નવી દિલ્હીઃ હવામાન વિભાગ(IMD)એ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દક્ષિણ પશ્ચિમ મધ્ય પ્રદેશના અનેક વિસ્તારોમાં સોમવારે વરસાદની આગાહી જાહેર કરી છે. આ ઉપરાંત પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ પડશે તેમ જણાવ્યું છે.
દક્ષિણી રાજસ્થાન, મહારાષ્ટ્ર અને દક્ષિણી-પશ્ચિમ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, ઝડપી પવનો અને કરા સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. રાત્રે પંજાબ, હરિયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. આઈએમડીએ પોતાના એક્સ હેન્ડલ પર પોસ્ટ કરી છે કે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આંધી, ઝડપી પવનો, કરા સાથે હળવાથી મધ્યમ વરસાદની સ્થિતિ સર્જાઈ છે.
તાજેતરમાં સેટેલાઈટ ઈમેજમાં રાજસ્થાનમાં આકાશ સાફ દેખાઈ રહ્યું છે. મધ્ય પ્રદેશમાં મધ્યમ વાદળો અને ઉત્તરી મધ્ય મહારાષ્ટ્ર અને હિમાચલ પ્રદેશમાં વધુ વાદળ દેખાઈ રહ્યા છે. આ અગાઉ મુંબઈ ક્ષેત્રીય મોસમ વિજ્ઞાન કેન્દ્રએ રવિવારે મહારાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ સાથે આંધી તોફાનની આગાહી પણ કરવામાં આવી હતી. પાલઘર, ધુલે અને નંદુરબાર જિલ્લામાં ભારે વરસાદની આશંકા છે. જ્યારે થાણા, મુંબઈ, રાયગઢ, રત્નાગિરી, સિંધુદુર્ગ, જલગાંવ, નાસિક, અહમદનગર અને પૂના જિલ્લામાં ગાજવીજ સાથે આંધીની ભવિષ્યવાણી કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે ગઈકાલે રવિવારે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદે બધડાટી બોલાવી હતી. અમદાવાદથી લઈ ઉત્તરગુજરાત સહિતના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી હતી. આ વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું હતું જેનો શહેરીજનોએ આનંદ ઉઠાવ્યો હતો પરંતુ આ કમોસમી વરસાદથી જગતનો તાત ચિંતામાં છે.
- માવઠાનો માર, દાહોદ પંથકમાં વીજળી પડવાથી બે લોકોનો મૃત્યું, તો કેટલાંક ગામોમાં વીજળી ગૂલ થવાથી અંધારપટ
- હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આટલા દિવસ સુધી રહેશે કમોસમી વરસાદ