- યોગી સરકાર આજે રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરી શકે છે
- રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતનો પ્રવાસ છોડીને ફરી લખનઉ
- 6થી 7 નવા ચહેરાઓને પ્રધાન પદના શપથ અપાવવાની ચર્ચા
લખનઉ, ઉત્તરપ્રદેશ: યોગી આદિત્યનાથ સરકાર આજે રવિવારે કેબિનેટનું વિસ્તરણ કરવા જઈ રહી છે. આ કેબિનેટ વિસ્તરણ આજે (રવિવારે) સાંજે 5.30 વાગ્યે થવાની ધારણા છે. આ દરમિયાન 6થી 7 નવા ચહેરાઓને પ્રધાન પદના શપથ અપાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ ગુજરાતનો પ્રવાસ છોડીને ફરી લખનઉ આવી રહ્યા છે.
મુખ્યપ્રધાન યોગી દ્વારા પ્રધાનોના નામોને અંતિમ રૂપ
તમામ અધિકારીઓને રવિવારે રાજભવન બોલાવવામાં આવ્યા છે. બીજી બાજુ, ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, ભાજપના પ્રભારી રાધા મોહન સિંહ, પ્રદેશ પ્રમુખ સ્વતંત્ર દેવ સિંહ પ્રધાનમંડળમાં સમાવવાના નામોને અંતિમ રૂપ આપી રહ્યા છે. ETV Bharat ને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, પ્રધાન તરીકે શપથ ગ્રહણ કરનારાઓની યાદીમાં ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બેબી રાની મૌર્ય, કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા જિતિન પ્રસાદ સહિતના અન્ય નામો સામેલ છે.
OBC ચહેરા તરીકે ધરમવીર પ્રજાપતિની ચર્ચા
આ સિવાય યુપીના વ્રજ પ્રદેશમાંથી આવતા ભાજપના MLC ધરમવીર પ્રજાપતિને પણ કેબિનેટમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટી વ્રજ ક્ષેત્રમાં પ્રાદેશિક સમીકરણો બનાવવાની કોશિશ કરતી જોવા મળશે, સાથે સાથે OBC ચહેરા તરીકે માન્યતા ધરાવતા ધરમવીર પ્રજાપતિને પ્રધાન તરીકે રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરશે.
દલિત ચહેરા તરીકે પ્રધાન પદ માટે પલટૂ રામનું નામ
ધરમવીર પ્રજાપતિ ભાજપના વરિષ્ઠ નેતાઓમાંના એક છે અને તેમણે ઘણી મહત્વની જવાબદારીઓ પણ નિભાવી છે. દલિત ચહેરામાં બલરામપુરના ધારાસભ્ય પલટૂ રામનું નામ પણ પ્રધાન બનનારાઓમાં સામેલ છે. ભાજપ ચૂંટણી પહેલા દલિત ચહેરા તરીકે પ્રધાન પદની જવાબદારી આપીને દલિતોમાં મોટો સંદેશ આપવાનો પ્રયત્ન કરશે. એ જ રીતે ગાઝીપુરના મહિલા ધારાસભ્ય સંગીતા બિંદ પણ આજે સાંજે પ્રધાનના શપથ લેવા જઈ રહ્યા છે.