- કોવિડ-19ની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી
- વિશ્વભરના દેશોમાં લાખોની સંખ્યામાં વેક્સિન મોકલાશે
- WHOના પ્રમુખ ટેડ્રોસ એડહાનૉમે આપી સમગ્ર માહિતી
જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ એસ્ટ્રાજેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીના કોવિડ-19ની વેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. આ સાથે જ મહામારી સામેની લડાઈમાં WHOની સહાયતાથી વિશ્વભરના દેશોમાં લાખોની સંખ્યામાં કોરોનાની વેક્સિન મોકલી શકાશે.
જરૂરિયાતમંદ દેશોને ડબ્લ્યૂએચઓ વેક્સિન પહોંચાડશે
સંયુક્ત રાષ્ટ્રની આરોગ્ય એજન્સીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમણે એસ્ટ્રોજેનેકાની વેક્સિનને ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પ્રમુખ ટેડ્રોસ એડહાનૉમે કહ્યું હતું કે, કો-વેક્સ પ્રોગ્રામ અંતર્ગત દુનિયાના ઘણા દેશોમાં આ વેક્સિન આપવામાં આવશે. તેવામાં કોવેક્સ પ્રોગ્રામ હેઠળ દુનિયાના જરૂરિયાતમંદ દેશોને ડબ્લ્યૂએચઓ દ્વારા કોરોના વેક્સિન પહોંચાડવામાં આવશે. ડબલ્યૂએચઓ દ્વારા એસ્ટ્રોજેનેકાની કોવિડ-19 વેક્સિનને લીલી ઝંડી આપ્યા બાદ જ જરૂરિયાતમંદ દેશોને કોરોનાની વેક્સિન પહોંચાડવામાં આવશે.