મુંબઈઃલગ્ન એ માત્ર બે વ્યક્તિ વચ્ચેના સંબંધોની શરૂઆત નથી. પણ બે પરિવારોનું મિલન છે. લગ્નને એક સંસ્થા તરીકે પણ જોવામાં આવે છે. જેમાં અનેક જુદા જુદા રીત-રીવાજ છે, પરંપરાઓ છે. લગ્ન પ્રસંગે થનારી દરેક વિધિ પાછળ એક માન્યતા અને આસ્થા જોડાયેલી હોય છે. આ સિવાય પણ એક વૈજ્ઞાનિક અભિગમ પણ જોડાયેલો હોય છે. એ પછી પીઠીનો રીવાજ હોય કે સાત ફેરા. આ રીવાજમાં એક રીવાજ એ પણ હોય છે કે, દીકરી વિદાય વખતે દીકરી આગળ જાય છે અને પાછળ ચોખા ફેંકે છે.
ઈમોશનલ ક્ષણઃ દીકરી વાળા માટે ક્ષણ સૌથી વધારે ઈમોશનલ હોય છે. વરરાજા સાથે કોઈ વાહનમાં બેસતા પહેલા દીકરી આ રીવાજ નિભાવે છે. આમ તો દરેક હિન્દુઓના લગ્નમાં આ રીવાજ જોવા મળે છે. પણ ઘણા ઓછા લોકોને આ પાછળની હકીકત ખબર હોય છે. એક પ્લેટમાં દીકરી માટે ચોખા લાવવામાં આવે છે અને પછી દીકરી બન્ને હાથેથી ખોબા ભરીને આ ચોખાને પાછળની તરફ ફેંકે છે. હિન્દુ ધર્મમાં દીકરીઓને લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. જ્યારે તે પિતાનું ઘર છોડીને વિદાય લે છે એ સમયે ચોખાના રૂપમાં પોતાની દુઆ, ધન સંપત્તિ તથા સમૃદ્ધિ પોતાના પરિવારને આપીને જાય છે. આ કારણોસર તે વિદાય વખતે ચોખા પાછળની તરફ ફેંકીને જાય છે. તેને સાચવીને રાખવામાં આવે છે.