કોલકાતા : ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્કસવાદી) CPI(M) વરિષ્ઠ નેતા અને પશ્ચિમ બંગાળના બાંકુરા મતવિસ્તારમાંથી નવ વાર લોકસભા પ્રતિનિધિ રહેલા બાસુદેવ આચાર્યે સોમવારે અંતિમ શ્વાસ લીધા હતા. દિગ્ગજ નેતાનું લાંબી માંદગી બાદ 81 વર્ષની વયે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું.
શક્તિશાળી ડાબેરી નેતા : 11 જુલાઈ 1942ના રોજ પશ્ચિમ બંગાળના પુરુલિયામાં જન્મેલા બાસુદેવ આચાર્યની રાજકીય સફર તેમના વિદ્યાર્થીકાળ દરમિયાન શરૂ થઈ હતી. જ્યારે તેમણે ડાબેરી ચળવળમાં સક્રિયપણે ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ પશ્ચિમ વિસ્તારમાં વિવિધ આદિવાસી આંદોલન અને હસ્તાક્ષર અભિયાનમાં એક અગ્રણી વ્યક્તિ તરીકે ઉભરી આવ્યા હતા. ડાબેરી વિચારધારા અને શ્રમિક આંદોલનમાં મુખ્યત્વે રેલ્વે ક્ષેત્રમાં તેમનું યોગદાન તેઓને શક્તિશાળી નેતા તરીકે ચિહ્નિત કરે છે.
9 વારના સાંસદ : બાસુદેવ આચાર્યનો રાજકીય વારસો 1980 માં ચરમસીમાએ પહોંચ્યો જ્યારે તેઓ પ્રથમ વખત બાંકુરામાંથી સંસદ સભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની અતૂટ લોકપ્રિયતાના કારણે લોકસભા ચૂંટણીમાં સતત નવ વખત પ્રભાવશાળી વિજય મેળવ્યો હતો. જેમાં 2014 સુધી લોકપ્રતિનિધિ તરીકે તેમનું સ્થાન સુરક્ષિત કર્યુ હતું. જોકે, ઘટનાઓના અણધાર્યા વળાંકમાં બાસુદેવ 2014 ની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર અને પ્રખ્યાત અભિનેત્રી મુનમુન સેન સામે હારી ગયા હતા.
આદિવાસી શિક્ષણમાં યોગદાન : બાસુદેવ આચાર્યના રાજકીય પ્રયત્નો સિવાય તેઓ આદિવાસી વસ્તી ધરાવતા બાંકુરા જિલ્લામાં આદિવાસી શિક્ષણમાં સક્રિયપણે રોકાયેલા રહ્યા હતા. હાંસિયામાં ધકેલાઇ ગયેલા સમુદાયોના કલ્યાણ માટેની તેમની પ્રતિબદ્ધતા તેમના સંસદીય કાર્ય અને પાયાની સક્રિયતા બંનેમાં પ્રતિબિંબિત થાય છે. બાસુદેવ આચાર્યનો પ્રભાવ રાજકીય ક્ષેત્રની બહાર પર વિસ્તર્યો હતો. કારણ કે તેમણે મુખ્યત્વે રેલવે ક્ષેત્ર જેવા વિવિધ ટ્રેડ યુનિયન આંદોલનમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
હૈદરાબાદમાં અંતિમ સંસ્કાર : પ્રતિકૂળ સંજોગોનો સામનો કરવા છતાં બાસુદેવ આચાર્ય તેમની રાજકીય પ્રતિબદ્ધતા પર અડગ રહ્યા હતા. પશ્ચિમ બંગાળમાં ત્રિ-સ્તરીય પંચાયત પ્રણાલી માટેની 2018 ની ચૂંટણીમાં પુરુલિયામાં CPI (M) કાર્યકરોના સરઘસનું નેતૃત્વ કરતી વખતે તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરો દ્વારા તેમના પર કથિત રીતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં તેઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા. બાસુદેવ આચાર્યની પુત્રી હાલ વિદેશમાં છે, તે આવતીકાલે અંતિમ સંસ્કાર કરવા હૈદરાબાદ પહોંચે તેવી સંભાવના છે.
મમતા બેનર્જીએ શ્રદ્ધાંજલિ આપી : બાસુદેવ આચાર્યના અવસાન પર શોક વ્યક્ત કરતા મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ સોશિયલ મીડિયા માધ્યમ પર જણાવ્યું કે, દિગ્ગજ વામપંથી નેતા અને પૂર્વ સાંસદ બાસુદેવ આચાર્યના નિધન પર દુઃખ થયું. તેઓ એક જબરદસ્ત ટ્રેડ યુનિયન નેતા અને શક્તિશાળી સંસદ સભ્ય હતા. તેમના અવસાનથી જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે. તેમના પરિવાર, મિત્રો અને સહકર્મીઓ પ્રત્યે સંવેદના.
- Modi met Saira Bano : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીઢ અભિનેત્રી સાયરા બાનુ સાથે મુલાકાત કરી
- National Education Day 2023: આજે 'રાષ્ટ્રીય શિક્ષણ દિવસ', જાણો કોની યાદમાં ઉજવવામાં આવે છે આ દિવસ