નવી દિલ્હી:સંસદની સુરક્ષામાં મોટી ચૂકની ઘટના સામે આવી છે. આજે લોકસભાની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે દર્શક ગેલેરીમાંથી બે શખ્સ કૂદ્યા હતા અને દોડ્યા હતા. તેઓએ સંસદમાં ડબ્બો ફેંકીને પીળો ધુમાડો છોડ્યો હતો. જેને પગલે લોકસભામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બન્નેને ઝડપી લેવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે 13 ડિસેમ્બર, 2001માં સંસદ પર હુમલો થયો હતો. અને આજે ફરી 22 વર્ષ પછી સંસદ પર હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
વિઝિટર પાસ પર પ્રવેશ્યા બે શખ્સો:બંને શખ્સો લોકસભામાં પ્રવેશ્યા કે તરત જ ગૃહની કાર્યવાહી અધવચ્ચે અટકાવવી પડી. થોડીવાર સુધી કોઈ પણ સાંસદ કંઈ સમજી શક્યા નહોતા અને બધા પોતપોતાની બેઠકો પર ઉભા થઈ ગયા હતા. કેટલાક સાંસદોએ તે બે વ્યક્તિઓને ઘેરી લીધા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, બંને વ્યક્તિઓ પાસે વિઝિટર પાસ હતા. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે બંનેને પાસ લોકસભા સાંસદ પ્રતાપ સિંહાએ જારી કર્યા હતા. સાંસદ દાનિશ અલીએ જણાવ્યું હતું કે બંને પાસે જે મુલાકાતી પાસ હતા તે ભાજપના સાંસદ દ્વારા જારી કરવામાં આવ્યા હતા.
લોકસભા અધ્યક્ષે પણ આ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. સ્પીકરે કહ્યું કે સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી રહી છે અને ગૃહના સભ્યો આ મામલે જે પણ સૂચનો આપશે તેના પર કાર્યવાહી કરવામાં આવશે.
લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ કહ્યું કે જ્યારે ગૃહની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે બે યુવકોએ ઓડિયન્સ ગેલેરીમાંથી કૂદીને કંઈક ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. ચૌધરીએ કહ્યું કે મને એવું લાગતું હતું કે તેની પાસે ગેસ હતો, જોકે ત્યાં સુધીમાં તે પકડાઈ ગયો હતો. ચોક્કસપણે સુરક્ષામાં ચૂકનો મામલો હતો અને તે પણ આ ઘટના તે દિવસે બની હતી જ્યારે આપણા સુરક્ષા દળોએ સંસદની સુરક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપ્યું હતું.
બીજેપી સાંસદ રાજેન્દ્ર અગ્રવાલે કહ્યું કે જ્યારે તેઓ ગૃહની અધ્યક્ષતા કરી રહ્યા હતા ત્યારે ઉપરથી એક વ્યક્તિ ગૃહની અંદર આવ્યો, તે સમયે અમને લાગ્યું કે તે પડી ગયો હશે, પરંતુ તે પછી બીજા યુવકે ઉપરથી કૂદકો માર્યો, તેણે કંઈક લેવાનો પ્રયાસ કર્યો. તેના જૂતામાંથી થોડો ગેસ પણ નીકળ્યો. અગ્રવાલે કહ્યું કે આ ચોક્કસપણે સુરક્ષામાં ખામીનો મામલો છે અને જે પણ જવાબદાર હશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
- મધ્યપ્રદેશમાં 'મોહન'યુગનો પ્રારંભ, મોહન યાદવે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે લીધા શપથ
- કલમ 370 સંદર્ભે સુપ્રીમ કોર્ટના નિર્ણયે અખંડીતતા અને સંપ્રભુતાને યથાવત રાખીઃ વડા પ્રધાન મોદી