વારાણસી :કાશી હિન્દુ યુનિવર્સિટીમાં 1 નવેમ્બર બુધવારના રોજ મોડી રાત્રે ત્રણ નરાધમ યુવકોએ એક વિદ્યાર્થીની સાથે છેડતી કરીને અશ્લીલતાની હદ વટાવી દીધી હતી. બાઇક પર સવાર ત્રણ શખ્સ પીડિત યુવતીનું મોં દબાવીને કોઈ એકાંત સ્થળ પર લઇ ગયા હતા. જ્યાં બદમાશોએ યુવતી સાથે અભદ્ર હરકતો કરી અને હદ તો ત્યારે થઈ જ્યારે નરાધમોએ યુવતીના કપડાં કાઢી નાખ્યા. અહીં ન અટકતા આરોપીઓએ યુવતીનો એક અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો.
યુનિવર્સિટીમાં ઉગ્ર વિરોધ :આ ઘટના યુનિવર્સિટી કેમ્પસમાં કર્મન બાબા મંદિરથી 300 મીટરના અંતરે બની હતી. આ ઘટના બાદ ફરી એકવાર BHU માં વિદ્યાર્થીનીઓની સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠ્યા છે. આ મામલે પીડિતાએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં ગંભીર આરોપ લગાવ્યા છે. જ્યારે આ ઘટનાના વિરોધમાં યુનિવર્સિટીના લગભગ 2 હજાર યુવક-યુવતીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે. BHU IIT મેનેજમેન્ટે યુનિવર્સિટી કેમ્પસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે.
ચકચારી છેડતી બનાવ : પીડિતા દ્વારા આ મામલે લંકા પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. પીડિત વિદ્યાર્થિનીએ તેની ફરિયાદમાં આરોપીઓના દરેક કૃત્યનો વિગતવાર ઉલ્લેખ કર્યો છે. યુવતીએ કહ્યું કે, હું બુધવારે રાત્રે લગભગ 1:30 વાગ્યે મારી નવી ગર્લ્સ હોસ્ટેલ IIT BHU થી જઈ રહી હતી. ગાંધી સ્મૃતિ છાત્રાલય ચોક પાસે મારો મિત્ર મળ્યો. ત્યારબાદ અમે બંને સાથે જવા લાગ્યા ત્યારે રસ્તામાં કર્મન બાબા મંદિરથી લગભગ 300 મીટરના અંતરે અચાનક બુુલેટ પર સવાર ત્રણ યુવકો આવ્યા હતા. તેઓએ બાઈક રોકીને અમને બંનેને રોક્યા હતા. ત્યાર પછી મને અને મારા મિત્રને અલગ કરી દેવામાં આવ્યા. પછી તેઓ મારું મોં દબાવીને મને ખૂણામાં લઈ ગયા.
પીડિતાએ સંભળાવી વ્યથા : પીડિત વિદ્યાર્થીનીએ વધુમાં જણાવ્યું કે, આ શખ્સોએ પહેલા મને કિસ કરી હતી. ત્યારબાદ તેઓએ મારા કપડાં ઉતાર્યા અને અશ્લીલ વીડિયો બનાવ્યો ઉપરાંત કેટલાક ફોટો પણ લીધા હતા. જ્યારે મેં ચિલ્લાવાનો પ્રયાસ કર્યો તો તેઓએ મને મારી નાખવાની ધમકી આપવાનું શરૂ કર્યું અને મને ધમકાવીને મારો ફોન નંબર પણ લઈ લીધો. તેઓ 10 થી 15 મિનિટ સુધી મારી સાથે બળજબરીથી છેડતી કરતા રહ્યા અને પછી તેઓએ મને છોડી દીધી. આરોપીઓના ચુંગાલમાંથી મુક્ત થયા બાદ હું મારી હોસ્ટેલ તરફ ભાગ્યી હતી. થોડે દૂર ગયા પછી હું નજીકમાં એક પ્રોફેસરના નિવાસસ્થાને ગઈ હતી. મેં પ્રોફેસરનો સંપર્ક કર્યો અને લગભગ 20 મિનિટ ત્યાં રોકાઈ હતી.
અશ્લીલતાની હદ વટાવી : પોલીસને આપેલી ફરિયાદમાં વિદ્યાર્થીનીએ જણાવ્યું કે, સંસદની સુરક્ષા સમિતિના રાહુલ રાઠોડ તેને પ્રોફેસરના આવસથી લઈ ગયા અને IIT BHU પેટ્રોલિંગ ગાર્ડ પાસે મૂકી આવ્યા હતા. યુવતીએ જણાવ્યું કે, તમામ આરોપીઓ બુલેટ પર આવ્યા હતા. એક શખ્સ થોડો જાડો હતો જ્યારે બીજો પાતળો હતો ઉપરાંત ત્રણેય મધ્યમ ઊંચાઈના હતા. આ અંગે લંકા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે કહ્યું કે, આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં આરોપીઓ સામે મોટી કાર્યવાહી કરવામાં આવશે.
વિદ્યાર્થીનીઓની સુરક્ષા પર સવાલ : બીજી તરફ ઘટનાને લઈને યુનિવર્સિટીના વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. યુનિવર્સિટી કેમ્પસમાં લગભગ 2,000 યુવક-યુવતીઓ હડતાળ પર બેઠા છે. ઉપરાંત યુનિવર્સિટી પ્રશાસન વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. કાશી હિન્દુ યુનિવર્સિટીના વહીવટીતંત્રે સમગ્ર મામલાની નોંધ લીધી છે અને વિદ્યાર્થીનીઓની સુરક્ષા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. IIT-BHU વહીવટી તંત્ર દ્વારા એક નોટિસ જાહેર કરીને આદેશ કરવામાં આવ્યો છે.
યુનિવર્સિટી પ્રશાસનનો નિર્ણય : IIT-BHU વહીવટી તંત્રની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, સાંજે 5 વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધી IIT-BHU કેમ્પસમાં બહારના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. વિદ્યાર્થીની અને વિદ્યાર્થીઓને પોતાના આઈડી કાર્ડ અથવા સ્ટીકર બતાવ્યા પછી જ કેમ્પસમાં પ્રવેશ આપવામાં આવશે. આ વ્યવસ્થા તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવી છે. ઉલ્લેખનિય છે કે, BHU માં સમગ્ર દેશ ઉપરાંત વિદેશમાંથી પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા આવે છે. જોકે આ ઘટના બાદ વિદ્યાર્થીનીઓને પોતાની સુરક્ષાની ચિંતા થવા લાગી છે.
- PM મોદીની મુલાકાત પહેલા છત્તીસગઢમાં નક્સલવાદીઓનો ઉત્પાત, 4 ગ્રામજનોની હત્યા
- New Delhi: દિલ્હીમાં માનવતા શર્મસાર, ફિલ્મ મેકર્સ રોડ પર લોહીથી લથબથ 20 મિનિટ પડ્યા રહ્યા, લોકો વીડિયો બનાવતા રહ્યા...