નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન છતાં ફાઈનલમાં ખાલી હાથે પાછા ફરવું પડ્યું છે. ઓસ્ટ્રેલિયાએ ભારતને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 6 વિકેટથી હરાવીને છઠ્ઠી વાર વર્લ્ડ કપ જીતી લીધો છે.આ હાર બાદ ભારતીય ટીમના કોચ રાહુલ દ્રવિડે પ્રેસ કોન્ફરન્સ કરી અને મીડિયાના સવાલોના જવાબો આપ્યા છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાહુલ દ્રવિડ ભગ્ન હૃદયે આવ્યા હોવા છતા તેઓ આત્મવિશ્વાસથી છલોછલ હતા.
રાહુલ દ્રવિડે મેચ બાદ પ્રસ કોન્ફરન્સમાં જણાવ્યું કે મારી ઓફિસ માટે આ દિવસ કપરો રહ્યો. અમે આ સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન શાનદાર પ્રદર્શન કર્યુ છે. મને ઈન્ડિયન પ્લેયર્સ પર ગર્વ છે. આપણા પ્લેયર્સ આ ટૂર્નામેન્ટમાં જે પ્રકારનું ક્રિકેટ રમ્યા તે કાબિલે દાદ છે. અમે આ ટૂર્નામેન્ટમાં અમારુ બધુ જ અર્પણ કરી દીધું હતું. મને પ્લેયર્સ અને સહયોગી સ્ટાફ પર બહુ ગર્વ છે. અમે ફાઈનલમાં અમારુ શ્રેષ્ઠ પ્રદર્શન ન કરી શક્યા જેનું શ્રેય ઓસ્ટ્રેલિયાને જાય છે. હું તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ અમારાથી સારી રમત રમ્યા.
10 મેચ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હારવાથી ટીમમાં કેવો માહોલ છે આ પ્રશ્નના જવાબમાં રાહુલ દ્રવિડે જણાવ્યું કે આ હારથી અમે નિરાશ થયા છીએ. પ્લેયર્સ અને સહયોગી સ્ટાફમાં નિરાશા જોવા મળી છે. જો કે અમે કેટલાક સમય બાદ અમે આ સમગ્ર અભિયાન કેવું સરસ રહ્યું તેના પર વિચાર કરી શકીશું.
કેપ્ટન રોહિતના આક્રામક અને શાનદાર પ્રદર્શનનો બચાવ કરતા રાહુલ દ્રવિડે જણાવ્યું કે, સારી શરુઆત કરવી તે મહત્વપૂર્ણ છે કારણ કે પાછળથી મેચમાં પિચ ધીમી થઈ હતી. રોહિતની વિકેટ એક શાનદાર કેચ કરવાથી પડી ગઈ તે કમનસીબ હતું. જો કે અમે શરુઆત સારી કરી હતી. રોહિત સદંતર નિરાશ હતો. ડ્રેસિંગ રુમમાં પ્લેયર્સ પણ નિરાશ હતા. આ ડ્રેસિંગ રુમમાં અનેક લાગણીઓ પ્રવર્તમાન હતી. મારા માટે એક કોચ તરીકે આ જોવું બહુ કપરુ હતું. મને દરેક ખેલાડીએ કરેલ મહેનત વિશે ખબર છે. તેમણે આપેલ ત્યાગ વિશે પણ હું જાણું છું. જો કે આ રમત છે તેમાં કંઈ પણ થઈ શકે છે.
દ્રવિડે કહ્યું છે કે અમારી ટીમ લગભગ 30થી 40 રન પાછળ રહી ગઈ હતી. બોલ સાંજ કરતા બપોરે વધુ રોકાતો હતો. વધારે ઝાંકળ પણ નહતી છતા એવું લાગતું હતું કે સાંજે બોલ બેટ સુધી બહેતર રીતે પહોંચતી હતી. અમે સ્ટ્રાઈક રોટેટ નહતા કરી શકતા. તેમજ બાઉન્ડ્રી પણ નહતા લગાડી રહ્યા. અમારે રમતને છેલ્લી ઓવરો સુધી લઈ જવી હતી પરંતુ અમે વિરાટ, જડ્ડુ અને રાહુલની વિકેટ્સ મહત્વના સમયે જ ખોઈ કાઢી હતી. જેના લીધે અમે પાછળ રહી ગયા.
રોહિત શર્માની કેપ્ટનશિપ વિશે રાહુલ દ્રવિડે જણાવ્યું કે, તે એક બહેતરીન લીડર છે. તેણે ટીમનું શાનદાન નેતૃત્વ કર્યુ હતું. તે ડ્રેસિંગ રુમમાં પોતાનો સમય અને ઊર્જા પ્લેયર્સને આપતો રહે છે. તે દરેક ટીમ મીટિંગ માટે ઉપલબ્ધ હોય છે. તેની બેટિંગ શાનદાર હતી, જે રીતે તેણે અમારા માટે વાતાવરણ તૈયાર કર્યુ તે પ્રશંસનીય હતું. અમને ખબર હતી કે અમારે એક નિશ્ચિત રીતે રમવું પડશે. અમે પોઝિટિવ અને વિસ્ફોટક અંદાજમાં ક્રિકેટ રમ્યા. હું એક વ્યક્તિ અને એક કેપ્ટન તરીકે રોહિત વિશે આટલું કહી શકીશ.
દ્રવિડને મેચના મોટા ફોર્મેટમાં ખેલાડીઓ ડરે છે તેવા સવાલના જવાબમાં સ્પષ્ટ ના પાડી હતી. અમે આ ટૂર્નામેન્ટમાં ભયના ઓથાર હેઠળ રમ્યા તે વાતમાં મને કોઈ વિશ્વાસ નથી આવતો. આ ફાઈનલ મેચમાં અમે 10 ઓવરમાં 80 રન પર હતા. અમે વિકેટ ગુમાવતા હતા. જ્યારે તમે વિકેટ ગુમાવો ત્યારે તમારી સ્ટ્રેટેજી બદલાય છે. સામેવાળી ટીમે મધ્યમ ઓવર્સ ખૂબ સારી ફેંકી હતી. અમે ત્રણ વિકેટ ગુમાવી હતી. તેથી અમારે પિચ પર વધુ લાંબા સમય ટકવાનું હતું અને વધુ વિકેટ ન પડે તેનું ધ્યાન રાખવાનું હતું. અમે સમગ્ર ટૂર્નામેન્ટમાં નીડર થઈને રમ્યા છીએ.
આ ટૂર્નામેન્ટમાં ભારતીય બોલિંગના શાનદાર પ્રદર્શન વિશે જણાવ્યું કે અમારા બોલિંગ કોચ પારસના પ્રયત્નો અને આઈડિયાસ બહુ કામ આવ્યા. પ્લેયર્સ સાથે સાથે તેમની ફિટનેસનું પણ બહુ ધ્યાન રાખવામાં આવે છે. પ્લેયર્સ માટે સ્ટ્રેટેજી તૈયાર કરવામાં આવે છે અને તેઓ તેના પર સખત પરિશ્રમ કરે છે. બુમરાહ, શામી, સિરાજ, જાડેજા અને કુલદીપને આનો શ્રેય જાય છે.
- વર્લ્ડ કપ 2023 ફાઇનલ : આ જીવનભર યાદ રાખવા જેવી ક્ષણો છે : પેટ કમિન્સ
- વર્લ્ડ કપ 2023: ઉત્સાહ સાથે આવ્યા અને હતાશા સાથે પરત ફર્યા, ભારતની હાર પર શું કહ્યું ક્રિકેટપ્રેમીઓ