ગરીબો, ખેડૂતો, બિનઆયોજિત શ્રમિકો અને નિમ્ન વર્ગના લોકો પર બજેટમાં ધ્યાન કેન્દ્રીત થતું આવ્યું છે, પણ આ વખતે આમ આદમીના હાથમાં વધુ પૈસા રહે તેવાં મોટાં પગલાં ભરવામાં આવે તેવી અપેક્ષા રહે છે.તે માટે વેરાના દર ઘટાડવા પડે, રોજગારી વધારવી પડે અથવા નાણાંની તરલતા વધારવી પડે.સિતારમણે થોડા મહિના પહેલાં કૉર્પોરેટ ટેક્સમાં ઘટાડો કર્યો હતો. તેના કારણે આમ આદમીની અપેક્ષા એવા સુધારાની છે, જેથી પોતાના હાથમાં પણ થોડા પૈસા બચશે.
આપણી વસતિ 130 કરોડને વટાવી ગઈ છે, પણ આવક વેરો ભરનારાની સંખ્યા માત્ર 5.65 કરોડ છે. તેથી સૌને અપેક્ષા છે કે આવક વેરાના સ્લેબમાં નાણાં પ્રધાન ફેરફાર કરશે.
હાલમાં પાંચ લાખ રૂપિયા સુધી (રિબેટ બાદ કર્યા બાદ) કોઈ વેરો ભવાનો આવતો નથી, પણ આવક વેરાની મૂળ મર્યાદા અઢી લાખ રૂપિયાની છે, તે વધારીને પાંચ લાખ કરવામાં આવી નથી.
વેરા વિભાગ અનુસાર 97 લાખ વ્યક્તિગત કરદાતા 5થી 10 લાખ રૂપિયા વચ્ચેની આવક દર્શાવે છે અને તેમની પાસેથી સરકારને 45,000 કરોડ રૂપિયા મળે છે. તેમાંથી સૌથી મોટો ફાળો નોકરિયાત વર્ગનો છે.તેથી નોકરિયાત વર્ગમાં વેરા રાહતની સૌથી વધુ અપેક્ષા છે. જો સરકાર આવક વેરામાં ઘટાડો કરશે તો ગ્રાહકો વધારે ખર્ચ કરી શકશે અને માગ નીકળશે.સૌથી ઉપરના તબક્કે 10 લાખથી વધુની આવક ધરાવનારા પર 30% સુધીનો આવક વેરો લેવામાં આવે છે. સૌથી ઊંચા દરની આવક વેરા માટેની મર્યાદામાં વધારવામાં આવશે તો તેનાથી ગ્રાહક બજારમાં મૂડ સુધરી શકે છે.
ડાયરેક્ટ ટેક્સ કોડના ટાસ્ક ફોર્સ તરફથી સૂચન કરાયું છે કે 30% વેરો હાલના 10 લાખ રૂપિયાના બદલે 20 લાખની આવક ઉપર લેવામાં આવે.10થી 20 લાખની આવક માટે 20%, જ્યારે અઢી લાખથી 10 લાખની આવક સુધીમાં 10% વેરો રાખી શકાય છે.હાલમાં હાઉસિંગ લોન પરનું વ્યાજ બે લાખ સુધી બાદ મળે છે. આ ઉપરાંત 2019-20માં દાખલ કરવામાં આવેલી 80EEA હેઠળ, 45 લાખથી ઓછી કિંમતના મકાન પર લેવાયેલી લોન માટેનું દોઢ લાખ સુધીનું વધારાનું વ્યાજ બાદ મળી શકે છે.
જો કે શહેરોમાં મકાનોની કિંમત ઘણી ઊંચી હોય છે, તેથી આવી રીતે અમુક જ મૂલ્યના મકાનો માટે વ્યાજ બાદ મળે તે જોગવાઈનો અર્થ નથી. પ્રથમ મકાન ખરીદનારા ગ્રાહકને મકાનના ક્ષેત્રફળ કે કિંમતને ધ્યાનમાં લીધા વિના વધારે વ્યાજ બાદ મળવું જોઈએ. તેના કારણે બહુ જરૂરી એવું પ્રોત્સાહન રિઅલ એસ્ટેટ સેક્ટરને મળશે.એ જ રીતે Section 80C હેઠળ જુદી જુદી બચત માટે દોઢ લાખ રૂપિયા સુધીનું રોકાણ બાદ મળે છે. જીવનધોરણ મોંઘું બન્યું છે ત્યારે આ મર્યાદામાં પણ વધારો કરવો જરૂરી છે.
બાળકોની ટ્યુશન ફી, જીવન વીમાનું પ્રિમિયમ અને હાઉસિંગ લોનના હપ્તાની મૂળ રકમ અલગથી બાદ મળવી જોઈએ. એનપીએસમાં વ્યક્તિગત રોકાણ બાદ મળે છે તેમાં પણ ₹50,000નો વધારો કરવાની માગણી છે.નોંધાયેલા શેર ટ્રાન્સફર કરવાથી એક લાખ રૂપિયાથી વધુની આવક થાય તેના પર લોન્ગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે 10 ટકા વેરો લેવામાં આવે છે, તેમાં પણ ફેરફાર કરવાની માગણી છે. એક લાખ રૂપિયાની મર્યાદા બહુ ઓછી છે, કેમ કે ઘણા બધા લોકોએ ઘણા વર્ષોથી મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રાખ્યું હોય છે.
સમગ્ર રીતે જીવન જરૂરિયાતની વસ્તુઓના દર બહુ ઊંચા ગયા છે. તેમાં ઘટાડો કરીને તેને પરવડે તેવા કરવા જરૂરી છે. એવી પણ અપેક્ષા છે કે કેટલીક વસ્તુઓ પર જીએસટીના દર ઘટાડવામાં આવશે, જેથી માગમાં વધારો થાય અને અર્થતંત્રને નીચે જતું અટકાવી શકાય.
- શેખર ઐયર