ધર્મશાલાઃક્રિકેટ વર્લ્ડ કપ 2023માં બીજો મોટો અપસેટ થયો છે. ધર્મશાલાના SPCA સ્ટેડિયમમાં નેધરલેન્ડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી મેચમાં નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 38 રને હરાવીને સૌને ચોંકાવી દીધા હતા. નેધરલેન્ડ દ્વારા આપવામાં આવેલા 43 ઓવરમાં 246 રનના ટાર્ગેટના જવાબમાં દક્ષિણ આફ્રિકાની આખી ટીમ 42.5 ઓવરમાં 207 રન પર જ ઓલ આઉટ થઇ ગઈ હતી અને 38 રનથી મેચ હારી ગઈ હતી. આ રીતે નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકા સામે ઐતિહાસિક જીત હાંસલ કરી હતી. આ મેચમાં નેધરલેન્ડની ટીમ રમતના દરેક વિભાગમાં દક્ષિણ આફ્રિકાની ટીમ કરતા ચઢિયાતી સાબિત થઈ હતી.
વર્લ્ડ કપમાં નેધરલેન્ડનો ત્રીજો વિજય :ક્રિકેટ વર્લ્ડ કપના ઈતિહાસમાં નેધરલેન્ડની આ માત્ર ત્રીજી જીત છે, જે તેને 16 વર્ષ બાદ મળી છે. નેધરલેન્ડે અત્યાર સુધીમાં કુલ 21 વર્લ્ડ કપ મેચ રમી છે જેમાંથી તેણે માત્ર 3માં જ જીત મેળવી છે. આ જીત નેધરલેન્ડ માટે પણ ખાસ છે કારણ કે તેણે વર્લ્ડ કપમાં દક્ષિણ આફ્રિકા જેવી મજબૂત ટીમને હરાવી છે. આ પહેલા નેધરલેન્ડે 2007માં સ્કોટલેન્ડ અને 2003માં નામિબિયાને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકા સામે નેધરલેન્ડની આ પ્રથમ જીત છે.
નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો :વરસાદથી પ્રભાવિત મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા નેધરલેન્ડે 43 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 245 રન બનાવ્યા હતા. નેધરલેન્ડ માટે કેપ્ટન સ્કોટ એડવર્ડ્સે 78 રનની અણનમ ઇનિંગ રમી હતી. રોલોફ વાન ડેર મર્વેએ પણ 29 રનનું યોગદાન આપ્યું હતું. 10માં નંબર પર બેટિંગ કરવા આવેલા આર્યન દત્તે 9 બોલમાં અણનમ 23 રન ફટકારીને નેધરલેન્ડનો સ્કોર 43 ઓવરમાં 245 રન સુધી પહોંચાડ્યો હતો. આ રીતે નેધરલેન્ડે દક્ષિણ આફ્રિકાને 43 ઓવરમાં 246 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
દક્ષિણ આફ્રિકા ટીમ લક્ષ્યથી પાછળ રહી : નેધરલેન્ડે આપેલા 246 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની ટીમ 42.5 ઓવરમાં 207 રનના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી. નેધરલેન્ડના તમામ બોલરોએ શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાના બેટ્સમેનોને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધા હતા. દક્ષિણ આફ્રિકાની અડધી ટીમ બે આંકડાને પાર કરી શકી ન હતી. ડેવિડ મિલરે સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. જ્યારે નેધરલેન્ડ માટે લોગાન વેન બીકે સૌથી વધુ 3 વિકેટ લીધી હતી. પોલ વાન મીકેરેન, રોલોફ વાન ડેર મર્વે અને બાસ ડી લીડેએ 2-2 વિકેટ લીધી હતી. કોલિન એકરમેનને પણ 1 સફળતા મળી.
- WORLD CUP 2023: ICCએ અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન ગુરબાઝને આપ્યો ઠપકો, જાણો શું છે આખો મામલો
- World Cup 2023 : વાયરલ ફીવરની ઝપેટમાં પાકિસ્તાની ટીમ, મોટાભાગના ખેલાડીઓ સ્વસ્થ, કેટલાક નિરીક્ષણ હેઠળ