- કોરોનાની પહેલી લહેર બાદ કેન્દ્ર સરકારે સબસિડી બંધ કરી દીધી
- LPG સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો
- 15 મહિનામાં LPGની કિંમતમાં 321 રૂપિયાનો વધારો
હૈદરાબાદ: હવે દેશમાં 14.2 કિલો ઘરેલુ LPG સિલિન્ડરની કિંમત આઠસો રૂપિયાને વટાવી ગઈ છે. છેલ્લા 15 મહિનામાં LPGની કિંમતમાં 321 રૂપિયાનો વધારો થયો છે. માત્ર ફેબ્રુઆરીમાં જ LPG 125 રૂપિયા મોંઘો થયો છે. માર્ચ 2014 માં LPG સિલિન્ડરનો દર 410 રૂપિયા હતો. આ દિલ્હીનો ભાવ છે. ગયા મહિને જુલાઈમાં ઘરેલૂ LPG સિલિન્ડરના ભાવમાં 25.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. હાલમાં દિલ્હીમાં 14.2 કિલો LPG સિલિન્ડરની કિંમત 834.50 છે એટલે કે દર 7 વર્ષમાં બમણાથી વધુ વધી ગયો છે. આનાથી ભારતમાં કુલ 288 મિલિયન LPG ગ્રાહકોને અસર થઈ છે. ઓગસ્ટમાં 19 કિલો વ્યાપારી સિલિન્ડરની કિંમતમાં 73.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
શું સરકાર સબસિડી ઘટાડી રહી છે?
કોરોનાની પહેલી લહેર બાદ કેન્દ્ર સરકારે સબસિડી બંધ કરી દીધી. પરંતુ માર્ચમાં પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું કે સબસિડી આપવામાં આવી રહી છે. કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે (nirmala sitaraman) પણ 2021-22ના બજેટમાં રસોઈ ગેસ અને કેરોસીન માટે 14 હજાર કરોડ રૂપિયાની સબસિડી આપવાની જાહેરાત કરી હતી. આ રકમ 2020-2021ના બજેટ કરતા ઘણી ઓછી છે. નાણાકીય વર્ષ 2020-21 માટે સરકારે આ વસ્તુમાં 40 હજાર 915 કરોડ રૂપિયા રાખ્યા હતા. આખા વર્ષમાં સરકારે લગભગ 39 હજાર કરોડની સબસિડી આપી હતી.
LPG ની કિંમત કેવી રીતે નક્કી થાય છે?
LPG ની કિંમત કેવી રીતે નક્કી થાય છે સરકારી આંકડા મુજબ, છેલ્લા નાણાકીય વર્ષ 2020-2021માં LPGનો વપરાશ 276 લાખ ટન હતો. માર્ચ 2021 સુધીમાં LPG નો વપરાશ 7.3 ટકા વધ્યો હતો. ભારત તેના વપરાશના 50 ટકાથી વધુ વિદેશથી આયાત કરે છે. ભાવ સુધારણા પેટર્નને કારણે, LPGની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં દરરોજ સવારે 6 વાગ્યે ક્રૂડ ઓઈલના દર પ્રમાણે બદલાય છે. LPG ના દરો આયાત સમાનતા ભાવ (IPP) ના આધારે નક્કી કરવામાં આવે છે. IPP આંતરરાષ્ટ્રીય પેટ્રોલિયમ પ્રોડક્ટની કિંમતો દ્વારા નક્કી કરવામાં આવે છે. સાઉદી અરામકો દ્વારા નક્કી કરવામાં આવેલા ધોરણના આધારે દર નક્કી કરવામાં આવે છે.
સરકાર માત્ર 5 ટકા GST ચાર્જ કરે છે
સરકાર માત્ર 5 ટકા GST ચાર્જ કરે છે. જ્યારે ગેસ દેશમાં પ્રવેશ કરે છે ત્યારે LPG કંપનીઓ બોટલિંગ, સ્થાનિક પરિવહન, માર્કેટિંગ ખર્ચ, OMC માટે માર્જિન, ડીલર કમિશન અને GST વગેરે ઉમેરીને ગેસની કિંમત નક્કી કરે છે. 14.2 કિલોના સિલિન્ડર પર કુલ વેપારી વિતરણ કમિશન 61.84 રૂપિયા છે. આમાં રૂપિયા 34.24 નો એસ્ટાબ્લિશમેન્ટ ચાર્જ અને રૂપિયા 27.60નો ડિલિવરી ચાર્જ શામેલ છે. LPG સિલિન્ડર પર કુલ 5 ટકા GST લાદવામાં આવે છે. 2.5 ટકા કેન્દ્ર સરકાર અને 2.5 ટકા રાજ્ય સરકાર દ્વારા એકત્રિત કરવામાં આવે છે.