નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI) એ શુક્રવારે તેના ભૂતપૂર્વ પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના નિવાસ સ્થાનેથી તેનું કાર્યાલય ખસેડ્યું હતું, જેના પર રમતગમત મંત્રાલયે તાજેતરમાં ગંભીર વાંધો ઉઠાવ્યો હતો. બ્રિજ ભૂષણનું ઘર ખાલી કર્યા પછી WFI નવી દિલ્હીમાં નવા સરનામાથી કામ કરશે. એક સૂત્રએ નામ ન આપવાની શરતે પીટીઆઈને જણાવ્યું હતું. WFI ની નવી ઓફિસ નવી દિલ્હીના હરિનગરમાં છે.
24 ડિસેમ્બરે રમત મંત્રાલયે પ્રમુખ સંજય સિંહના નેતૃત્વ હેઠળ WFIની નવી ચૂંટાયેલી પેનલને તેની ચૂંટણીના માત્ર ત્રણ દિવસ બાદ સસ્પેન્ડ કરી દીધી હતી. મંત્રાલયે સસ્પેન્શનની કાર્યવાહી માટે બ્રિજ ભૂષણના નિવાસસ્થાનથી ચાલતી WFIની ઓફિસને પણ ટાંકી હતી.
મંત્રાલયે તેના પત્રમાં કહ્યું હતું કે, 'ફેડરેશનનું કામકાજ પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ દ્વારા નિયંત્રિત નિવાસસ્થાનથી ચલાવવામાં આવે છે અને આ તે કથિત પરિસર છે જેમાં ખેલાડીઓની જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે અને આ મામલો હાલમાં કોર્ટમાં પેન્ડિંગ છે. .'