ન્યૂઝ ડેસ્કઃ શું તમે જાણો છો? રેલવે બજેટ અગાઉ અલગથી રજૂ કરવામાં આવ્યું હતું. જે 2017માં સામાન્ય બજેટ સાથે ભળી ગયું છે. 1924થી લઈને 2016 સુધી રેલવે બજેટ કેન્દ્રીય રેલવે પ્રધાન દ્વારા અલગથી રજૂ કરાયું હતું. જો કે, મોદી સરકારે સપ્ટેમ્બર 2016માં રેલવે બજેટને સામાન્ય બજેટ સાથે મર્જ કરવાનું નક્કી કર્યું હતું. આ માટેના પ્રસ્તાવને કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેમાં 92 વર્ષ જૂની પ્રથાને સમાપ્ત કરવામાં આવી હતી.
પૂર્વ રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ 25 ફેબ્રુઆરી, 2016ના રોજ છેલ્લું રેલ બજેટ રજૂ કર્યું હતું. જ્યારે અરુણ જેટલી 1 ફેબ્રુઆરી, 2017ના રોજ સંયુક્ત બજેટ રજૂ કરનાર પ્રથમ નાણાં પ્રધાન બન્યા હતા. 1860થી 1920 સુધી ફક્ત એક જ બજેટ રજૂ કરાયું હતું, પરંતુ બજેટમાં રેલવેનો ભાવ વધ્યો, જેને કારણે 1924માં અલગ રજૂ કરવું જરૂરી બન્યું હતું. વર્ષ 1921માં 10 સભ્યોવાળી એકવર્થ સમિતિની રચના કરવામાં આવી. જેનું નેતૃત્વ બ્રિટીશ ઇકોનોમિસ્ટ સર વિલિયમ મિશેલ એક્વર્થે કર્યું હતું. સમિતિએ રેલ બજેટને સામાન્ય બજેટથી અલગ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો હતો અને વર્ષ 1924માં આ દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.