ગુજરાત

gujarat

ETV Bharat / bharat

વિધાનસભાની ચૂંટણી અગાઉ મફત ઓફરની સિઝન, ગુજરાતીઓ લલચાશે ખરા

ગુજરાત વિધાનસભા મિશન 2022 સાથે તમામ રાજકીય પક્ષ સક્રિય થયા છે. રાષ્ટ્રીય નેતૃત્વ પણ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે, તેવામાં AAP નેતા અરવિંદ કેજરીવાલની મફત આપવાની જાહેરાતો વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પ્રજાને 8 વચનો આપ્યા છે. જોકે મફત આપવાના વચનોમાં પ્રજા કોના શિરે ગુજરાતના સત્તાનો તાજ પહેરાવે છે તેની પર સૌની નજર રહેલી છે. Gujarat Assembly Mission 2022, Free giveaway Political Advertisement, 8 promises of Congress leader

વિધાનસભાની ચૂંટણી અગાઉ મફત ઓફરની સિઝન, ગુજરાતીઓ લલચાશે ખરા
વિધાનસભાની ચૂંટણી અગાઉ મફત ઓફરની સિઝન, ગુજરાતીઓ લલચાશે ખરા

By

Published : Sep 6, 2022, 10:41 PM IST

અમદાવાદગુજરાતમાં ચૂંટણી સમયે કોંગ્રેસ એક્ટિવ મોડમાં આવી હોય તેમ રાહુલ ગાંધી અમદાવાદમાં પહેલા જ પ્રચારમાં આવીને આઠ વચનો આપી ગયા છે. તેવી જ રીતે તેની અગાઉ આમ આદમી પાર્ટીના સુપ્રીમો જેટલી વાર ગુજરાત આવ્યા ત્યારે એક એક ગેરંટી આપતા ગયા છે. કેજરીવાલ અત્યાર સુધીમાં પાંચ ગેરંટી આપી ગયા છે. હવે ગુજરાતી પ્રજા નક્કી કરશે કે મફત કોનું લેવું અને કેટલું લેવું? સામાન્ય રીતે ગુજરાતી પ્રજા લલચાતી નથી. પણ રાજકીય પક્ષોની મફત ઓફરો આકર્ષક છે. સામે મોંઘવારી ખૂબ વધી ગઈ છે. જેથી મતદાર કઈ તરફ ઢળશે તે હાલ કહેવું મુશ્કેલ છે.

2022માં કોંગ્રેસની જ સરકાર બનશે રાહુલ ગાંધીએ રાજ્યભરના કાર્યકર્તાઓનું અમદાવાદમાં સંબોધન કરતાં ગુજરાત સરકાર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોની લડાઈ કોઈ એક રાજકીય પક્ષ સામે નહીં, પરંતુ એક વિચારધારા સામે છે. જેની સામે સરદાર પટેલ લડ્યા હતા. ગત ચૂંટણીમાં એવું કહેવાતું હતું કે કોંગ્રેસ પાર્ટી લડાઈમાં ક્યાંય નથી, પરંતુ કોંગ્રેસના કાર્યકરોએ છ મહિનામાં જ ભાજપની હવા કાઢી નાખી હતી. આ ચૂંટણીમાં પણ 2017નું પરિવર્તન થવાનું છે. 2017ની જેમ જો આ વખતે આપણે લડ્યા તો 2022માં કોંગ્રેસની સરકાર બનવાનું નક્કી છે.

સત્તા પરિવર્તન પર નિશાન રાજ્યમાં થયેલા સત્તા પરિવર્તન પર નિશાન તાકતાં રાહુલે કહ્યું હતું કે ગુજરાતમાં સરકારની આખેઆખી ટીમને હટાવીને ફેંકી દેવાઈ. તેઓ જાણે છે કે પાંચ વર્ષમાં તેમણે ભ્રષ્ટાચાર સિવાય ગુજરાત માટે કંઈ નથી કર્યું, અને ગુજરાતની જનતાને આ બધું દેખાઈ રહ્યું છે.

રાહુલ ગાંધીના વાયદાઓજો કોંગ્રેસ સત્તામાં આવી તો ખેડૂતોનું ત્રણ લાખ સુધીનું દેવું માફ (Gujarat Farmers debt waived) કરી દેવાશે. એટલું જ નહીં, કોરોનામાં મોતને ભેટેલા ત્રણ લાખ લોકોના પરિવારજનોને ચાર લાખ રૂપિયાનું વળતર આપશે. ખેડૂતોને વીજળી બિલ માફ (Farmers Electricity bill waiver ) કરવાની સાથે કોંગ્રેસ ત્રણ હજાર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલો શરૂ કરશે. તેમજ કન્યાને મફતમાં શિક્ષણ આપશે. દૂધ ઉત્પાદકોને પાંચ રૂપિયાની સબસિડી (Milk producers Subsidy ), હાલ 1,000 રૂપિયામાં મળતો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં અપાશે તેવું વચન રાહુલ ગાંધીએ સભામાં આપ્યું હતું. બેરોજગારીનો મુદ્દો (Gujarat Unemployment issue) ઉઠાવતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની તો 10 લાખ યુવાનોને નોકરી અપાશે.

આજે સરદાર પટેલ હોત તો... ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Election 2022) લઈ પ્રચારનું રણશિંગું ફૂંકવા રાહુલ ગાંધીએ રિવરફ્રન્ટ પર કાર્યકરોને સંબોધતાં કહ્યું હતું કે ગુજરાતના ખૂણે ખૂણેથી હજારો બબ્બર શેર આજે અહીં આવ્યા છે. તેઓ વિચારધારાની લડાઈ લડી રહ્યા છે. સરદાર પટેલની દુનિયાની આ સૌથી મોટી મૂર્તિ BJP, RSS અને મોદીએ બનાવી છે. ભાજપ એક તરફ સરદાર પટેલનું સૌથી મોટું સ્ટેચ્યુ બનાવે છે, પરંતુ આજે સરદાર પટેલ હોત તો તેમણે ઉદ્યોગપતિઓના દેવા માફ કર્યા હોત કે પછી ખેડૂતોના? સરદાર પટેલ હોત તો ખેડૂતો વિરુદ્ધના ત્રણ કાયદા લવાયા હોત? સરદાર પટેલનું સ્ટેચ્યુ બનાવનારા તેમના જ વિચારો પર આક્રમણ કરે છે. કોંગ્રેસે છત્તીસગઢ, રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, કર્ણાટકમાં ખેડૂતોના દેવા માફ કર્યા છે, પક્ષને જ્યાં પણ સત્તા મળી ત્યાં પહેલું કામ ખેડૂતોના દેવા માફ કરવાનું કર્યું છે. તે જ રીતે, ગુજરાતમાં પણ ત્રણ લાખ રૂપિયા સુધીનું દરેક ખેડૂતનું દેવું માફ કરવામાં આવશે.

મફત આપવાની ઓફર કેટલી કારગત? રાજકીય તજજ્ઞ હરેશ ઝાલાએ ETV Bharatને જણાવ્યું કે સામાન્ય રીતે પ્રજાને મફતમાં (Gujarat Freebies Political offers) મળતું ગમતું હોય છે. એટલે રાજકીય પક્ષો માંગી ન હોય તેવી આ પ્રકારની ઓફર કરતું હોય છે. ઘણી વખત ભૂતકાળમાં આ પ્રકારની ઓફરો કારગત નીવડી છે. એટલા માટે થઈને જ રાજકીય પક્ષો આવા વાયદા કરવા માટે આગળ આવે છે. સવાલ એ છે કે જો હજાર રૂપિયાનો જ ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં પ્રજાને મળતો હોય તો પ્રજા શા માટે ન લે. એટલે શક્ય છે કે, બહુ મોટા પ્રમાણમાં નહીં, પરંતુ નાની મોટી અસર જોવા મળી શકે છે. બીજી તરફ વાત પક્ષની રહી તો અરવિંદ કેજરીવાલ અને રાહુલ ગાંધી બન્ને જે પ્રકારે ઓફરો કરી રહ્યા છે જેથી ગુજરાતી પ્રજા બન્ને તરફ આકર્ષિત થઈ શકે છે.

મફત આપવાના વચનથી લોકચાહના વધી છે સીનીયર પત્રકાર અને રાજકીય એનાલીસ્ટ દિલીપ ગોહિલે ETV Bharatને જણાવ્યું કે રાજ્યમાં હાલ મફત અને અન્ય ઓફરોની સિઝન જોવા મળી રહી છે. રાજકારણમાં જનતાનો ફાયદો ક્યાં અને કેવો રહેલો છે તે ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પરંતુ હાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ જે રીતે મફત આપવાની વાતો કરી રહ્યા છે તે પ્રકારે તેઓની લોકચાહના વધી રહી હોય તેવું એક દ્રશ્ય ઊભું થઈ રહ્યું છે. બીજી તરફ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીએ જે આઠ વચનો આપ્યા છે તેમાં પણ પ્રજા પોતાનો વિશ્વાસ મૂકી શકે છે. તો બીજી તરફ કોંગ્રેસે વર્ષો જૂની પાર્ટી હોવાના કારણે તેઓ પાસે કેટલીક સિક્યોર વોટબેંક (Gujarat Secure Vote bank) છે. તેને કોઈ હલાવી શકે તેમ નથી. જેથી કોંગ્રેસના નેતા દ્વારા આપવામાં આવેલા વચનોને કોંગ્રેસના કાર્યકરો અને કોંગ્રેસ સાથે સંકળાયેલા કોંગ્રેસની વિચારધારા સાથે સંકળાયેલા લોકો પ્રથમ કોંગ્રેસને જ સફળ બનાવે તે તરફ આગળ વધશે તે નક્કી છે.

ભાજપ હવે શું કરશે? તેમણે વધુમાં જણાવ્યું કે રાજકારણમાં મફત અને ઓફર કરતા લોકચાહના ખૂબ જરૂરી હોય છે. જ્યારે ગુજરાત દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત કહેવામાં આવતું હોય છે. બીજી તરફ મોદીનું ગુજરાત તેવું પણ કહેવાતું હોય છે. જેથી આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની સાથે હવે ભાજપ પ્રજાને કયા વાયદાઓને વચનો આપે છે. તે પણ ખૂબ મહત્વનું રહેલું છે. ગુજરાતી પ્રજા રાહ જોઈને બેઠી છે કે ભાજપ હવે કયા વચનો આપે છે. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તો પોતાના પત્તા ઉતરી ગયા છે. પણ હવે ભાજપે પત્તા ઉતરવાના બાકી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details