નવી દિલ્હીઃ સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ ગુરુવારે કહ્યું કે સંસદનું શિયાળુ સત્ર ચાર તારખથી શરુ થશે અને 22મી ડિસેમ્બર સુધી ચાલશે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર આ માહિતી પોસ્ટ કરી છે. જોશીએ જણાવ્યું છે કે 19 દિવસ ચાલનારા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે.
પ્રહલાદ જોશીએ લખ્યું છે કે, અમૃતકાળ દરમિયાન હું વૈધાનિક કાર્યો અને અન્ય વિષયો પર થનાર ચર્ચાને લઈને બહુ ઉત્સુક છું. તૃણમૂલ કૉંગ્રેસની સાંસદ મહુઆ મોઈત્રા વિરુદ્ધ લાગેલા આરોપો મામલે લોકસભા એથિક કમિટિનો રિપોર્ટ પણ આ સત્ર દરમિયાન સદનમાં રજૂ કરવામાં આવશે. કમિટિએ મોઈત્રાને લોકસભામાંથી નિષ્કાસિત કરવાની ભલામણ કરી છે.
શિયાળુ સત્રમાં અગ્રણી ગુના વિરોધી કાયદાને બદલે લાવવામાં આવેલા ત્રણ મોટા વિધેયકો પર ચર્ચા થવાની સંભાવના છે. ગૃહ મંત્રાલયોની સ્ટેન્ડિંગ કમિટિએ તાજેતરમાં જ ત્રણ વિધેયકો પર પોતાનો રિપોર્ટ સ્વીકાર્યો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર અને તેમની નિમણુકને લગતું એક મોટું વિધેયક સંસદમાં લાંબા સમયથી પેન્ડિંગ છે.
ચોમાસુ સત્રમાં રજૂ થયેલ આ વિધેયકને સરકારે વિપક્ષ અને પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશ્નરના વિરોધ વચ્ચે સંસદના વિશેષ સત્રમાં પસાર કરવા માટે દબાણ કર્યુ નહીં. સરકાર આ વિધેયકના માધ્યમથી મુખ્ય ચૂંટણી કમિશ્નર અને ચૂંટણી કમિશ્નરના હોદ્દાને કેબિનેટ સચિવ કક્ષાએ લાવવા માંગે છે. અત્યારે આ કક્ષા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને સમાન છે.