નવી દિલ્હી: દેશ હવે અનલોક-1માં ફરીથી ટ્રેક પર પાછો આવી રહ્યો છે, ત્યારે લોકડાઉન પછી ફરીથી કામ શરૂ કરવા માટે દરેક ક્ષેત્રમાં કેટલાક નિયમો અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. જેમાં DGCAએ એરલાઇન્સ માટે કેટલીક માર્ગદર્શિકા બહાર પાડી છે.
ફ્લાઇટ્સમાં શક્ય હોય તો વચ્ચેની સીટ ખાલી રાખો: DGCA
DGCAના જણાવ્યા મુજબ એરલાઇન્સે ફ્લાઇટ્સમાં એવી રીતે સીટો ફાળવવા જોઈએ કે, જ્યાં વચ્ચેની સીટ શક્ય હોય ત્યાં સુધી ખાલી રહે. સરકારે 25 મેથી દેશમાં ત્રીજા ભાગની ફ્લાઇટને મંજૂરી આપી હતી.
DGCAએ કહ્યું કે, ફ્લાઇટ્સમાં બેઠકોની વ્યવસ્થા એવી રીતે ગોઠવવી જોઈએ કે, શક્ય હોય ત્યાં સુધી વચ્ચેની સીટ ખાલી રહે. જો પ્રવાસીને ફ્લાઇટમાં મધ્યમ બેઠક ફાળવવામાં આવે તો તેને માસ્ક અને બોડી માસ્કથી કવર કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે, 25 મેથી સરકારે દેશમાં ત્રીજા ભાગની ફ્લાઇટને મંજૂરી આપી હતી. આ માટે સરકારે લોકોની સુવિધા માટે ટિકિટના દર પણ નક્કી કર્યા હતાં.
નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા 2,000થી 18,600 સુધીનું ભાડુ નક્કી કરવામાં આવ્યું છે. ગૃહમંત્રાલયે નવી માર્ગદર્શિકામાં કહ્યું છે કે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવા હાલ પુરતી સ્થગિત રાખવામાં આવશે. જો કે, પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યા પછી આ સેવા પુનઃ સ્થાપિત કરવાનો નિર્ણય લેવામાં આવશે.