નવી દિલ્હીઃ એપ આધારિત કેબ સેવાઓ પૂરી પાડનાર કંપની ઉબેરે સોમવારે જણાવ્યું હતું કે તેમણે કોરોના વાઇરસ મહામારીના પ્રકોપ વચ્ચે સલામતી સુનિશ્ચિત કરવા યાત્રીઓ અને ડ્રાઇવરો માટે માસ્ક ફરજિયાત પહેરવા સહિત અનેક પગલાં લીધાં છે.
સોમવારથી લોકડાઉનનો ચોથો તબક્કો શરૂ થઇ ગયો છે. જેમાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને વિવિધ કેટેગરીમાં પ્રદેશોને વિતરણ અંગે નિર્ણય લેવાની સત્તા આપવામાં આવી છે.
રાજ્યોના નિર્ણયના આધારે ઉબેર અને ઓલા જેવી કંપનીઓ વિવિધ સ્થળોએ ફરી સેવાઓ શરૂ કરી શકશે. ઉબેર ગ્લોબલના સિનિયર ડિરેક્ટર સચિન કાંસલે પત્રકારોને જણાવ્યું હતું કે સોમવારથી ભારતમાં જ્યા પણ ઉબેર કેબ શરુ થશે ત્યાં યાત્રીઓ અને ડ્રાઇવરોએ માસ્ક પહેરવુ પડશે. તેમણે વધુમાં કહ્યું કે ડ્રાઇવરો અને યાત્રીઓની સલામતી સુનિશ્ચિત કરવા માટે રજૂ કરવામાં આવી રહેલ વિશિષ્ટ સલામતી સુવિધાઓ અને નીતીઓનો આ એક ભાગ છે.
લોકડાઉન શરૂ થયું ત્યારથી જ દેશમાં કેબ અને ટેક્સીઓના સંચાલન પર પ્રતિબંધ મૂકાયો હતો, જો કે 4 મેથી શરૂ થયેલા ત્રીજા તબક્કાના લોકડાઉનમાં કેટલાક નિયંત્રણો હળવા કરવામાં આવ્યા હતા, જેમાં કેટલાક વિસ્તારોમાં કેબ અને ટેક્સીઓને સંચાલિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.