- JioPhone Next બાદ મુકેશ અંબાણીએ કરી 5G સર્વિસની જાહેરાત
- શરૂઆતી પરીક્ષણોમાં 5Gની ટોચની સ્પીડ 16 GBPS નોંધવામાં આવી
- આ સ્પીડથી ફિલ્મ એક સેકન્ડ કે તેથી ઓછા સમયમાં થશે ડાઉનલોડ
ન્યૂઝ ડેસ્ક : આજે ગુરૂવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 44મી એન્યુઅલ જનરલ મીટિંગ (Reliance AGM 2021)માં મુકેશ અંબાણીએ ગૂગલ અને રિલાયન્સ જિઓની પાર્ટનરશિપથી તૈયાર કરાયેલા નવા સ્માર્ટફોન જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની જાહેરાત કરી હતી. સામાન્ય માણસોના બજેટને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલા સ્માર્ટફોન બાદ તેમણે 5G સર્વિસની જાહેરાત પણ કરી હતી. 5G સર્વિસ માટે કંપની દ્વારા કરાયેલા પરિક્ષણોમાં જિઓની ટોચની સ્પીડ 16GB પર સેકન્ડ હતી. આ સ્પીડથી કોઈપણ ફિલ્મ એક સેકન્ડમાં ડાઉનલોડ થઈ શકે છે.
દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક - મુકેશ અંબાણી
મુકેશ અંબાણીએ જણાવ્યું હતું કે, "દેશને 2Gથી મુક્ત અને 5Gથી યુક્ત કરવાનો અમારો લક્ષ્યાંક છે. આ સ્માર્ટફોનની ઓપરેટિંગ સિસ્ટમ જિઓ અને ગૂગલ દ્વારા સાથે મળીને તૈયાર કરવામાં આવી છે. એન્ડ્રોઈડ બેઝ્ડ આ સ્માર્ટફોન ખૂબ જ વ્યાજબી ભાવે સામાન્ય લોકોના બજેટને અનુલક્ષીને તૈયાર કરાયો છે. એન્ડ્રોઈડ અને ગૂગલના કારણે ઉપયોગકર્તાઓ ગૂગલ પ્લે સ્ટોરમાંથી તમામ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશે. સ્માર્ટફોનની કેમેરા ક્વોલિટી અને એન્ડ્રોઈડ વર્ઝન પણ અપડેટેડ હશે." જોકે, જિઓફોન નેક્સ્ટ (JioPhone Next)ની કિંમત અંગે તેમણે કંઈ જણાવ્યું ન હતું.