- શ્યામ મેટાલિક્સનો IPO 14 જૂનના રોજ ખૂલશે
- શેરની પ્રાઈઝ બેન્ડ રૂપિયા 303-306 નિયત કરાઈ
- IPOમાં 45 શેરની અરજી કરી શકાશે
અમદાવાદ : શ્યામ મેટાલિક્સ એન્ડ એનર્જિ લિમિટેડના આઈપીઓની ઓફર માટેની પ્રાઇસ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂપિયા 303–306 નક્કી કરવામાં આવી છે. કંપની અને વેચાણકર્તા શેરહોલ્ડરોએ બૂક રનિંગ લીડ મેનેજર્સ ("BRLMs")ની સલાહથી એન્કર રોકાણકારોની ભાગીદારી વિચારી છે, જે બિડ/ઓફરની ખૂલવાની તારીખના એક કાર્યકારી દિવસ પહેલા એટલે કે શુક્રવાર, 11 જૂન, 2021ના રોજ થશે.
ઈશ્યૂની સાઈઝ રૂપિયા 909 કરોડની
ઇશ્યૂનું કુલ કદ રૂપિયા 909 કરોડ સુધીનું છે, જેમાં કુલ રૂપિયા 657 કરોડના ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને વેચાણકર્તા શેરહોલ્ડર્સ દ્વારા કુલ રૂપિયા 252 કરોડ સુધીના ઇક્વિટી શેર્સની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે. કંપની ફ્રેશ ઇશ્યુમાંથી મળનારી ચોખ્ખી ઉપજનો ઉપયોગ તેની પેટાકંપની શ્યામ SEL એન્ડ પાવર લિમિટેડના દેવાની ભરપાઈ કે પૂર્વ ચૂકવણી કરવા તથા અન્ય સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવા વિચારે છે.
કંપની સ્ટીલના ઉત્પાદનોના ક્ષેત્રમાં છે
ગ્રુપ વચગાળાના અને લાંબા ગાળાના સ્ટીલના ઉત્પાદનો જેવા કે, લોખંડની ગોળીઓ, સ્પોન્જ આયર્ન, સ્ટીલ બિલેટ્સ, ટીએમટી, માળખાકીય ઉત્પાદનો, વાયર સળિયા અને ફેરો એલોય ઉત્પાદનો બનાવે છે, જેમાં ઊંચુ માર્જિન આપતા ઉપાદનો જેમ કે કસ્ટમાઇઝ્ડ બિલટ્સ, ખાસ સ્ટીલ ઉપયોગ માટે વિશિષ્ટ ફેરો એલોયઝ પર ખાસ ધ્યાન આપે છે. ગ્રુપ હાલમાં, પિગ આયર્ન, નરમ લોખંડની પાઈપો અને એલ્યુમિનિયમ વરખ જેવા સેગમેન્ટ્સમાં પ્રવેશીને તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોનુ વધુ વૈવિધ્યકરણ કરવાની પ્રક્રિયામાં છે. આ ગ્રુપની મુખ્ય તાકાત સ્ટીલ વેલ્યૂ ચેઇનમાં તેની એકીકૃત કામગીરીમાં અને ભારતના પૂર્વીય વિસ્તારમાં રેલવે, સડક માર્ગો તથા બંદરો સાથે સારી રીતે જોડાયેલા ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં વ્યૂહાત્મક સ્થળોએ આવેલા તેના ઉત્પાદન પ્લાન્ટ્સમાં રહી છે, જેમને કેપ્ટિવ રેલ્વે સાઇડિંગ્સ અને કેપ્ટિવ પાવર પ્લાન્ટ્સ જેવી માળખાગત સુવિધાઓનો ટેકો સાંપડ્યો છે.