ધર્મશાલાઃHPCA સ્ટેડિયમ ધર્મશાલા ખાતે ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી મેચમાં ભારતે ન્યૂઝીલેન્ડ સામે 4 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. ભારતની આ જીત ખૂબ જ ખાસ છે કારણ કે તેણે 20 વર્ષ બાદ વર્લ્ડ કપની મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવ્યું છે. ભારતે ન્યૂઝીલેન્ડે આપેલા 274 રનના લક્ષ્યાંકને 48 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારતની જીતના હીરો ફાસ્ટ બોલર મોહમ્મદ શમી અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી હતા.
મોહમ્મદ શમીએ 5 વિકેટ લીધી હતી : ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની પોતાની પ્રથમ મેચ રમી રહેલા ભારતના સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ આ મેચમાં 10 ઓવરમાં 54 રન આપીને સૌથી વધુ 5 વિકેટ લીધી હતી. શમીએ ઘાતક બોલિંગ કરતી વખતે વિલ યંગ, રચિન રવિન્દ્ર, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર અને મેટ હેનરીને પોતાનો શિકાર બનાવ્યો હતો. આ મેચ વિનિંગ પ્રદર્શન માટે મોહમ્મદ શમીને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
કોહલીની બીજી વિરાટ ઇનિંગ : 'ચેઝ માસ્ટર' વિરાટ કોહલીએ ન્યૂઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 274 રનના ટાર્ગેટને હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક તરફ કોહલીએ શાનદાર ઇનિંગ રમીને ભારતને જીતની ઉંબરે પહોંચાડી દીધું હતું. જો કે, કોહલી તેની 49મી ODI સદી 5 રનથી ચૂકી ગયો, પરંતુ તેણે પોતાની ઇનિંગ્સથી ભારતને જીત તરફ દોરી. કોહલીએ 104 બોલમાં 8 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 95 રનની શાનદાર ઇનિંગ રમી હતી.
ટીમ ઈન્ડિયા બની નંબર-1 :ન્યૂઝીલેન્ડ સામેની આ ઐતિહાસિક જીત સાથે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડને હરાવીને નંબર-1 ટીમ બની ગઈ છે. ભારતે અત્યાર સુધી તેની તમામ 5 મેચ જીતી છે અને હજુ પણ ટુર્નામેન્ટમાં અજેય છે. હવે ભારતની આગામી મેચ 29 ઓક્ટોબરે ઈંગ્લેન્ડ સામે છે. આ મેચ લખનૌના એકાના સ્ટેડિયમમાં રમાશે.
- ICC World CUP 2023: ભારતીય ટીમનું અત્યાર સુધીનું પ્રદર્શન શાનદાર, ન્યૂઝીલેન્ડ પાસે પણ વિશ્વની કોઈપણ ટીમને હરાવવાની તાકાત- ટોમ લેથમ
- ICC World Cup 2023: 1 નવેમ્બરે વાનખેડે સ્ટેડિયમમાં સચિન તેંડુલકરની પ્રતિમાનું અનાવરણ કરાશે