નવી દિલ્હી :અરુણાચલ પ્રદેશના તવાંગ સેક્ટરમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) નજીક 9 ડિસેમ્બરે ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણ થઈ હત. જેમાં બંને પક્ષના જવાનોને સામાન્ય ઈજાઓ થઈ હતી. ભારતીય સૈન્યના જણાવ્યા અનુસાર, પૂર્વી લદ્દાખમાં 30 મહિનાથી વધુ સમયથી બંને પક્ષો વચ્ચેના સરહદી અવરોધ વચ્ચે ગયા શુક્રવારે સંવેદનશીલ વિસ્તારમાં LAC પર યાંગત્સે નજીક અથડામણ થઈ હતી.
તવાંગ અથડામણનો મુદ્દો આજે સંસદમાં ગુંજશે : ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, “અમારા સૈનિકોએ નિશ્ચિતપણે ચીની સૈનિકોનો સામનો કર્યો. આ અથડામણમાં બંને પક્ષના કેટલાક સૈનિકોને સામાન્ય ઈજાઓ થઈ હતી. સેનાએ એમ પણ કહ્યું કે, બંને પક્ષો તરત જ વિસ્તારમાંથી પીછેહઠ કરી ગયા. આ પછી અમારા કમાન્ડરે સ્થાપિત મિકેનિઝમ મુજબ શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે ચીની સમકક્ષ સાથે 'ફ્લેગ મીટિંગ' કરી. સેનાના છ જવાનોને ગુવાહાટીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
કોંગ્રેસ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે :આ મુદ્દે આજે સંસદમાં મડાગાંઠ સર્જાવાની છે. વિપક્ષી પાર્ટીઓએ સરકારને તવાંગ કેસ પર પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે. સરકાર પર પ્રહાર કરતા કોંગ્રેસે કહ્યું કે, ચીન વારંવાર આવી ઉદ્ધતાઈ કેવી રીતે કરી રહ્યું છે. કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ પીએમ મોદી પાસે જવાબ માંગ્યો છે. સરકારને આડે હાથ લેતા કોંગ્રેસે કહ્યું કે, સૂત્રો પાસેથી આવા મોટા સમાચાર મળી રહ્યા છે, સરકાર ક્યાં છે.