ગુજરાત

gujarat

ETV Bharat / bharat

મધ્યાહ્ન ભોજન યોજના માટે ભારતે શા માટે તત્કાળ પર્યાપ્ત નાણાં સુનિશ્ચિત કરવાની જરૂર છે - gujaratinews

કોવિડ-19 મહામારીને કારણે શાળાઓ અચાનક બંધ કરી દેવાતાં શિક્ષણને અસર થવા ઉપરાંત બાળકોને પોષણ પહોંચાડવા ઉપર પણ અસર થઈ છે. નેશનલ મિડ-ડે મીલ સ્કીમ (જે એમડીએમ - મધ્યાહ્ન ભોજન યોજના તરીકે પણ ઓળખાય છે), શાળાઓમાં ભોજન આપવાનો વિશ્વનો સૌથી કાર્યક્રમ છે.

મધ્યાહ્ન ભોજન યોજના
મધ્યાહ્ન ભોજન યોજના

By

Published : Nov 17, 2020, 8:41 AM IST

ન્યુઝ ડેસ્ક: કોવિડ-19 મહામારીને કારણે શાળાઓ અચાનક બંધ કરી દેવાતાં શિક્ષણને અસર થવા ઉપરાંત બાળકોને પોષણ પહોંચાડવા ઉપર પણ અસર થઈ છે. નેશનલ મિડ-ડે મીલ સ્કીમ (જે એમડીએમ - મધ્યાહ્ન ભોજન યોજના તરીકે પણ ઓળખાય છે), શાળાઓમાં ભોજન આપવાનો વિશ્વનો સૌથી કાર્યક્રમ છે. જેનું ધ્યેય શાળામાં હાજરી વધારવાનું અને સરકારી શાળાઓમાં અભ્યાસ કરી રહેલાં 11.59 કરોડ બાળકોને એક સમયનો પોષણયુક્ત આહાર સુનિશ્ચિત કરવાનું છે. રાજ્યો પરિવારોને બારોબાર અનાજ કે ખાદ્ય સુરક્ષા ભથ્થાં (એફએસએ) પ્રદાન કરવા માટે ખૂબ ઝડપી કામકાજ હાથ ધરી રહ્યાં હોવા છતાં તાજેતરના અભ્યાસો દર્શાવે છે કે યોજના દ્વારા પોષક આહારની વાસ્તવિક ફાળવણી પર્યાપ્ત કરતાં હજુ ઘણી ઓછી છે.

આ મુશ્કેલીનું એક કારણ યોજનાના આયોજનમાં સંકળાયેલી જટિલતાઓ અને કેન્દ્ર તેમજ રાજ્ય સરકારોના વ્યવસ્થાતંત્રમાં નાણાંના પ્રવાહનું છે. મહામારી પહેલાં પણ આ સમસ્યાઓ હતી જ અને હવે તે વધુ ઘેરી બની છે. આ સમસ્યાઓને જલ્દી ઉકેલવામાં નહીં આવે તો આપણે એક કટોકટીમાંથી બીજી કટોકટી તરફ જઈશું. એ શા માટે તે જાણીએ.

માર્ચ, 2020માં સૌ પહેલીવાર સર્વોચ્ચ અદાલતે શાળાઓ બંધ રહેવાને કારણે મધ્યાહ્ન ભોજન યોજનાનો પુરવઠો નહીં પહોંચવા સામે ખતરાની ઘંટડી વગાડી હતી અને રાજ્યોને બાળકો સહિત નબળા વર્ગના લોકોને ખાદ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવાની સૂચના આપી હતી. આ રીતે તેણે મોટા પાયે કુપોષણની સંભાવના સામે રક્ષણ મેળવવા જણાવ્યું હતું. તે પછી શિક્ષણ મંત્રાલયે તરત જ રાજ્યોને “ગરમ તૈયાર ભોજન” ઘરે પહોંચાડવા અથવા તો “ખાદ્ય સુરક્ષા ભથ્થું” આપવાનો આદેશ આપ્યો હતો.

રાજ્યોએ તેનું પાલન કર્યું, બિહારની જેમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (બેંક ખાતામાં રોકડ), અનાજ (રાજસ્થાન કે તેલંગણાની માફક) અથવા અનાજ, કઠોળ, તેલ વગેરે સાથે એફએસએ (રસોઈના ખર્ચની સમકક્ષ) દ્વારા કેન્દ્ર સરકારના આદેશનું પાલન કરાયું. કેરળ જેવાં રાજ્યોમાં તો દૂધ, ઈંડાં વગેરે સહિતનો સંપુર્ણ આહાર પૂરો પાડવામાં આવ્યો. આ પ્રયાસો માટે જરૂરી નાણાં માટે વધારાની મંજૂરીઓ પણ આપવામાં આવી, જેથી મધ્યાહન ભોજન યોજના હેઠળ ઉનાળાના મહિનાઓ દરમિયાન પણ ભોજન પૂરું પાડી શકાય, જે સામાન્ય રીતે મહામારી સિવાયના સમયમાં આ મહિનાઓમાં ઉનાળાનું વેકેશન હોવાથી અપાતું નથી.

આ પગલાં લેવાયાં તેમ છતાંય તાજેતરના અહેવાલો દર્શાવે છે કે જે વચન અપાયું હતું તે મુજબ હજી ઘણાં બાળકોને ભોજન નથી મળી રહ્યું. મે અને જૂન મહિનામાં ઓક્સ્ફેમ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વેમાં ચાર રાજ્યો (ઓડિશા, બિહાર, ઝારખંડ, છત્તીસગઢ અને ઉત્તરપ્રદેશ)ના ૧,૧૫૮ માતાપિતાને ધ્યાન પર લેવામાં આવ્યા હતાં. સર્વેમાં જાણવા મળ્યું કે લગભગ એક તૃતિયાંશ (૩૫ ટકા) બાળકોને મધ્યાહન ભોજન નથી મળી રહ્યું. ઉત્તર પ્રદેશમાં આવાં બાળકો ૯૨ ટકા જેટલી ઊંચી સંખ્યામાં હતાં. અન્ય એક અભ્યાસમાં મધ્યાહન ભોજન મેળવનારા બાળકોની સંખ્યા આનાથી પણ ઓછી હતી.

શા માટે ? સંભવિત કારણો સમજવા માટે યોજના આડેના અવરોધો તરફ નજર કરવી પડશે. અંદાજપત્રો, ભંડોળના પ્રવાહો અને આંકડાનું વિશ્લેષણ કરવાનું પણ ઉપયોગી નીવડશે, જેથી ખબર પડે કે યોજનાના લાભ કોને મળી રહ્યા છે.

મધ્યાહ્ન ભોજન યોજના સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ છે એટલે કે તેનો તમામ ખર્ચ કેન્દ્ર સરકાર અને રાજ્યો ઉઠાવે છે. આ યોજના હેઠળ કેન્દ્ર સરકાર યોજના ચાલુ રહે તે માટે જરૂરી વિવિધ પ્રવૃત્તિઓ - જેવી કે, રસોઈનો ખર્ચ, રસોઈયા - કમ - મદદનીશોને માનદ્ વેતન તેમજ માળખાકીય સવલતો (રસોડાંનાં સાધનો, વગેરે) માટે 60 ટકા ભંડોળ આપે છે. યોજના માટે જરૂરી અનાજનો તમામ ખર્ચ પણ કેન્દ્ર સરકાર ઉઠાવે છે.

વર્ષ 2020-21ની શરૂઆતમાં કેન્દ્ર સરકારે રૂા. 11,000 કરોડ ફાળવ્યાં હતાં, જે ત્યાર પછી વધારીને રૂા. 12,600 કરોડ કરવામાં આવ્યાં હતાં. આ વધારાની રૂા. 1,600 કરોડની ફાળવણી ઉનાળાના મહિનાઓ દરમ્યાન પણ મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને પોષક આહાર પૂરો પાડવા માટે કરવામાં આવી હતી.

આમ છતાં, કેન્દ્ર સરકાર તરફથી રાજ્યોને જરૂરિયાત કરતાં ઓછું તેમજ વિલંબથી ભંડોળ રીલીઝ કરવામાં આવ્યું હતું. અમે નાણાં વર્ષના પહેલા ત્રિમાસિક (એપ્રિલથી જૂન, 2020) માટે રસોઈના ખર્ચ માટે આવશ્યક ભંડોળ (યુનિટ દીઠ રસોઈના ખર્ચ સાથે દિવસની સંખ્યાનો ગુણાકાર કરીને મેળવાયેલો અંદાજ)ની જરૂરિયાતની સરખામણી કેન્દ્ર સરકાર દ્વારા ખરેખર રાજ્યોને અપાયેલાં ભંડોળ સાથે કરી હતી. આ અનુમાનો દર્શાવે છે કે રાજ્યોને આવશ્યકતા કરતાં નોંધપાત્ર રીતે ઓછું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું હતું. દાખલા તરીકે, રાજસ્થાનમાં પહેલા ત્રિમાસિક માટે રસોઈના ખર્ચ પેટે રૂા. 173 કરોડની જરૂરિયાત હતી, જેની સામે કેન્દ્ર સરકારે તેને ફક્ત રૂા. 90 કરોડ આપ્યાં હતાં. તે જ રીતે, આંધ્ર પ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં જરૂરી ભંડોળના 60 ટકા કરતાં પણ ઓછી રકમ પૂરી પાડી હતી.

ઉનાળાના મહિનાઓ માટે કરવામાં આવેલી વધારાની ફાળવણીનાં નાણાં પણ રાજ્યોને ચૂકવાયાં ન હતાં. દાખલા તરીકે, ઉત્તરાખંડમાં કુલ મંજૂર થયેલ એફએસએ (રૂા. 12.54 કરોડ)ના ફક્ત 43 ટકા (રૂા. 5.39 કરોડ) કેન્દ્ર સરકારે આપ્યાં હતાં. કર્ણાટક અને તામિલનાડુમાં આ રકમ અનુક્રમે 73 ટકા અને 79 ટકા હતી. અલબત્ત, 29મી ઑક્ટોબર, 2020ના રોજ ફક્ત 20 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કેન્દ્ર સરકાર પાસેથી ઉનાળાની રજાઓ દરમ્યાન મધ્યાહ્ન ભોજન પૂરું પાડવા માટે કોઈ પણ ભંડોળ મળ્યું હતું.

જે રાજ્યોને કેન્દ્ર સરકારનું ભંડોળ મળ્યું હતું, તે વિલંબથી મળ્યું હતું - લગભગ બીજા ત્રિમાસિક ગાળાના અંતે અથવા ત્રીજા ત્રિમાસિક ગાળાની શરૂઆતમાં મળ્યું હતું. કોઈ પણ સરકારી યોજના ચલાવવા માટે ભંડોળ મહત્ત્વપૂર્ણ છે. મધ્યાહ્ન ભોજન યોજના માટે, આ એક પાઠ મળ્યો, કેમકે કોવિડ-19 મહામારી જેવી તાતી જરૂરિયાતને ટાણે પણ ભંડોળના અભાવે સેવાઓ ધીમી રહી છે.

નાણાંની ઉપલબ્ધિની સમસ્યાઓ ઉપરાંત, યોજના તમામ વિદ્યાર્થીઓને આવરે તે સુનિશ્ચિત કરવામાં પણ ત્રુટિઓ છે. યોજનાની રચના મુજબ, રાજ્યો કેન્દ્ર સરકારને પાછલા વર્ષના વલણને આધારે મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ કેટલાં બાળકો લેશે, તેનો અંદાજ આપે છે. તે પછી કેન્દ્ર સરકાર દ્વારા આ અંદાજોની સમીક્ષા કરવામાં આવે છે અને તેને મંજૂરી આપવામાં આવે છે.

છતાં, ઘણાં રાજ્યોમાં રાજ્યોએ પોતે આપેલાં અનુમાનો કરતાં ઓછી સંખ્યામાં બાળકો સુધી ખાદ્ય સુરક્ષા ભથ્થું - એફએસએ પહોંચે છે. આ વલણ ઉનાળાના મહિનાઓ દરમ્યાન પૂરા પાડવામાં આવેલા ભથ્થા માટે પણ ચાલુ રહ્યું છે. ખાદ્ય સુરક્ષા ભથ્થું ખરેખર જેટલાં બાળકો સુધી પહોંચે છે તે, અને શરૂઆતમાં મંજૂર કરાયેલા અનુમાન વચ્ચેનો તફાવત બિહાર, મહારાષ્ટ્ર, તામિલનાડુ અને હરિયાણામાં ઘણો મોટો છે.

મહામારીને કારણે લોકોએ આજીવિકા ગુમાવી હોય અને આવક ઘટી હોય ત્યારે પરિવારને પૂરતું પોષણ મળવું મુશ્કેલ હતું, ઉપરાંત આ ગાળામાં મધ્યાહ્ન ભોજન યોજનાનો લાભ મેળવતાં બાળકોની સંખ્યા, વર્ષની શરૂઆતમાં રાજ્યોએ આપેલાં અંદાજો કરતાં ઊંચી હશે, તેવી ધારણાને પગલે મહામારી દરમ્યાન મધ્યાહ્ન ભોજન યોજનાની આવશ્યકતા ઘણી વધારે છે. આનો અર્થ એ કે યોજનાના વ્યાપનો આ તફાવત હકીકતમાં આંકડા દર્શાવે છે, તેનાથી પણ વધુ હશે.

પરંતુ વ્યાપનો અંદાજ જે રીતે કાઢવામાં આવે છે અને આંકડાની ચોક્સાઈ ઉપર ઉઠતા સવાલો કંઈ નવા નથી. જેમકે, વર્ષ 2018-19માં મધ્યાહ્ન ભોજન યોજનાની વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નોંધાયેલી સંખ્યા સરેરાશ રીતે યુનાઈટેડ ડિસ્ટ્રિક્ટ ઈન્ફર્મેશન સિસ્ટમ્સ (યુડીઆઈએસઈ)માં નોંધાયેલા આંકડા કરતાં ઊંચી છે. યુડીઆઈએસઈ, એ શિક્ષણ મંત્રાલય દ્વારા બજેટની ફાળવણી માટે વપરાતો સત્તાવાર શાળાકીય ડેટાબેઝ છે. તફાવત બિહારમાં 18 લાખ અને પશ્ચિમ બંગાળમાં 14 લાખ જેટલા મોટા છે. કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા આયોજન માટે આ બે ડેટા બેઝનો ઉપયોગ કરાય છે.

એ બાબતે કોઈ શંકા નથી કે મહામારીને કારણે કેન્દ્ર અને રાજ્ય સરકારો ઉપર એકસરખો અસાધારણ નાણાંકીય બોજો આવી પડ્યો છે, જેના પગલે ભંડોળને ઘણી કરકસરપૂર્વક વાપરવામાં આવી રહ્યું છે. પરંતુ આપણા આયોજન, અંદાજપત્રીય ફાળવણી અને અર્થતંત્રમાં ભંડોળના પ્રવાહને મજબૂત કરવો મહત્ત્વપૂર્ણ છે. આમ કરવામાં નિષ્ફળ જવાય તો, સુપ્રિમ કોર્ટે જે ચેતવણી આપી છે, તેમ કુપોષણની ભીષણ કટોકટી પરિણમી શકે છે.

  • અવનિ કપૂર, ડાયરેક્ટર, એકાઉન્ટેબિલિટી ઈનિશિયેટિવ એન્ડ ફેલો, સીપીઆર
  • શરદ પાંડે, રિસર્ચ એસોસીએટ, એકાઉન્ટેબિલિટી ઈનિશિયેટિવ, સીપીઆર

ABOUT THE AUTHOR

...view details