ગુજરાત

gujarat

By

Published : Apr 26, 2021, 3:53 PM IST

ETV Bharat / bharat

મમતા બેનર્જીનું અંતિમ હાસ્ય ભવાનીપુરમાંથી હશે?

નંદીગ્રામ વિધાનસભા બેઠકે બધાનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું છે. તેમાં તૃણમૂલ કૉંગ્રેસના સર્વેસર્વા મમતા બેનર્જી અને તેમના એક સમયના ગાઢ માણસ જે હવે વિપક્ષમાં ચાલ્યા ગયા છે તેવા સુવેન્દુ અધિકારી વચ્ચે નોંધપાત્ર સ્પર્ધા જોવા મળી. મોટા ભાગના લોકોએ તેને ઐતિહાસિક પ્રકારની ચૂંટણી લડાઈ ગણાવી છે.

મમતા બેનર્જી
મમતા બેનર્જી

ન્યૂઝ ડેસ્ક : નંદીગ્રામના ઝળહળાટ વચ્ચે એક અન્ય બેઠક પણ છે જેણે ખરેખર પશ્ચિમ બંગાળમાં સત્તાના સિંહાસન સુધી મમતા બેનર્જીની બઢતીની કથા લખી હતી. દક્ષિણ કોલકાતા લોકસભા બેઠકમાં આવેલી ભવાનીપુર વિધાનસભા બેઠકે મમતા બેનર્જીનો ધારાસભ્ય તરીકે વિજય જોયો છે. સોમવારે જ્યારે પશ્ચિમ બંગાળમાં સાતમા તબક્કાનું મતદાન થશે ત્યારે તેની સાથે ભવાનીપુર વિધાનસભા બેઠકમાં પણ મતદાન થશે.

તો મમતા અથવા વધુ ચોક્કસ રીતે કહીએ તો તૃણમૂલ કૉંગ્રેસ આ બેઠક, જેણે સતત બે અવધિ સુધી રાજ્યને મુખ્ય પ્રધાન આપ્યાં છે, તેના પર કેવો દેખાવ કરશે?

વર્ષ ૨૦૧૧માં જ્યારે મમતા બેનર્જીએ ડાબેરી મોરચાને હરાવ્યો હતો અને રાજ્યની સત્તાની ધૂરા સંભાળી હતી ત્યારે તેઓ ભવાનીપુરમાંથી ૪૯,૯૩૬ મતોથી જીત્યાં હતાં. આ બેઠકમાં ૬૩.૭૮ ટકા જેટલું ભારે મતદાન જોવા મળ્યું હતું. મમતાનો વિજયનો તફાવત ૨૧.૯૧ ટકા જેટલો ઊંચો હતો. તેના કરતાં વધુ સારો વિજય ન હોઈ શકે. સ્વાભાવિક જ મમતા આકાશમાં ઉડવાં લાગ્યાં હતાં.

તે પછી ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી આવી અને ત્રણ વર્ષમાં તૃણમૂલ કૉંગ્રેસે ભવાનીપુર વિધાનસભા બેઠકમાં તેની લોકપ્રિયતામાં ભારે ઘટાડો જોયો. તૃણમૂલ કૉંગ્રેસના સુબ્રતા બક્ષીએ ભાજપના તથાગત રોયને ૧,૩૬,૦૦૦ મતોથી હરાવ્યા હતા, પરંતુ તેઓ ભવાનીપુરમાં ૧૮૫ મતથી પાછળ હતા. મમતા જાણી ગયાં હતાં કે આ બેઠકમાં બધું બરાબર નથી. માત્ર ત્રણ વર્ષ પહેલાં આ બેઠકે તેમના માટે મતોનો પટારો ખોલી નાખ્યો હતો અને આ જ બેઠક છે જ્યાં તેઓ રહે છે. કોલકાતા મહાનગરપાલિકાના વૉર્ડ ક્રમાંક ૭૩માં હરીશ ચેટર્જી શેરીનું સરનામું પણ આવેલું છે જે મમતાનું નિવાસસ્થાન છે.

આત્મનિરીક્ષણ અને સુધારાના પગલાંઓ લેવામાં આવ્યાં અને વર્ષ ૨૦૧૬માં મમતા બેનર્જીએ વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરનાં ઉમેદવાર તરીકે ભાગ લીધો. તે વર્ષે દીદી (મમતા બેનર્જીને મોટી બહેન તરીકે લોકપ્રિય રીતે કહેવામાં આવે છે) અને બાઉડી (ભાભી) દીપા દાસમુન્શી, જે કૉંગ્રેસનાં ઉમેદવાર અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને કૉંગ્રેસના દિગ્ગજ પ્રિયરંજન દાસમુન્શીનાં પત્ની હતાં. ડાબેરી મોરચો અને કૉંગ્રેસ બંને યુતિ તરીકે લડી રહ્યા હોવાથી મિજાજ ભારે ઉત્સાહી હતો અને રાહુલ ગાંધી તેમજ બુદ્ધદેવ ભટ્ટાચાર્જીએ દીપા માટે પોતાની બધી મહેનત આપી હતી. દીપા પૂર્વ કેન્દ્રીય પ્રધાન પણ હતાં. પરિણામ આવ્યું અને ફરી એક વાર અંતિમ હાસ્ય મમતાનું હતું. પરંતુ આ સ્મિત પાછળ એક કાળી બાજુ પણ રહેલી છે. મમતાનો વિજયનો તફાવત વર્ષ ૨૦૧૧માં તેમનો જે તફાવત હતો તેનાથી લગભગ અડધો રહી ગયો હતો. ૬૬.૮૩ ટકા મતદાન થયું હતું અને મમતા બેનર્જી ૨૫,૩૦૧ મતોથી જીત્યાં હતાં જેમાં વિજયનો તફાવત ૧૦.૨૧ ટકા જ હતો. મમતા બેનર્જીના પગ નીચેથી ચાદર છેવટે ભાજપના ઉમેદવાર ચંદ્રકુમાર બોઝે ખેંચી લીધી, જેમણે ૨૬,૨૯૯ મતો અથવા ૧૯.૧૩ ટકા મતો જીત્યા હતા.

શબ્દશ : મહાનગરીય બેઠક એવી ભવાનીપુર એવી બેઠક છે જ્યાં ગુજરાતી, મારવાડી અને શીખ સમુદાયોની ખૂબ જ મજબૂત ઉપસ્થિતિ છે અને બંગાળીઓ પાતળી લઘુમતી છે. વિધાનસભા વિસ્તારના ૬૩, ૭૦, ૭૨ અને ૭૪ ક્રમાંકના મહાનગરીય વૉર્ડ ભાજપના ગઢ ગણાય છે.

આ વખતે, મમતા ભલે ભવાનીપુરનાં ઉમેદવાર ન હોય, પરંતુ તેમણે પક્ષના પોતાના જૂના ગાઢ સાથી શોવનદેવ ચટ્ટોપાધ્યાયને આ બેઠકમાંથી મેદાનમાં ઉતાર્યા છે. શોવનદેવ પડોશી રાસબિહારી બેઠકમાંથી વર્તમાન ધારાસભ્ય છે અને તેઓ મંત્રીમંડળના સભ્ય પણ છે. તેમનો સામનો અભિનેતામાંથી રાજકારણી બનેલાં ભાજપના રુદ્રનીલ ઘોષ સામે છે. આ એ જ રુદ્રનીલ છે જેઓ ગયા વર્ષની મધ્ય સુધી તૃણમૂલ કૉંગ્રેસના માણસ હતા.

૨૦૧૯ની ગત લોકસભા ચૂંટણીમાં, તૃણમૂલ કૉંગ્રેસ ભવાનીપુર વિધાનસભા વિસ્તારમાંથી ૩,૧૬૮ મતોની સરસાઈ મેળવવામાં સફળ રહી હતી પરંતુ પક્ષે વૉર્ડ ક્રમાંક ૭૩ ભાજપ સામે ૪૯૬ મતોથી ગુમાવી દીધો હતો. આ એ જ વૉર્ડ છે જેમાં મમતાનું નિવાસસ્થાન આવેલું છે.

ભવાનીપુર વિધાનસભા બેઠક પશ્ચિમ બંગાળમાં ભગવી ટુકડી માટે પ્રતિષ્ઠાની લડાઈ છે કારણકે આ એ જ બેઠક છે જેમાં શ્યામાપ્રસાદ મુખર્જીનું જન્મસ્થાન પણ આવેલું છે. આ બેઠકમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ અને સત્યજીત રે જેવા મહાનુભાવોનું જન્મસ્થાન પણ છે. આ વખતે મમતા બેનર્જી નંદીગ્રામ ખસી જતાં, આ બેઠક (ભવાનીપુર)નો ઝળહળાટ ઘટી ગયો છે, તેમ છતાં મમતા બેનર્જી અને તેના કટ્ટર હરીફ ભાજપ વચ્ચે કોલકાતામાં પ્રતિષ્ઠાની લડાઈમાં આ બેઠક મહત્ત્વની તો છે જ.

તૃણમૂલના સર્વેસર્વા જાણે છે કે વર્ષ ૨૦૧૧ના અદ્ભુત પ્રદર્શનના દિવસો પછીથી સ્પર્ધા ઘણી મુશ્કેલ બની છે. શું આ વખતે ભાજપ પોતાની તરફેણમાં સ્થિતિ લાવી શકશે કે પછી ભવાનીપુરમાં અંતિમ હાસ્ય મમતા બેનર્જીનું હશે? ૨ મેના રોજ જવાબ મળી જશે.

દીપાંકર બોઝ, ન્યૂઝ કૉ-ઑર્ડિનેટર, ઇ ટીવી ભારત

ABOUT THE AUTHOR

...view details