નવી દિલ્હીઃ ગુજરાતમાં યોજાનાર વાયબ્રન્ટ સમિટ 2024માં યુએઈના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ અલ નાહયાન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાના છે. આ ઘટનાને લીધે ભારતની વિદેશનીતિ સમાચારોમાં ચમકશે તેમાં કોઈ બેમત નથી. યુએઈ રાષ્ટ્રપતિ 9મી જાન્યુઆરીને ભારત પધારી રહ્યા છે. તેઓ 10મી જાન્યુઆરીના રોજ યોજાનાર વાયબ્રન્ટ સમિટમાં ભાગ લેશે.
આ દર્શાવે છે કે ભારત અને યુએઈ વચ્ચેના સંબંધોને એક નવી ઊંચાઈ મળશે. યુએઈ રાષ્ટ્રપતિની ભારત યાત્રાને પરિણામે રીન્યૂએબલ એનર્જી અને ફૂડ પાર્કના સેક્ટરમાં એમઓયુ પણ થશે. ભારત અને યુએઈ વચ્ચે આરોગ્ય સેવાઓ સંદર્ભે આર્થિક ભાગીદારી પણ થઈ શકે છે.
વડા પ્રધાન મોદી 8 જાન્યુઆરીના રોજ અમદાવાદ આવી પહોંચશે. તેઓ 9મી જાન્યુઆરીના રોજ અન્ય દેશોના રાજકીય નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો કરશે. અધિકારીઓ અનુસાર યુએઈ, ચેક રીપબ્લિકન, મોઝામ્બિક અને તિમોર લેસ્તે સહિત 4 દેશોના પ્રમુખ દ્વિપક્ષીય બેઠકોમાં ભાગ લેશે.
9મી જાન્યુઆરીના રોજ વડા પ્રધાન મોદી અમદાવાદ એરપોર્ટ પર યુએઈના રાષ્ટ્રપતિનું સ્વાગત કરશે. ત્યારબાદ બંને નેતાઓ એરપોર્ટ પરથી ગાંધી આશ્રમ સુધી રોડ શો કરશે. વાયબ્રન્ટ ગુજરાત શિખર સંમેલનમાં યુએઈના વેપાર પ્રધાન થાની બિન અહમદ અલ જાયૌદી અને ખાડી દેશોના વેપાર સમૂહનું એક આખું ડેલિગેશન ભાગ લેવાનું છે.
આ બેઠકો ગાંધીનગરના મહાત્મા મંદિરમાં થવાની છે. ત્યારબાદ મોદી અગ્રણી ઈન્ટરનેશનલ કંપનીઓના સીઈઓ સાથે બેઠક પણ કરશે. વડા પ્રધાન 9મી જાન્યુઆરીના રોજ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શોનું ઉદ્દઘાટન કરશે. જેમાં ઓસ્ટ્રેલિયા, તાન્જાનિયા, મોરક્કો, મોઝામ્બિક, દક્ષિણ કોરિયા, થાઈલેન્ડ, એસ્ટોનિયા, બાંગ્લાદેશ, સિંગાપોર, યુએઈ, યુકે, જર્મની, નોર્વે, ફિનલેન્ડ, નેધરલેન્ડ, રશિયા, રવાંડા, જાપાન, ઈંડોનેશિયા અને વિયેતનામ સહિત 20 દેશો પાર્ટનર કન્ટ્રી બન્યા છે.