ઉત્તર પ્રદેશ :લખનઉમાં એક સગીર સાથે બળાત્કારનો મામલો સામે આવ્યો છે. સગીર વિદ્યાર્થીનીએ તેને શાળાએ મુકવા આવતા રીક્ષાચાલક વિરુદ્ધ આ ગંભીર આરોપ લગાવ્યો છે. ધોરણ 8 માં ભણતી વિદ્યાર્થીનીએ રીક્ષાચાલક પર આરોપ લગાવ્યો હતો કે, ડ્રાઈવરે વિદ્યાર્થિનીને નશીલો પદાર્થ પીવડાવી બેભાન કરી દીધી હતી. ત્યારબાદ તેને નિર્જન જગ્યાએ લઈ જઈ તેના પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ તેને ધમકી પણ આપી જેના કારણે તે ગુમસુમ રહેવા લાગી હતી.
નરાધમે વિશ્વાસ તોડ્યો : માતાએ શંકાના આધારે પુત્રીને ઘણી વાર પૂછ્યું ત્યારે તેણે ડ્રાઈવરની કરતૂત વિશે જણાવ્યું. આ અંગે પીડિતાના પરિવારજનોએ પીજીઆઈ કોતવાલીમાં ગેરવર્તન અને પોક્સો એક્ટની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ગુનો નોંધી પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે. પોલીસના જણાવ્યા અનુસાર એક એપાર્ટમેન્ટમાં રહેતી કિશોરી ખાનગી શાળામાં ધોરણ 8 માં અભ્યાસ કરે છે. તેના પિતા બહાર કામ કરે છે. ત્રણ મહિના પહેલા માતાએ તેને શાળાએ લઈ જવાની જવાબદારી પીજીઆઈ વિસ્તારમાં રહેતા એક ઓટો ડ્રાઈવરને સોંપી હતી.