નવી દિલ્હી : ડીઝલના ભાવમાં મંગળવારે 7 દિવસ બાદ ઉછાળો આવ્યો છે. પેટ્રોલના ભાવમાં કોઇ ફેરફાર થયો નથી. ઓઇલ કંપનીઓએ ડીઝલની કિંમતમાં 25 પૈસાનો વધારો કર્યો છે. જોકે આંતરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલની કિંમત નીચે છે.
જાણકારોનું કહેવું છે કે દુનિયાભરમાં કોરોનાના પ્રકોપના લીધે ક્રૂડ ઓઇલની માગ ઘટવાની આશંકાઓ વચ્ચે કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. દિલ્હી અને કલકત્તામાં ડીઝલના ભાવમાં 25 પૈસા, મુંબઇમાં 22 પૈસા અને ચેન્નઈમાં 19 પૈસા પ્રતિ લિટરનો વધારો કરવામાં આવ્યો છે. આ મહિનામાં પહેલીવાર ડીઝલની કિંમતમાં વધારો થયો છે, ત્યારબાદ દિલ્હીમાં અનલોક દરમિયાન ડીઝલ 11.39 રૂપિયા મોંઘુ થઈ ગયું છે.
આંતરરાષ્ટ્રીય વાયદા બજાર ઇન્ટરકોન્ટિનેંટલ એક્સચેંજ (ICE) પર બેંચમાર્ક ક્રૂડ ઓઇલ બ્રેંટ ક્રૂડના સપ્ટેમ્બર વાયદા કોન્ટ્રાક્ટમાં ગત સત્રમાં 0.35 ટકાની મજબૂતી સાથે 42.95 ડોલર પ્રતિ બેરલ પર કારોબાર ચાલી રહ્યો છે, જ્યારે તે પહેલાં સોમવારે બ્રેંટનો ભાવ કારોબાર દરમિયાન 43.09 ડોલર પ્રતિ બેરલ સુધી ઉછળ્યો હતો.