબજારમાં ઑલરાઉન્ડ વેચવાલી
- એફઆઈઆઈ ભારે વેચવાલી
- શેરબજારમાં મોટુ ગાબડુ પડ્યું
અમદાવાદઃ શેરબજારમાં મોટુ ગાબડુ પડ્યું હતું. અમેરિકા, એશિયાઈ અને યુરોપિયન સ્ટોક માર્કેટની નરમાઈના અહેવાલો પાછળ ભારતીય શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. પરિણામે મેટલ, રીયાલ્ટી, બેંક, ઓટોમોબાઈલ અને ફાઈનાન્સિયલ સેક્ટરના શેરના ભાવ ઝડપી તૂટ્યા હતા.
સ્ટોક માર્કેટ તૂટવાના પાંચ કારણો
- છેલ્લા એક સપ્તાહથી ભારત દેશમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે, જે શેરબજાર માટે ચિંતાનું કારણ છે. તેમજ અન્ય દેશોમાં જર્મની, ફ્રાન્સ અને ઈટાલીમાં પણ કોરોનાનો થર્ડ વેવ શરૂ થયો છે અને નવેસરથી લોકડાઉન નંખાય તેવા સમાચાર છે.
- જીઓપોલિટિકલ ટેન્શન વધ્યું છે. રોઈટર્સના રીપોર્ટ અનુસાર નોર્થ કોરિયાએ બે ટૂંકી રેન્જના મિસાઈલ્સ ફાયર કર્યા છે. અમેરિકા અને સાઉથ કોરિયાએ સત્તાવાર રીતે જણાવ્યું છે. જેને પરિણામે વિદેશના તમામ સ્ટોક માર્કેટનું સેન્ટિમેન્ટ ખરડાયું છે.
- મોટાભાગના એશિયાઈ સ્ટોક માર્કેટ રેડમાં ટ્રેડ કરી રહ્યા છે. યુરોપમાં લોકડાઉન અને અમેરિકામાં પોટેન્શિલ ટેક્સમાં વધારો કર્યો છે. જેને પગલે ડૉલર ચાર મહિનાની હાઈ પર છે.
- સુપ્રીમ કોર્ટે ગઈકાલે મોરેટોરિયમ સમયગાળામાં વ્યાજ માફી આપવાની ના પાડી, જેને પગલે આજે બેંક શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
- નિફટી ઈન્ડેક્સમાં 14,750-14,900 સ્ટ્રોંગ રેઝિટન્સ લેવલ આવે છે, જેથી તે મથાળા આજુબાજુ પ્રોફિટ બુકિંગ આવ્યું છે. શેરબજારના સેન્સેક્સમાં 871 પોઈન્ટનું ગાબડું, કયા પાંચ કારણોથી શેરબજાર ગબડી પડ્યું?
સેન્સેક્સમાં 871.13નું ગાબડુ
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ ગઈકાલના બંધ 50,051.44ની સામે આજે સવારે 49,786.47ના નીચા મથાળે ગેપમાં ખૂલીને શરૂમાં વધી 49,854.58 થઈ અને ત્યાંથી તૂટી 49,120.34 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 49,180.31 બંધ થયો હતો, જે 871.13નું ગાબડુ દર્શાવે છે.
નિફટી 265.35 ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફટી ઈન્ડેક્સ ગઈકાલના બંધ 14,814.75ની સામે આજે સવારે 14,712.45ની નીચા મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય વધી 14,752.35 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 14,535.00 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 14,549.40 બંધ થયો હતો, જે 265.35નું ગાબડુ દર્શાવે છે.