પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં માઓવાદી જૂથોની હિંસા અટકાવી શકાશે કે કેમ
પશ્ચિમ બંગાળના જંગલમહાલની ભૂમિમાં પડેલી તિરાડોમાં પાણી નહીં પણ લોહી વહે છે. આ વિસ્તારના ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ અને પૂરબા મેદિનીપુર જિલ્લામાં આજે શનિવારે મતદાન થઈ રહ્યું છે.
આ જિલ્લાઓની 30 વિધાનસભા બેઠકોમાં શાંતિપૂર્ણ રીતે મતદાન પૂર્ણ થાય તે માટે જરૂરી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળમાં આ પ્રથમ તબક્કાનું મતદાન છે અને તેમાં બંદોબસ્ત માટે કેન્દ્રીય અર્ધલશ્કરી દળોની 732 કંપનીઓના 10,288 જવાનો મતદાન મથકો પર ચાંપતી નજર રાખશે. ગારબેટા અને સાલબોની જેવા વિસ્તારોમાં લોકો ભય વિના મતદાન કરવા નીકળશે ખરા તે સવાલ છે. બિનપુર, નયાગ્રામ, ગોપીબલ્લવપુર, ઝારગ્રામ, ભાગમુંડી, બલરામપુર અને બંદોવન જેવા માઓવાદી જૂથોની હિંસા અટકાવી શકાશે ખરી!
એ વાત સાચી છે કે લોકશાહીના પર્વ સમાન મતદાન કરવાનો દિવસ નાગરિકો માટે ઉત્સાહનો દિવસ હોય છે. જોકે, CPIની આગેવાની હેઠળના ડાબેરી મોરચાના નેતાઓ અને મમતા બેનરજી પોતે પણ જાણે છે કે, જંગલમહાલ પ્રદેશની ભૂમિ પર લોહી વહે ત્યારે કેવા પરિણામો આવે છે. CPMના ગારબેટાના ઉમેદવાર તપન ઘોષ અને સાલબોનીના સુશાંત ઘોષ બંને ઉમેદવારો આ વાત સારી રીતે સમજે છે.
આ 2 બેઠકો પર જ્યારે ચૂંટણી યોજાય ત્યારે 4 જાન્યુઆરી 2001ના રોજ બનેલી લોહિયાળ ઘટનાઓની યાદ તાજી થઈ જાય છે. ફરી તેવી ઘટના બને અને ડાબેરી માટે જીત મુશ્કેલ તેવા ભયથી CPIના ઉમેદવારો ફફડતા હોય છે. તે રાત્રે ગારબેટાના છોટો-અંગરિયા ગામમાં હિંસાની હોળી ખેલાઈ હતી. તૃણમૂલ કોંગ્રેસના અનેક ટેકેદારોને તે રાત્રે CPIના પાળિતા કહેવાતા ગુંડાઓએ ગોળીથી વીંધી નાખ્યા હતા.
તે વખતે સુશાંત ઘોષ ડાબેરી મોરચાની સરકારમાં પ્રધાન હતા. એ હિંસાની હોળી પાછળ તેમના બે ચૂસ્ત ટેકેદારો તપન ઘોષ અને પક્ષના ઝોનલ કમિટીના મંત્રી સુકુર અલી જવાબદાર હતા તેવા આક્ષેપો ત્યારે થયા હતા. ગારબેટામાં હાડપિંજરો મળી આવ્યા તે કેસમાં પણ સુશાંત ઘોષ સામે આક્ષેપો થયા હતા. 2002માં ઘોષના બેનાછાપરા ગામના નિવાસસ્થાન નજીકથી સાત હાડપિંજરો ખોદીને બહાર કાઢવામાં આવ્યા હતા. તે ઘટના ગારબેટા હાડપિંજર કેસ તરીકે જાણીતો છે અને તેમાં સુશાંત ઘોષ સામે ગુનેગારોને છાવરવાનો કેસ પોલીસે દાખલ કર્યો હતો.
પશ્ચિમ બંગાળ ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં તૃણમૂલ કોંગ્રેસ નુકસાન ટાળી શકશે? - maovadi group
પશ્ચિમ બંગાળના જંગલમહાલની ભૂમિમાં પડેલી તિરાડોમાં પાણી નહીં પણ લોહી વહે છે. આ વિસ્તારના ઝારગ્રામ, બાંકુરા, પુરુલિયા, પશ્ચિમ અને પૂરબા મેદિનીપુર જિલ્લામાં આજે શનિવારે મતદાન થઈ રહ્યું છે. ગારબેટા અને સાલબોની જેવા વિસ્તારોમાં લોકો ભય વિના મતદાન કરવા નીકળશે ખરા તે સવાલ છે. બિનપુર, નયાગ્રામ, ગોપીબલ્લવપુર, ઝારગ્રામ, ભાગમુંડી, બલરામપુર અને બંદોવન જેવા માઓવાદી જૂથોની હિંસા અટકાવી શકાશે ખરી તે એક પ્રશ્ન છે.
સુશાંત ઘોષે 2011માં પણ મમતા બેનરજીના સૂત્ર સામે પોતાનું સૂત્ર મૂક્યું હતું કે, 'કેશપુર એ CPIનું શેષપુર છે'. જોકે, 2016 સુધીમાં ચિત્ર બદલાયું હતું અને સુશાંત ઘોષ સામે પશ્ચિમ મેદિનીપુરમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવાયો હતો. કોર્ટના આદેશ બાદ ઘોષને હદપાર કરાયા હતા અને તે ચૂંટણીમાં TMCના ઉમેદવાર 61,000 મતોથી જીતી ગયા હતા.
જોકે, સ્થિતિ બદલાતા બીજા 3 વર્ષ લાગ્યા અને 2019માં આ વખતે ભાજપે આ જ ગારબેટા બેઠક પર TMCને 8,000 મતોથી હરાવી દીધો. CPI જાણે છે કે, પક્ષ માટે સાલબોની, ગારબેટા અને ખેજુરી જેવી બેઠકો પર સુશાંત ઘોષ અથવા તપન ઘોષ અથવા હિમાંશુ દાસ જેવા ઉમેદવારો પર જ આધાર રાખવો પડે. આ વિસ્તારમાં ડાબેરીનો ગઢ સાચવનારા આ ત્રણેય ઉમેદવારો આ વખતે પણ ચૂંટણીના મેદાનમાં છે.
પ્રથમ તબક્કામાં 30 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તે બેઠકો પર ભાજપ માટે પણ પ્રથમ વાર આશા જાગી છે. 2016માં TMCએ આમાંની 27 બેઠકો જીતી હતી. કોંગ્રેસને બે મળી હતી અને ડાબેરી મોરચાને માત્ર એક જ બેઠક મળી હતી. ભાજપને વિધાનસભામાં એકેય બેઠક મળી ન હતી, પરંતુ 2019ની લોકસભાની ચૂંટણી આવી અને જે રીતે મતદાન થયું તે પ્રમાણે 20 બેઠકોમાં ભાજપ આગળ નીકળી ગયો. માત્ર 10 બેઠકોમાં TMCની લીડ રહી હતી. કોંગ્રેસ અને ડાબેરીઓનો સાવ સફાયો થઈ ગયો હતો.
આ વખતે કોંગ્રેસ અને ડાબેરી બંને ભેગા મળીને વિધાનસભા ચૂંટણીઓ લડી રહ્યા છે. પૂરબા મેદિનીપુરની છ બેઠકો સિવાય મમતા માત્ર ઝારગ્રામની બિનપુર બેઠક પર 2019માં લીડ મેળવી શક્યા હતા. ભાજપનું વાવાઝોડું આવ્યું તેમાં બાકીની બધી બેઠકો પર તેને લીડ મળી હતી. 2016માં ભાજપને માત્ર 3 ટકા મતો મળ્યા હતા, પરંતુ 2019માં તેમાં જંગી વધારો થયો અને 38 ટકા મતો મળ્યા હતા.
આ વખતે ફરી વિધાનસભાની ચૂંટણીઓ આવી છે અને સીધો જ મૂકાબલો ભાજપ સામે છે. ત્યારે મમતા બેનરજી કેટલું નુકસાન ખાળી શકે છે તે જોવાનું રહે છે. તેના માટે 2 મેના રોજ પરિણામો આવે ત્યાં સુધી રાહ જોવી પડશે.