ઉત્તરાખંડ : ઉત્તરકાશીના સિલ્ક્યારા ટનલ દુર્ઘટનામાં ફસાયેલા લોકાના રેસ્ક્યુ ઓપરેશનમાં આંતરરાષ્ટ્રીય મદદ મળી છે. ટનલમાં ફસાયેલા 41 મજૂરોને બચાવવાના પ્રયાસો પૂરજોશમાં ચાલુ છે. ત્યારે ઇન્ટરનેશનલ ટનલિંગ એન્ડ અંડરગ્રાઉન્ડ સ્પેસ એસોસિએશનના અધ્યક્ષ આર્નોલ્ડ ડિક્સ પણ રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા સિલ્ક્યારા પહોંચ્યા હતા.
કોણ છે પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ ? પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ આંતરરાષ્ટ્રીય ટનલિંગ નિષ્ણાત છે. તેમની પાસે અંડરગ્રાઉન્ડ અને ટ્રાન્સપોર્ટેશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કુશળતા પ્રાપ્ત છે. તેઓ વિશ્વભરમાં ભૂગર્ભ બાંધકામ જેવા કે ટનલ બનાવવી અને તેની સાથે સંકળાયેલા જોખમો અંગે પણ સલાહ આપે છે. પ્રોફેસર ડિક્સને ભૂગર્ભ ટનલ બાંધકામમાં વિશ્વના અગ્રણી નિષ્ણાતોમાંના એક તરીકે ઓળખવામાં આવે છે.
ટનલ સાઇટનું નિરીક્ષણ : આજે 20 નવેમ્બર સોમવારના રોજ પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે ઉત્તરકાશીની સિલ્ક્યારા ટનલ સાઇટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે છેલ્લા 9 દિવસથી બચાવ કાર્યમાં લાગેલી ટીમના સભ્યો સાથે વાત કરી હતી. તેઓની કામગીરી પર ખુશી વ્યક્ત કરતા પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સે કહ્યું કે, તેમની સાથે રેસ્ક્યુ ઓપરેશનનું કામ કરી રહેલી ટીમ ખૂબ જ શાનદાર છે. અમે ટૂંક સમયમાં ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા જઈ રહ્યા છીએ.
રેસ્ક્યુ પ્લાન B : પ્રોફેસર ડિક્સે કહ્યું કે, વિશ્વભરના ટનલ અને રેસ્ક્યુ નિષ્ણાતો ઉત્તરકાશીના સિલ્ક્યારામાં ટનલ દુર્ઘટનામાં ફસાયેલા લોકોને બચાવમાં મદદ કરી રહ્યા છે. હું પણ અહીં બચાવ કાર્યમાં મદદ કરી રહ્યો છું. અત્યાર સુધી ખૂબ સારું કામ કરવામાં આવ્યું છે. રવિવારથી આજ સુધીમાં ઘણું કામ કરવામાં આવ્યું છે. વાસ્તવમાં બચાવ ટીમ હવે પ્લાન B પર કામ કરી રહી છે. જ્યારે પ્રોફેસર આર્નોલ્ડ ડિક્સ ટનલના ઉપરના છેડાનું નિરીક્ષણ કરવા જઈ રહ્યા હતા. હવે ટનલની ઉપરથી ડ્રિલિંગ કરીને ટનલની અંદર ફસાયેલા 41 મજૂરોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આંતરરાષ્ટ્રીય મદદ મળી : પ્રોફેસર ડિક્સે કહ્યું કે, અમે ટૂંક સમયમાં ટનલમાં ફસાયેલા લોકોને બચાવવા જઈ રહ્યા છીએ. ટનલની અંદરનું કામ સારી રીતે ચાલી રહ્યું છે. ટનલની અંદર ફસાયેલા લોકોને પૂરતા પ્રમાણમાં ખોરાક, દવાઓ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી રહી છે. અમે ટૂંક સમયમાં તમને સારા સમાચાર આપીશું.
રેસ્ક્યુ યોજના : ઉલ્લેખનિય છે કે, રેસ્ક્યુ ટીમ હવે સુરંગની અંદર 9 દિવસથી ફસાયેલા કામદારોને બચાવવા માટે વિવિધ રસ્તાઓ પર વિચાર કરી રહી છે. આમાં સૌથી અગત્યનો ઉપાય ટનલ ઉપરથી ડ્રિલિંગ કરીને કામદારો સુધી પહોંચવાનો છે. આ સાથે ટનલના બીજા છેડે ડ્રિલિંગ કરીને કામદારો સુધી પહોંચવાની પણ યોજના છે. આ સાથે ટનલના જમણા અને ડાબા છેડાથી ડ્રિલિંગનો વિકલ્પ પણ રાખવામાં આવ્યો છે.
DRDO ની રોબોટિક્સ ટીમ : આ તમામ વચ્ચે એક મહત્વપૂર્ણ બીજી વાત સામે આવી છે. ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશનની ટીમ (DRDO) પણ સિલ્ક્યારા ટનલ પર પહોંચી ગઈ છે. આ ટીમ સાથે રોબોટિક્સ ટીમ પણ સામેલ છે જે રાહત અને બચાવ કાર્યમાં ભાગ લેશે. DRDO નું પૂરું નામ રક્ષા સંશોધન અને વિકાસ સંગઠન છે અને તે આપણી સેના માટે સંશોધન અને વિકાસનું કામ કરે છે. DRDO માં 5000 થી વધુ સંશોધકો અને 25,000 થી વધુ વૈજ્ઞાનિકો છે.
- સિલક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોની જિંદગી માટે લોકોએ કરી પ્રાર્થના
- છ દિવસથી ટનલમાં ફસાયેલા 40 શ્રમિકોને બચાવવા માટે હવે હેવી ઓગર મશીન પર મદાર, ટનલમાં ડ્રિલીંગ કરી પાંચ પાઈપ નખાયા