તિરુનેલવેલીઃ શહેરીજીવનથી દૂર, રમણીય જંગલમાં રહેતા મુરુગેસન સવાર પડતા જ કોદાળી લઈને પોતાની દિનચર્યા શરુ કરી દે છે. તે પોતાના અડધા એકરના ખેતરમાં ટૈપિઓકા અને કેળા ઊગાડે છે. આ ખેતરમાં તેમની ઘાસ પાંદડાથી બનેલી ઝુંપડી પણ છે. આ ઝુંપડીની દિવાલો માટીથી બનેલી છે. જ્યારે તે નાનો હતો ત્યારે તેણે આંખો ગુમાવી દીધી હતી. જો કે આ અંધાપો તેને ખેતીકામમાં નડતરરુપ નથી. ઉલ્ટાનું ખેતી તેના માટે એક પેશન છે.
ગાઢ જંગલમાં રહેઠાણઃ મોટા મોટા પર્વતો અને ઝરણાવાળા આ જંગલમાં જમીન ખૂબ જ ઊંચી-નીચી અને ભેખડોવાળી છે. આ વિસ્તારમાં વાઘ, દીપડા, રીંછ, હરણ અને જંગલી ભુંડની અવર જવર પણ જોવા મળે છે. આવા કુદરતી રમણીય વાતાવરણમાં વસેલું પેરિયા માયલર ગામ તિરુનેલવેલી જિલ્લાના પશ્ચિમ ઘાટ પર આવેલા પાંચ ગામો પૈકીનું એક છે. તેમ છતા માત્ર 400ની વસ્તી ધરાવતું આ ગામ દુર્ગમ જંગલોની વચ્ચે છે. કરૈયાર બંધ સુધી જ વાહનની વ્યવસ્થા ઉપલબ્ધ છે. આ 4 કિલોમીટર લાંબો ડેમ પાર કર્યા બાદ 10 કિલોમીટર ચાલો ત્યારે ઈંજિકુઝી ગામ આવે છે. બીજા છ કિલોમીટર ચાલો ત્યારે પેરિયા માયલર ગામ આવે છે.
જમીનનો દસ્તાવેજ નહીંઃ આ આદિવાસીઓ સદીઓથી અહીં વસે છે. તેઓ જમીનનો દસ્તાવેજ પણ કરાવતા નથી. અહીં તેઓ ડેમ નજીકના વિસ્તારમાં કુદરતને ખોળે જીવે છે. અંતરિયાળ ગામોમાં રહેતા 158 પરિવારો હજુ પણ કરિયાણું લાવવા અને પોતાનો પાક વેચવા માટે દર અઠવાડિયે લાંબુ અંતર કાપે છે. મુરુગેસનનો પરિવાર પેરિયા માયલર ગામના નવ પરિવારમાંથી એક છે. મુરુગેસનને તેમના માતા માં પાંડિયામ્મલે એકલ હાથે ઉછેર કર્યો છે. તેમણે શરુઆતમાં માતાની ખેતીકામમાં મદદ કરવા માટે હાથ અજમાવ્યો હતો,પરંતુ હવે ખેતી તેમની પેશન બની ગઈ છે.
શું કહે છે માતા?: મુરુગેસનના માતા માં પાંડિયામ્મલ જણાવે છે કે, જ્યારે તે દોઢ વર્ષનો હતો ત્યારે તે ગંભીર તાવમાં સપડાયો હતો. આ તાવને પરિણામે તેની બંને આંખોની રોશની જતી રહી. આ વિસ્તારમાં કોઈ આરોગ્ય સુવિધા નથી. પાડોશીઓના કહેવાથી હું દીકરાને પૂજારી પાસે લઈ ગઈ તેણે આંખો પર રાખ લગાવી દીધી. તાવ ઉતરી ગયો પરંતુ તેની આંખો ન બચી શકી. મુરુગેસન મારો નાનો દીકરો છે મારા પતિએ મને અને દીકરાને છોડીને બીજી મહિલા સાથે લગ્ન કરી લીધા હતા. મેં મુરુગેસનને એકલા હાથે ઉછેર્યો છે. તેને આત્મવિશ્વાસથી ભરી દીધો છે. તે 15 વર્ષનો હતો ત્યારથી જ કોઈની મદદ વિના જંગલમાં એકલો ફરે છે.
કૃષિ નિષ્ણાંતઃનીંદણ દૂર કરવું, છોડની સારસંભાળ જેવા કામો મુરુગેસન એક નોર્મલ વ્યક્તિની જેમ કરે છે. તે પાકની લણણી પણ કરે છે અને પાકને વેચવા માટે પણ લઈ જાય છે. મુરુગેસને જંગલી ભુંડ, હરણ અને અન્ય જંગલી જાનવરોથી બચવા માટે પોતાના ખેતરની ફરતે એક વાડ પણ તૈયાર કરી છે. તે નિયમત સમયે ટીનનો ડબ્બો ખખડાવીને એલાર્મ પણ વગાડે છે. આ ટીનના ડબ્બાને તેની ઝુંપડીની નજીક એક ઊંચા થાંભલા પર લગાડવામાં આવ્યો છે. કાની આદિવાસીઓની જેમ મુરુગેસન મોટા પાયે કેળા અને ટૈપિઓકા ઉગાડે છે. ચિપ્સ બનાવતા લોકો પહાડોમાં ઉગતા ટૈપિઓકા ખરીદી લે છે. સુકવેલા ટૈપિઓકા 90 રુપિયે પ્રતિ કિલો વેચાય છે.
શું કહે છે અંધ ખેડૂત?: મુરુગેસન જણાવે છે કે, હું એક સુખી જિંદગી જીવું છું. પોતાના વિસ્તારથી પરિચિત હોવાને લીધે હું કોઈની પણ મદદ વિના જંગલમાં ક્યાંય પણ જઈ શકુ છું. મારા બંને પગ મારી આંખો છે અને ભગવાને મને આ હુન્નર આપ્યો છે. મેં જંગલથી પરિચિત થવા માટે ઘણા વર્ષો આપ્યા છે. મેં સરકારમાં ક્યારેય ખેતી લોન કે કોઈ મદદ માટે આવેદન કર્યુ નથી. જો જંગલી જાનવરો પાકને નષ્ટ કરી દે તો સરકારી લોન કેવી રીતે ભરી શકાય. મને બહાર જવામાં કોઈ રસ નથી, કારણ કે આ સ્થળ મારુ જીવન અને વ્યક્તિત્વનું અભિન્ન અંગ છે. કોઈપણ રીતે હું કોઈપણ શહેરમાં વસવાટની કલ્પના જ કરી શકું તેમ નથી. હવા પાણી શુદ્ધ છે બીજું શું જોઈએ? ટૈપિઓકા અમારુ પેટ ભરવા પૂરતા છે. અનેક પડકારો છતાં મારી છેલ્લી ઈચ્છા છે કે મારે આજીવન મારા ખેતર સાથે જોડાયેલા રહેવું છે અને આત્મનિર્ભર બનવું છે. અંધાપાએ મુરુગેસન જેવા ખેડૂતનો આત્મવિશ્વાસ છીનવ્યો નથી.
- નર્મદા જિલ્લામાં 3 હજાર આદિવાસી ખેડૂત પરિવારોને જમીન ખેડવાનો અધિકાર મળ્યો
- ડાંગ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, ગીરાધોધ રમણીય બન્યો