કુરુક્ષેત્રઃ અત્યારે ભારતમાંથી વિદેશ જઈ કમાવવા તેમજ વસી જવા માટે યુવકો તલપાપડ હોય છે. જો કે આ ચીલામાં અલગ તરી આવે છે કુરુક્ષેત્રના અશ્વિનીકુમાર. આ યુવક ઓસ્ટ્રેલિયામાં હોટલ મેનેજમેન્ટ ક્ષેત્રે હાઈ સેલરી પેકેજ જોબ મળી હતી. માદરે વતનના પ્રેમ ખાતર અશ્વિનીએ વિદેશને કાયમ માટે અલવિદા કહીને પોતાના વતન પરત આવી ગયા. અહીં તેમણે સ્ટાર્ટઅપ શરુ કર્યુ અને સફળ રહ્યા. આજે અશ્વિનીકુમાર અને તેમનું કેડી ફાર્મ અનેક યુવકો માટે પ્રેરણારુપ બન્યા છે.
કુરુક્ષેત્રના મંથાના ગામમાં રહેતા અશ્વિનીકુમારે હોટલ મેનેજનેન્ટનો અભ્યાસ કર્યો હતો. તેમણે ઓસ્ટ્રેલિયામાં 7 વર્ષ હાઈ સેલરી પેકેજની નોકરી કરી. તેમણે ઓસ્ટ્રેલિયન સિટિઝનશિપ પણ મળી ગઈ હતી. જો કે હૃદયમાં માતૃભૂમિનો પ્રેમ હિલોળા લેતો હતો. વિદેશમાં માણસ માત્ર મશિન બનીને રહી જાય છે, તેની કોઈ સોશિયલ લાઈફ રહેતી નથી. આવું માનનાર અશ્વિનીકુમારે ભારત પરત ફરવાનો નિર્ણય લીધો. તેમજ પોતાની આસપાસના લોકો માટે કંઈક કરવા મન બનાવી લીધું. તેમણે કંઈક એવું કરવાનું નક્કી કર્યુ કે જેનાથી તેઓ પોતાના અને અન્ય માટે રોજગાર પેદા કરી શકે.
2015માં ભારત પરત ફરેલા અશ્વિનીકુમારે ડેરી ક્ષેત્રમાં નસીબ અજમાવવાનું નક્કી કર્યુ. તેઓ ખેડૂત પરિવારમાંથી આવતા હોવાથી તેમણે ડેરી વિષયક જાણકારી હતી. તેમણે મોટા પાયે તબેલો બનાવ્યો જેમાં 80થી 90 ગાયોનો સમાવેશ થતો હતો. મીડિયામાં નકલી દૂધ અને તેની બનાવટોની જાહેરાત જોઈને અશ્વિનીકુમારે લોકોને શુદ્ધ દૂધ આપવાનો નિશ્ચય કર્યો. તેઓ કોઈપણ પ્રકારની મિલાવટ વિનાનું શુદ્ધ દૂધ ગ્રાહકોને પૂરુ પાડવા માંગતા હતા. જેથી તેમના આરોગ્યને નુકસાન ન પહોંચે. આ ઉદ્દેશ્ય સાથે તેમણે ડેરી ફાર્મ શરુ કર્યુ.
અશ્વિનીકુમારનું લક્ષ્ય અનેક પડકારોથી ભરેલ હતું. તેમણે સ્ટાર્ટઅપ શરુ કર્યુ ત્યારે સમાજે ટોણા પણ માર્યા હતા. લોકો તેમને હાઈ પ્રોફાઈલ લાઈફ સ્ટાઈલ છોડીને અહીં છાણ ચૂંથવા કેમ આવ્યો તેવું સંભળાવતા હતા. અશ્વિનીકુમારે આ બધા પર ધ્યાન આપવાને બદલે માત્ર પોતાના લક્ષ્ય પર ફોકસ કર્યુ. અશ્વિનીકુમારને સફળતા મળશે જ તેવો ભરોસો હતો. અશ્વિનીકુમારે રાત દિવસ મહેનત કરી હતી.
અશ્વિનીકુમારને શરુઆતમાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. દૂધમાં ભેળસેળ ન કરવાથી અને શુદ્ધ દૂધ પૂરુ પાડવાથી તેમને બહુ નફો થતો નહતો. ત્રણ ચાર વર્ષ બાદ અશ્વિનીકુમારને અંદાજ આવ્યો કે લોકો શુદ્ધ અને ભેળસેળવાળા દૂધમાં ફરક સમજતા નથી તેઓ માત્ર ઓછી કિંમતનું દૂધ ખરીદી લે છે. ત્યારબાદ તેમણે દૂધથી બનેલ ઉત્પાદનો વેચવાનું શરુ કર્યુ. આ ઉત્પાદનો કેડી ફ્રેશના બેનર નીચે વેચાવા લાગ્યા. તેમણે લોકોના ઘરે શુદ્ધ દૂધ પહોંચાડ્યું તે રીતે શુદ્ધ દૂધમાંથી બનેલ ઉત્પાદનો પણ પહોંચાડવાનું નક્કી કર્યુ. આ માટે તેમણે અનેક જિલ્લાઓમાં પોતાના સ્ટાર્ટ અપના આઉટલેટ શરુ કર્યા. હવે તેમના આઉટલેટ પરથી મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે. આ આઉટલેટ પર અશ્વિનીકુમાર શુદ્ધ દૂધમાંથી બનેલ અનેક પ્રકારની ગુલ્ફી, આઈસક્રીમ, ફ્લેવર્ડ મિલ્ક, દહી, રબડી, રસમલાઈ, ખોયા તેમજ ખોયાની બરફી વગેરે વેચી રહ્યા છે.
અશ્વિનીકુમારે પોતાના ડેરી ફાર્મ અને આઉટલેટ્સ પર 20થી વધુ લોકોને રોજગાર પૂરો પાડ્યો છે. તેમના ત્યાં કામ કરતા લોકો બહુ ખુશ છે. તેમનું જીવનધોરણ પણ સુધર્યુ છે. તેમને યોગ્ય મજૂરી મળી રહી છે. અશ્વિનીકુમારના એક આઉટલેટ પર નોકરી કરનાર રીના જણાવે છે કે જ્યારથી અહીં નોકરી કરુ છું ત્યારથી મારુ જીવનધોરણ બહુ સુધર્યુ છે. રીના વધુમાં જણાવે છે કે પહેલા તે મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી પરંતુ તે પૂરતુ નહતું. જ્યારથી અહીં કામ કરવા આવી છું ત્યારથી હું પરિવારનું સારી રીતે ગુજરાન ઉપરાંત બચત પણ કરી શકું છું. રીનાને અશ્વિનીકુમારના આઉટલેટ પર કામ કરીને બહુ ખુશી મળે છે. મૂળ બિહારના પંકજ નામક અન્ય એક વર્કર જણાવે છે કે હું અહીંથી એટલી કમાણી કરું છું કે મારા ઘરે પૈસા મોકલી શકુ છું.
અશ્વિનીકુમાર યુવાનોને સલાહ આપે છે કે વિદેશની ચમક દમકથી દૂર રહો અને પોતાના દેશમાં સ્વરોજગાર ઊભો કરીને પોતાનું જીવનધોરણ સુધારો. સરકાર પણ એવી અનેક યોજના ચલાવી રહી છે જે યુવાનોને મદદરુપ થઈ શકે છે.
- Surat News: MBA નણંદ અને ભાભીએ યુટ્યુબ પરથી ચીઝ કેક બનાવવાની રીત શીખીને સ્ટાર્ટ અપ કર્યું
- Gujarat Government Start Up: સ્ટાર્ટઅપ ક્ષેત્રે આ ધોરણના વિદ્યાર્થીઓને મળશે આ નવી તકો...