- ઉત્તરાખંડ આપદામાં 14 થી વધુ લોકોના મોત, 170 થી વધુ લોકો લાપતા
- મૃતકોના પરિવાજનોને 6-6 લાખ રૂપિયાની સહાય
- રેસ્ક્યૂ ઓપરેશન ચાલુ
ચમોલી : ઉત્તરાખંડના ચમોલીમાં રવિવારના રોજ ગ્લેશિયર તૂટતા મોટી ઘટના બની હતી.જેમાં 14 થી વધુ લોકોના મોત થયા છે.ત્યારે ચમોલી જિલ્લા તંત્રે 14 લોકોના મૃતદેહ કબ્જે કર્યા છે. મળતી માહિતી મુજબ, 170થી વધુ લોકો લાપતા થયા છે.રેસ્ક્યૂ ઓપરેશન આખી રાત ચાલુ હતું. ઘટનામાં મૃતકના પરિવારને 6-6 લાખ રૂપિયાની સહાય કરી છે. જેમાં રાજ્ય સરકાર 4 અને કેન્દ્ર સરકાર 2 લાખ રૂપિયાની સહાય રકમ આપશે. આર્મી, એરફોર્સ, NDRF, ITBP અને SDRFની ટીમો રાહત અને બચાવ કામગીરી માટે સ્થાનિક વહીવટ સાથે મળીને કામ કરી રહી છે.
મંદાકિની નદીના જળસ્તરમાં ઘટાડો થાય તેની રાહ
ઉત્તરાખંડના ચમોલીમાં તપોવન ડેમ પાસે સુરંગમાં ફસાયેલા લોકોને બચાવવા માટે બચાવ અભિયાન શરૂ કરવા NDRFની ટીમ મંદાકિની નદીના પાણીનો સ્તર ઘટવાની રાહ જોઇ રહી છે.
ભારતીય વાયુ સેનાના PROનું નિવેદન
ભારતીય વાયુ સેનાના PROના વિંગ કમાન્ડર ઇન્દ્રનીલ નંદીએ આ અંગે માહીતી આપતા કહ્યું કે, એયરલિફ્ટ કરવામાં આવેલા લોકોને દેહરાદૂન ખસેડવામાં આવ્યા છે.દેહરાદૂનથી સવારે 6.45એ જવાનોની ટીમે પ્રભાવિત વિસ્તારોમાંથી એયરલિફ્ટ કર્યું હતું.ચમોલીના તપોવન ડેમ નજીક ટનલમાંથી કાટમાળ અને કાદવ કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઘટના સ્થળેથી અત્યાર સુધીમાં 8 લોકોના મૃત્તદેહ મળી આવ્યા છે.
કેટલું નુકસાન થયું
તપોવન સુરંગમાંથી 16 લોકો સહિત 25 લોકોનું રેસ્ક્યુ કરાઈ ચૂક્યું છે. અત્યાર સુધી 14 લોકોના મૃતદેહ મળ્યા છે. બે હાઈડ્રો પાવર પ્રોજેક્ટ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ચૂક્યા છે. રાહત કામગીરી માટે સેનાના 600 જવાન, ITBPના 250 અને BROના 200 જવાન રેસ્ક્યુમાં જોડાઈ ચૂક્યા છે. NDRFના 200 અને SDRFની ટીમ પણ બચાવ અભિયાનમાં જોડાઈ છે. આ સાથે નૌસેનાની પણ 7 ટીમ શોધખોળમાં જોતરાઈ છે. ગ્લેશિયર તૂટવાથી અનેક ગામને નુકસાન થયું છે. એક અંદાજ મુજબ ઉત્તરાખંડના ચમૌલીનો ગ્લેશિયર તૂટવાથી 4 હજાર કરોડથી વધુનું નુકસાન થયું છે.