ન્યૂઝડેસ્ક : મનપ્રીત બાદલે જણાવ્યું કે GSTનું વળતર અને તેના એરિયર્સ સાથે પંજાબે 6000 કરોડ રૂપિયા કેન્દ્ર સરકાર પાસેથી લેવાના નીકળે છે. વીડિયો કૉન્ફરન્સ પહેલાં જ ઈટીવી ભારતના કૃષ્ણાનંદ ત્રિપાઠી સાથેની ખાસ વાતચીતમાં બાદલે કહ્યું કે કેન્દ્ર સરકાર આ નાણાં ચૂકવી આપે તો પંજાબ પોતાની રીતે કોરોના સામે લડત આપી શકે છે.
કેન્દ્ર GSTનું વળતર ચૂકવી દે તો પંજાબ કોરોના સામે એકલા લડી શકેઃ મનપ્રીત બાદલ - કોરોના વાયરસ
કોરોના વાયરસ સામે આગળ કયા પ્રકારે કાર્યવાહી કરવી તેની ચર્ચા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બધા જ રાજ્યોના મુખ્ય પ્રધાનો સાથે વીડિયો કૉન્ફરન્સ કરી તે દિવસે પંજાબના નાણા પ્રધાન મનપ્રીત બાદલે ઈટીવી ભારત સાથે વાતચીતમાં જણાવ્યું કે કેન્દ્રે રાજ્યને GSTની રકમ ચૂકવી આપવી જોઈએ.
રાજ્યો પાસે મહેસૂના સ્રોત મર્યાદિત હોય છે, ત્યારે તેમણે એવી પણ માગણી કરી કે FRBM Act હેઠળ રાજ્યો કેટલી ખાધ રાખી શકે તેની મર્યાદા છે તે વધારવી જોઈએ. લૉકડાઉનના કારણે અર્થતંત્રને થયેલા નુકસાન પછી તેને દોડતું કરવા માટે આર્થિક પેકેજની પણ તેમણે માગણી કરી. બાદલ સાથેની વાતચીતના અંશો:
ઈટીવી ભારતઃ કોરોના સામેની લડતમાં કેન્દ્ર પાસેથી તમે શું મદદ માગી રહ્યા છો?
મનપ્રીત બાદલઃ કેન્દ્ર સરકાર અમને GSTનું વળતર અને એરિયર્સ ચૂકવી આપે તો અમે જાતે કોરોનાનો સામનો કરી શકીએ તેમ છીએ.
ઈટીવી ભારતઃ દર બે મહિને રાજ્યોને વળતર ચૂકવાતું હોય છે તો હાલમાં GSTના હિસ્સાની સ્થિતિ શું છે?
મનપ્રીત બાદલઃઅમારે લગભગ 6000 કરોડ રૂપિયા લેવાના થાય છે તે કેન્દ્ર સરકારે તરત ચૂકવી આપવા જઈએ. અમારું કેટલુંક એરિયર્સ પણ પેન્ડિંગ છે. એટલે અમારું કહેવું છે કે બીજી મદદ ના કરો તો કંઈ નહિ, અમારા લેણાં નીકળે છે તે કમસે કમ આપી દો.
ઈટીવી ભારતઃ ધિરાણ લેવાની મર્યાદા વધારવામાં આવે એવી તમારી માગણી છે?
મનપ્રીત બાદલઃ એક પણ રૂપિયાની વેરાની આવક આવી રહી નથી. પેટ્રોલ, ડિઝલ, શરાબનું વેચાણ બંધ થઈ ગયું છે. એ જ રીતે મિલકતોના સોદા અટક્યા છે એટલે સ્ટેમ્પ અને રજિસ્ટ્રેશનની આવક અટકી છે. ટૂંકમાં આવક અટકી પડી છે.
આવક હોય નહિ તેની સામે પગાર સહિતના ખર્ચા તો કરવા જ પડે. સાથે જ પેન્શન ચૂકવવું પડે અને અમારું દેવું હોય તેનું વ્યાજ ચૂકવવું પડે ભવિષ્યમાં કેવી રીતે સરકાર ચલાવીશું તે સમજાતું નથી. કેન્દ્ર સરકારની પણ આ જ સ્થિતિ છે. આમ છતાં અમે મર્યાદાથી વધારે ધિરાણ લઈ શકીએ નહિ. અમે કંઈ નોટો પણ છાપી શકીએ નહિ. તેની સામે કેન્દ્ર વધારે ધિરાણ લઈ શકે છે અને કરન્સી પણ છાપી છે. આ બધું પણ કેન્દ્ર સરકારે જોવું જોઈએ. આ માત્ર પંજાબની વાત નથી, બધા રાજ્યોની છે. કેન્દ્ર સરકારે એ જોવું પડશે કે કઈ રીતે અર્થતંત્રને ફરીથી બેઠું કરીએ.
ઈટીવી ભારતઃ કેટલાક રાજ્યોએ કર્યું છે તે પ્રમાણે તમે સરકારી કર્મચારીના પગારોમાં કાપ મૂકવાનું વિચારો છો?
મનપ્રીત બાદલઃ તે માટે અમે વિચાર્યું નથી, કેમ કે માર્ચમાં અમને વેરાની આવક થયેલી તેમાંથી પગારો ચૂકવી શકાશે. પરંતુ જો એપ્રિલમાં વેરાની આવક નહિ થાય તો મે મહિનામાં મુશ્કેલી થઈ શકે છે, તો ત્યારે વિચારીશું.