નવી દિલ્હી:દિલ્હી-NCR સહિત સમગ્ર દેશમાં ભારે વરસાદ ચાલુ છે. રાષ્ટ્રીય રાજધાનીમાં મોડી રાત્રે શરૂ થયેલો વરસાદ સવાર સુધી બંધ થયો ન હતો. વરસાદ બાદ દિલ્હી-એનસીઆરમાં લોકોને ભેજવાળી ગરમીથી ચોક્કસ રાહત મળી છે, પરંતુ વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. યમુના અને હિંડોન નદીના જળસ્તર વધવાથી લોકો પરેશાન છે, વચ્ચે-વચ્ચે પડી રહેલા વરસાદને કારણે અહીં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે.
વરસાદની આગાહી: ગુજરાતમાં અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે આગાહી કરી છે કે હવે વરસાદનો ચોથો રાઉન્ડ શરૂ થશે. ત્યારે સ્કાયમેટ હવામાન અનુસાર, આગામી 24 કલાક દરમિયાન, પૂર્વોત્તર ભારત, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, ઝારખંડના ભાગો, વિદર્ભ, કોસ્ટલ કર્ણાટક, કેરળ, દક્ષિણ ગુજરાત, પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ અને જમ્મુ અને કાશ્મીરમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, બિહાર, આંતરિક કર્ણાટક, લક્ષદ્વીપ, આંદામાન અને નિકોબાર ટાપુઓ, મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવો વરસાદ થઈ શકે છે. ઉત્તર તેલંગાણા, છત્તીસગઢ, મધ્યપ્રદેશના ભાગો અને કોંકણ અને ગોવામાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. ઓડિશા, રાજસ્થાનના ભાગો, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ, આસામના ભાગો અને અરુણાચલ પ્રદેશમાં છૂટાછવાયા ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં પાણી ભરાયાઃ શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધી છેલ્લા 30 કલાકમાં પડેલા વરસાદને કારણે ગુજરાતના દક્ષિણ અને મધ્ય પ્રદેશોના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) એ અહેવાલ આપ્યો છે કે આ સમયગાળા દરમિયાન 19 તાલુકાઓમાં 100 મિલીમીટર (mm) થી વધુ વરસાદ નોંધાયો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરતના મહુવા તાલુકામાં ગુરુવારે સવારે 6 વાગ્યાથી શુક્રવારે બપોરે 12 વાગ્યા સુધીમાં 302 મિમી વરસાદ નોંધાયો હતો. ભારતીય હવામાન વિભાગ (IMD) એ શુક્રવારે છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ, વડોદરા, ભરૂચ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ "ભારેથી અતિ ભારે વરસાદ" ની આગાહી કરી છે.
ગુજરાતમાં 85 ટકા વરસાદ ખાબકી ગયો: રાજ્યમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો 139 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. જેમા સુરતના મહુવામાં 11 ઈંચ જ્યારે નવસારીમાં 10 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેમા નવસારીમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. આ સિવાય ડાંગના સુબીર અને વલસાડના કપરાડા તાલુકામાં 7 ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં 85 ટકા વરસાદ ખાબકી ગયો છે. આજથી પાંચ દિવસમાં સુરત, તાપી, નવસારી, ડાંગમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્રમાં ખાસ કરીને સોમનાથ, અમરેલી, ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.