વિશ્વ ભરમાં લગભગ ત્રીસ લાખ લોકોને મારી નાખનાર કૉવિડ-૧૯ વૈશ્વિક રોગચાળાના ફાટી નીકળવાથી ભારતીય મૂડીરોકાણકારોની લાગણીઓ જરા પણ નીચી નથી થઈ. પબ્લિક ઇસ્યૂ અને રાઇટ્સ ઇસ્યૂ બંનેમાં મૂડીરોકાણ ગયા નાણાકીય વર્ષ કરતાં ઊંચું છે, તેમ નાણાં મંત્રાલયે ૧૪ એપ્રિલે જાહેર કરેલા તાજા આંકડા બતાવે છે.
આઈપીઓ અને એફપીઓ સહિત પબ્લિક ઑફર દ્વારા ઉઘરાવાયેલા ભંડોળની રકમ ગયા વર્ષ કરતાં બમણી છે, જ્યારે મ્યુચ્યુઅલ ફંડના અદ્વિતીય મૂડીરોકાણકારોની સંખ્યામાં રોગચાળાથી સર્જાયેલી પ્રતિકૂળ આર્થિક અસર છતાં દસ ટકા વધારો થયો છે.
ગત નાણાકીય વર્ષમાં, ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (આઈપીઓ) સહિત પબ્લિક ઇસ્યૂ દ્વારા કંપનીઓએ રૂ. ૪૬,૦૦૦ કરોડ ઊભા કર્યા હતા અને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. ૬૪,૦૦૦ કરતાં વધુ રકમ ઊભી કરી હતી. ગયા નાણાકીય વર્ષ દરમિયાન ઊભા કરાયેલા ભંડોળની સરખામણીએ અનુક્રમે ૧૧૫ ટકા અને ૧૫ ટકાનો વધારો જોવા મળ્યો છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં, કંપનીઓએ પબ્લિક ઇશ્યૂ દ્વારા રૂ.૨૧,૩૮૨ કરોડ અને રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. ૫૫,૬૭૦ કરોડ જ ઊભા કર્યા હતા.
આઈપીઓ, એફપીઓ, રાઇટ્સ ઇશ્યૂ
નાણા મંત્રાલયે એકઠી કરેલી માહિતીનું વિશ્લેષણ દર્શાવે છે કે નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કંપનીઓએ ૬૦ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ (રૂ. ૨૧,૩૪૫ .૧૧ કરોડ) અને બે તે પછીના પબ્લિક ઑફરિંગ (એફપીઓ રૂ. ૩૭.૨૪ કરોડ) દ્વારા રૂ. ૨૧,૩૮૨.૩૫ કરોડ ઊભા કર્યા હતા.
જોકે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં, કંપનીઓએ રૂ. ૪૬,૦૨૯.૭૧ કરોડ ઊભા કર્યા હતા, જેમાંથી રૂ. ૩૧,૦૨૯.૭૧ ૫૫ ઇનિશિયલ પબ્લિક ઑફરિંગ દ્વારા અને રૂ. ૧૫,૦૦૦ કરોડ એક ફૉલૉ ઑન પબ્લિક ઑફર (એફપીઓ) દ્વારા ઊભા કર્યા હતા.
વર્ષ ૨૦૧૯-૨૦માં, કંપનીઓએ ૧૭ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. ૫૫,૬૬૯.૭૯ કરોડ ઊભા કર્યા હતા. જ્યારે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ૨૧ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ.૬૪,૦૫૮.૬૧ કરોડ ઊભા કરાયા હતા જે ૧૫ ટકા વધુ છે.
કુલ મળીને, કંપનીઓએ ગયા નાણાકીય વર્ષમાં ૫૫ આઈપીઓ, ૧ એફપીઓ અને ૨૧ રાઇટ્સ ઇશ્યૂ દ્વારા રૂ. ૧,૧૦,૦૮૮.૩૨ કરોડ ઊભા કર્યા હતા જે રૂ. ૩૩,૦૩૬ કરોડ (ગત નાણાકીય વર્ષ કરતાં ૪૩ ટકા) વધુ છે.