નવી દિલ્હી:આવ રે વરસાદ, ઢેબરીયો વરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક.... આ ગીત હવે બાળકોએ બારેમાસ ગાવું પડશે. કારણ કે, મેધો બારેમાસ જોવા મળી રહ્યો છે. ઉનાળામાં લોકો ગરમીથી કંટાળી જતા હોય છે, પરંતુ આ વખતે ઉનાળામાં લોકો વરસાદથી અને ઠંડકથી કંટાળી ગયા છે. હજુ પણ દેશના અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસશે.
આ પણ વાંચો El Nino: આ વર્ષે મોટા પ્રમાણમાં દેખાઈ રહ્યો અલ નીનો, ઓછા વરસાદની શક્યતા, અલ નિનો શું છે?
વરસાદે કરાવી રવિવારની મજા:રવિવારે દેશના ઘણા રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદ થયો હતો. હવામાન વિભાગે આજે પણ દિલ્હી-NCR સહિત અનેક રાજ્યોમાં વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના ટ્વિટર હેન્ડલ પર આપવામાં આવેલી માહિતી અનુસાર કેરળ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, પૂર્વ મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગાણા, તમિલનાડુમાં આગામી ત્રણ દિવસ સુધી વરસાદ પડી શકે છે.
રાહત ક્યારે મળશેઃ IMDએ જણાવ્યું કે પશ્ચિમ બંગાળ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, છત્તીસગઢ, ઓડિશા, ઝારખંડ, સિક્કિમ, બિહાર, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા અને હિમાચલ પ્રદેશમાં ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ પડી શકે છે. આ રાજ્યોમાં કરા પણ પડી શકે છે. હવામાન વિભાગનું કહેવું છે કે દેશના મોટાભાગના ભાગોમાં તારીખ 3 મે સુધી વરસાદી ગતિવિધિઓ ચાલું રહેશે. તારીખ 4 મે પછી વરસાદથી રાહત મળી શકે છે. રવિવારે યુપી અને બિહારમાં ભારે વરસાદ થયો હતો. આજે પણ અહીં વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઘણી જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.
વાવાઝોડાનું એલર્ટ: યુપી અને બિહારના ઘણા ભાગોમાં, હવામાનમાં આ એકાએક બદલાવને કારણે, તાપમાનમાં ઘટાડો થયો હતો. જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી હતી. સાથે જ કેરીના પાકને પણ થોડું નુકસાન થયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બે-ત્રણ દિવસમાં પૂર્વી યુપી અને બિહારના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે. સોમવારે રાજ્યના કેટલાક ભાગોમાં વાવાઝોડા અને હળવા વરસાદ માટે હવામાન વિભાગ દ્વારા 'યલો એલર્ટ' પણ જારી કરવામાં આવ્યું છે. તારીખ 1 અને 2 મેના રોજ મહત્તમ તાપમાનમાં પણ બેથી ચાર ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.
રાજસ્થાનમાં વાવાઝોડું: રાજસ્થાનમાં વાવાઝોડા અને વરસાદની ગતિવિધિઓ આગામી એક સપ્તાહ સુધી ચાલું રહેવાની સંભાવના છે. જયપુર હવામાન કેન્દ્રના પ્રભારી રાધેશ્યામ શર્માએ જણાવ્યું કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી એક સપ્તાહ સુધી વાવાઝોડા અને વરસાદ ચાલું રહેવાની સંભાવના છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ કેરળમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સિવાય હવામાન વિભાગે ચાર જિલ્લા પથનમથિટ્ટા, એનારકુલમ, ઇડુક્કી અને થ્રિસુરમાં 'ઓરેન્જ' એલર્ટ જાહેર કર્યું છે. તે જ સમયે, તિરુવનંતપુરમ, કોલ્લમ, અલપ્પુઝા, કોટ્ટાયમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લાઓ માટે 'યલો' એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો Chardham Yatra: કેદારનાથ અને બદ્રીનાથ યાત્રામાં આવ્યુ વિધ્ન, શ્રીનગર પોલીસે અટકાવી ચારધામ યાત્રા
ગુજરાતમાં વરસાદ:હવામાન વિભાગે આગામી દિવસો માટે આગાહી કરતા જણાવ્યું છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યમાં માવઠાનો માર યથાવત રહેશે.જેના કારણે રાજ્યમાં ચાર દિવસ અનેક વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડશે. રવિવારના દિવસે ગુજરાતના અમરેલીમાં રાજુલા અને લાલપુર પંથકમાં ત્રણ ઈંચ કમોસમી વરસાદ ખાબક્યો હતો. બાબરીયાધાર ગામ ઉતાવળી નદીમાં ઘોડાપુર આવતા ટ્રકમાં જતા પાંચ લોકો ફસાયા હતા. માવઠાને કારણે મોટી સમસ્યા ખેડૂતો માથે છે. ઉનાળુ પાકને ભારે નુકસાન થયું છે.