- HDFC બેન્કે 4 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈશ્યુ કર્યા
- RBIનો પ્રતિબંધ હટ્યા પછી HDFC બેન્કે ઈશ્યુ કર્યા ક્રેડિટ કાર્ડ
- RBIએ ગયા મહિને HDFC બેન્ક પરથી પ્રતિબંધ હટાવ્યો હતો
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની બેન્ક એચડીએફસી (HDFC)એ ચાર લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કર્યા છે. આ કાર્ડ ગયા મહિને રિઝર્વ બેન્કના પ્રતિબંધ હટ્યા પછી જાહેર કરવામાં આવ્યા છે. બેન્કે આ અંગે જણાવ્યું હતું કે, તેમણે પ્રતિબંધ હટ્યા પછી જ આ ચાર લાખ નવા ક્રેડિટ કાર્ડ જાહેર કરવાનો રેકોર્ડ બનાવ્યો છે. HDFC બેન્કે કહ્યું હતું કે, આ નવા કાર્ડ 21 સપ્ટેમ્બર 2021 સુધી જાહેર કરવામાં આવ્યા છે અને આ બેન્કના ઝડપી વિકાસને દર્શાવે છે. HDFC બેન્કમાં પેમેન્ટ, કન્ઝ્યુમર ફાઇનાન્સ, ડિજિટલ બેન્કિંગ અને આઈટીના સમૂહ પ્રમુખ પરાગ રાવે કહ્યું હતું કે, બેન્ક પોતાના ક્રેડિટ કાર્ડના ગ્રાહકોની સંખ્યાને ઝડપથી વધારશે અને ટૂંક જ સમયમાં ગુમાવેલું બજાર ફરી હાંસલ કરવાનો પ્રયાસ કરશે.
અમે કાર્ડના માધ્યમથી ઉદ્યોગમાં ફેરફાર લાવવા તૈયારઃ HDFC
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, બેન્કે તમામ પ્રકારના ગ્રાહકોમાં રેકોર્ડ વૃદ્ધિ દર હાંસલ કર્યો છે અને એ પણ તમામ વર્ગોમાં સારા ક્લાસના કાર્ડોના માધ્યમથી ઉદ્યોગમાં ફેરફાર લાવવા તૈયાર છે. રાવે કહ્યું હતું કે, અમે પોતાના કાર્ડની સંખ્યાને ખૂબ જ તેજીથી વધારવા માગીએ છીએ. અમને એ જણાવતા ખુશી થઈ રહી છે કે, જ્યારથી પ્રતિબંધ હટ્યો છે. ત્યારથી આ મહિને સપ્ટેમ્બરના અંત સુધીમાં અમે ખૂબ જ ઓછા સમયમાં 4 લાખ નવા કાર્ડ ઈશ્યુ કરી ચૂક્યા છે. અમારા મતે આ મોટી ઉપલબ્ધી છે. સાથે જ મારું માનવું છે કે, આ ખૂબ જ ઓછા સમયમાં ઉદ્યોગમાં મોટું કામ છે. જેમ જેમ અમે આગળ વધીશું. અમારી સતત વૃદ્ધિની રણનીતિ હશે.