- આર્યન સહિત અન્ય સાત આરોપીઓનું કાઉન્સેલિંગ કરાયું
- કાઉન્સેલિંગ દરમિયાન આર્યને કહ્યું કે, "હવેથી હું ગરીબો માટે કામ કરીશ"
- ભવિષ્યમાં એવું કોઈ કામ કરશે નહીં જે તેને બદનામ કરે : આર્યન ખાન
મુંબઈ : બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાનના (Shah rukh Khan) પુત્ર આર્યન ખાને (Aryan Khan) 'કાઉન્સેલિંગ' દરમિયાન નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) ના અધિકારીઓને જણાવ્યું હતું કે, હવેથી તે ગરીબોના કલ્યાણ માટે કામ કરશે અને ભવિષ્યમાં એવું કોઈ કામ કરશે નહીં જે તેને બદનામ કરે.
આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ
ડ્રગ્સ કેસમાં આર્યન ખાન આર્થર રોડ જેલમાં બંધ છે. ક્રૂઝ જહાજમાંથી કથિત રીતે ડ્રગ્સ જપ્ત કર્યા બાદ NCB દ્વારા 2 ઓક્ટોબરે મુંબઈના કિનારેથી તેની ધરપકડ કરવામાં આવી હતી.
આર્યન સહિત 7 આરોપીઓનું કાઉન્સેલિંગ
NCBના અધિકારી સમીર વાનખેડે અને સામાજિક કાર્યકરો દ્વારા કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન આર્યને જણાવ્યું હતું કે, તેના છૂટ્યા બાદ તે ગરીબો અને પછાતોના આર્થિક ઉત્થાન માટે કામ કરશે અને ક્યારેય આવું કામ કરશે નહીં, જેથી તેનું નામ બદનામ થાય. NCB દ્વારા ધરપકડ કરાયેલા આર્યન સહિત અન્ય સાત આરોપીઓનું કાઉન્સેલિંગ સત્ર ચાલી રહ્યું છે. આરોપીઓમાં બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે.