- કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે થયા હતા શ્રેણીબદ્ધ વિસ્ફોટ
- હુમલામાં ઓછામાં ઓછા 103 લોકો મૃત્યુ પામ્યા હતા
- આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ આ હુમલાની જવાબદારી લીધી
હૈદરાબાદ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલના એરપોર્ટ નજીક ગુરુવારે શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ઓછામાં ઓછા 103 લોકો મૃત્યુ પામ્યા હતા જ્યારે અન્ય ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના સમાચાર છે. એક અફઘાન અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, એરપોર્ટ પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા 60 અફઘાની માર્યા ગયા અને 143 અન્ય ઈજાગ્રસ્ત થયા હતા. આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટ ખોરાસન (ISIS-K) એ આ હુમલાની જવાબદારી લીધી છે. ISIS ખોરાસન (ISIS-K) ના આતંકવાદીઓ તેમના આત્મઘાતી હુમલા માટે પ્રખ્યાત રહ્યા છે. 2016 માં સંગઠને અમેરિકન અને નાટો સૈનિકોને નિશાન બનાવી કાબુલ સહિત અફઘાનના ઘણા શહેરોમાં ફિદાયીન હુમલા કર્યા હતા. તે તાલિબાનના હક્કાની નેટવર્ક અને પાકિસ્તાનમાં અન્ય આતંકવાદી સંગઠનોના પ્રાદેશિક સાથી પણ છે. જોકે તાલિબાન સાથે તેના મતભેદો છે.
ISIS પોતાને માને છે વૈશ્વિક જેહાદી
ISISની પ્રથમ જાણ 2006 માં થઇ હતી. બગદાદીએ તેનો પાયો નાખ્યો હતો. આ સંગઠન પોતાની જાતને કટ્ટર જેહાદી માને છે, સમગ્ર વિશ્વ જેનું લક્ષ્ય છે. તે ગ્લોબલ જેહાદની હિમાયત કરે છે. તેનો એજન્ડા વિશ્વભરમાં ઇસ્લામિક શાસન સ્થાપિત કરવાનો છે. તેના નેતાઓ તાલિબાનને માત્ર અફઘાનિસ્તાનમાં શાસન કરવાના હેતુથી એક જૂથ તરીકે જૂએ છે. ISIS માં જોડાયેલા લોકોમાં સુન્ની ઇસ્લામની વહાબી અને સલાફી શાખાઓના લડવૈયાઓ છે. જેમાં મોટાભાગના તાલિબાન આતંકવાદીઓ ઇસ્લામના હનફી પંથને અનુસરે છે.
તાલિબાનને અમેરિકાનો એક હિસ્સો જણાવ્યો
ઇસ્લામિક સ્ટેટ ઓફ ઇરાક એન્ડ સીરિયા એટલે કે ISIS તાલિબાનને અમેરિકાનો એક હિસ્સો કહે છે. ISIS નો દાવો છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાનમાં સત્તા પર કબજો મેળવવા માટે અમેરિકાના હિતમાં કરાર કર્યા છે. તે અફઘાનિસ્તાનમાં તાલિબાનનો વિજય થયો છે તે સ્વીકારવા તૈયાર નથી, પરંતુ કહે છે કે અમેરિકાએ અફઘાન શાસન તાલિબાનને પોતાની શરતો પર સોંપ્યું છે. તે અમેરિકાને પોતાનો સૌથી મોટો દુશ્મન માને છે. તેથી તેણે અફઘાનિસ્તાનમાં અમેરિકન સૈનિકો અને નાગરિકો પર આત્મઘાતી હુમલા કર્યા હતા.