ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શું નવા નિયમોને કારણે વીજળી અવિરત મળતી રહેશે ?

કેન્દ્રના ઉર્જા પ્રધાન આર. કે. સિંહે બેએક વર્ષ પહેલાં કહેલું કે વીજળી એ શ્વાસ જેટલી જ જરૂરી વસ્તુ બની ગઈ છે. વર્ષો દરમિયાન આપણા નેતાઓ વાયદા કરતાં રહ્યા છે કે તેઓ અવિરત વીજળી પૂરી પાડશે. પરંતુ તે વાયદા અધૂરા જ રહ્યા છે. કેન્દ્ર સરકારે હવે વીજ વપરાશકારોના અધિકારોની રક્ષાનું મહત્ત્વ સમજીને નવો આવકારદાયક કાયદો તૈયાર રહ્યો છે.

xz
xz

By

Published : Dec 25, 2020, 5:53 PM IST

ન્યૂઝ ડેસ્કઃ કેન્દ્રના ઉર્જા પ્રધાન આર. કે. સિંહે બેએક વર્ષ પહેલાં કહેલું કે વીજળી એ શ્વાસ જેટલી જ જરૂરી વસ્તુ બની ગઈ છે. વર્ષો દરમિયાન આપણા નેતાઓ વાયદા કરતાં રહ્યા છે કે તેઓ અવિરત વીજળી પૂરી પાડશે. પરંતુ તે વાયદા અધૂરા જ રહ્યા છે. કેન્દ્ર સરકારે હવે વીજ વપરાશકારોના અધિકારોની રક્ષાનું મહત્ત્વ સમજીને નવો આવકારદાયક કાયદો તૈયાર રહ્યો છે. ઇલેક્ટ્રિસિટી (રાઇટ્સ ઑફ કન્ઝ્યુમર્સ) રુલ્સ, 2020 તૈયાર કરવામાં આવ્યો છે, જેનાથી ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજસેવા મળતી રહે. ઉર્જા પ્રધાને જણાવ્યું હતું કે વીજ વિતરણ (ડિસ્કૉમ્સ) કંપનીઓએ રાજ્યો સાથે ચર્ચા કરીને આ નવા નિયમોનું પાલન કરવાનું રહેશે. વીજ કંપનીઓ સેવા આપવામાં ઉણપ કરે ત્યારે કેટલો દંડ કરવો તે નક્કી કરવાનું કામ વીજળી પંચ કરશે.

દેશમાં અનેક ભાગોમાં આજેય અનિયમિત રીતે વીજળી મળે છે. સબ સ્ટેશન અને વીજળીની લાઇનોનું મેઇન્ટેનન્સ સરખું કરવામાં આવતું નથી અને તેના કારણે વારંવાર પુરવઠો ખોરવાઇ જાય છે. એટલું જ નહિ વૉલ્ટેજમાં વધઘટ થવાને કારણે વીજ મોટર તથા બીજા ઉપરકણોને નુકસાન પણ થાય છે. વીજ પુરવઠો ખોરવાઇ જાય અને ટ્રિપિંગ થાય ત્યારે ઘણી વાર લાંબો સમય સુધી કે દિવસો સુધી વીજળી મળતી નથી. તેના કારણે ગ્રાહકોનું કામકાજ ખોરંબે ચડે છે અને રોજબરોજના જીવનમાં અનેક મુશ્કેલીઓ આવે છે.

નવા નિયમો પ્રમાણે વીજ કાપ મૂકવાનો હોય ત્યારે અગાઉથી તેની જાણ ગ્રાહકોને કરવી અનિવાર્ય બનાવાઇ છે. કયા વિસ્તારમાં વીજ પુરવઠો જતો રહેશે, શા માટે વીજળી બંધ કરવામાં આવી રહી છે અને કેટલો સમય વીજળી નહિ આવે તે બધી માહિતી ગ્રાહકોને સ્પષ્ટપણે આપવી પડશે. આ માહિતી ગ્રાહકોને એસએમએસ કરીને આપવાની રહેશે. આ ઉપરાંત સમયસર ગ્રાહકોને નવું વીજ જોડાણ મળી જાય અને ખરાબ રીતે કામ કરતા મીટરને તાત્કાલિક બદલવામાં આવે તે માટે પણ નિયમો બનાવાયા છે.

જાન્યુઆરી 2019ના કેન્દ્ર સરકારે બધી જ રાજ્ય સરકારોને જણાવ્યું હતું કે ગ્રાહકોને પ્રિપેઇડ અને સ્માર્ટ મીટરો આપવા. જોકે આ દિશામાં ભાગ્યે જ કોઈ પ્રગતિ થઈ છે. નવા નિયમોમાં બીલમાં પારદર્શિતા, પ્રેપેઇડ મીટર્સ અને વડીલોને તેમના ઘરે જઈને સર્વિસ આપવાની જોગવાઈઓ પણ સમાવી લેવામાં આવી છે. આ નિયમો સારા છે, પણ તેનો અમલ યોગ્ય રીતે થાય તો જ તેને આવકાર મળશે.

નાગરિકો માથા દીઠ કેટલી વીજળીનો વપરાશ કરે છે તેના આધારે દેશના વિકાસની સ્થિતિ નક્કી થતી હોય છે. ચીનમાં હાલમાં માથા દીઠ 4000 કિલોવૉટ્સની વીજળીનો વપરાશ છે, જ્યારે અમેરિકા, તાઇવાન અને બીજા દેશોમાં તેનું પ્રમાણ 10,000 કિલોવૉટ્સથી વધુ છે. આ વર્ષના પ્રારંભે ભારતમાં માથા દીઠ વીજળીનો વપરાશ માત્ર 1000 કિલોવૉટ હતો. દેશમાં વીજળીના ઘડા હોતા નથી તે આપણે જાણીએ છીએ. એટલું જ નહિ, વીજ ઉત્પાદનમાં સરપ્લસ ગણાતા રાજ્યો, ગુજરાત, આંધ્ર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં પણ વીજળીના ધાંધિયા કેટલાક વિસ્તારોમાં હજીય છે. આ રાજ્યોમાં પણ કેટલાક વિસ્તારોમાં અડધો દિવસ જ વીજળી મળે છે.

વીજ વિતરણ કંપનીઓ આર્થિક રીતે નાણાંકીય ભીંસમાં આવેલી છે. કેટલીક રાજ્ય સરકારોએ વીજ બીલોમાં મોટી રાહતની જાહેરાતો કરેલી છે તેના કારણે વીજ વિતરણ કંપનીઓની આવક પર અસર થઈ છે. દિલ્હીમાં કેજરીવાલ સરકારે વીજ બીલમાં રાહત આપી છે. રાજકીય લાભ ખાતર આવી જાહેરાતો કરાતી હોય છે, પણ તેના કારણે વીજ ઉત્પાદન અને વિતરણમાં મુશ્કેલી સર્જાતી હોય છે.

વીજ વિતરણ કંપનીઓ માથેનું દેવું 2012-13માં 3 લાખ કરોડ રૂપિયા હતું. છ જ વર્ષમાં તે દેવું વધીને 4.8 લાખ કરોડનું થઈ ગયું છે. એક બાજુ વીજ કંપનીઓની હાલત કથળી રહી છે, ત્યારે નેતાઓ લોકપ્રિય થઈ જવા માટે રાહતોની લહાણી કરીને આ કંપનીઓ પર આર્થિક બોજ વધારી રહ્યા છે. રાહતોની જાહેરાત કરી દીધા પછી રાજ્ય સરકારો તે રકમ વીજ વિતરણ કંપનીઓને સમયસર ચૂકવતી નથી. તેના કારણે કંપનીઓની આર્થિક વ્યવસ્થા ખોરંભે ચડી જાય છે.

કેન્દ્ર સરકારે કહ્યું છે કે નવા નિયમો પ્રમાણે ઘરેલુ ગ્રાહકોન 24 કલાક વીજળી આપવાની રહેશે, જ્યારે ખેતી માટેની વીજળી કેટલા કલાક આપી તે રાજ્ય સરકારો નક્કી કરી શકશે. પરંતુ ઉદ્યોગોને કેવી રીતે અને કેટલા કલાક વીજળી આપવી તેનું શું તે સ્પષ્ટ થયું નથી.

વીજ વપરાશની બાબતમાં UNDPએ જણાવ્યું હતું તે નોંધપાત્ર છે. સંસ્થાએ જણાવ્યું હતું કે અવિરત વીજળી ના મળતી હોવાના કારણે ઉત્પાદનમાં નુકસાન થાય છે અને રોજગારીનું સર્જન થતું નથી. તેના કારણે ઘણી સામાજિક અને આર્થિક સમસ્યાઓ ઊભી થાય છે. રોજગારી પૂરી પાડતા એકમોને અવિરત વીજ પુરવઠો મળતો રહે તો જ રોજગારીનું સર્જન થશે. અને તો જ દેશ સાચા અર્થમાં પ્રગતિ કરી શકશે.

ABOUT THE AUTHOR

...view details