હૈદરાબાદ : વિશ્વભરમાં ક્યારેક આર્થિક કારણો, ક્યારેક સારવાર અથવા ડોક્ટરોની અછત અને ક્યારેક માહિતી અથવા જાગૃતિના અભાવને કારણે લાખો લોકો સમયસર જરૂરી આરોગ્ય સેવાઓનો લાભ મેળવી શકતા નથી. વૈશ્વિક સ્તરે તબીબી અને આરોગ્ય સેવાઓના ક્ષેત્રમાં સમયાંતરે ઘણો વિકાસ થયો હોવા છતાં દરેક વ્યક્તિ માટે તમામ આવશ્યક આરોગ્ય સેવાઓ સરળતાથી પ્રાપ્ત કરવી હજુ પણ શક્ય નથી.
યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે :વિશ્વના દરેક ખૂણે કોઈપણ ભેદભાવ વિના દરેક વ્યક્તિને આરોગ્યની સુવિધા પૂરી પાડવાના હેતુથી અને તેમને માત્ર આર્થિક જ નહીં પણ શક્ય તેટલી દરેક રીતે મદદ કરવાના પ્રયાસો કરવા હેતુથી વિશ્વભરમાં દર વર્ષે 12 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે/સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ઉજવવામાં આવે છે.
આ વર્ષની થીમ :સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ તરફ આગળ વધવામાં આવનારા પડકારો અને અવસરો પર વિચાર કરવા અને આ દિશામાં નક્કર પગલાં લેવા સંબંધિત પ્રણાલીઓને આહ્વાન કરવા માટે આ વર્ષે આ દિવસ "સૌ માટે આરોગ્ય : કાર્યવાહી માટેનો સમય" થીમ પર મનાવવામાં આવી રહ્યો છે.
યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેનો ઇતિહાસ :12 ડિસેમ્બર 2012 ના રોજ સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સર્વાનુમતે એક ઐતિહાસિક ઠરાવને સમર્થન આપ્યું હતું. જેમાં તમામ દેશોને આંતરરાષ્ટ્રીય વિકાસ માટે આવશ્યક પ્રાથમિકતા તરીકે યુનિવર્સલ હેલ્થ કવરેજ તરફના પ્રયાસો વધારવા આહ્વાન કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2014 માં યુનિવર્સલ હેલ્થ કવરેજ ગઠબંધન દ્વારા 12 ડિસેમ્બરના રોજ યુનિવર્સલ હેલ્થ કવરેજ ડે ઉજવવામાં આવ્યો હતો. આ પ્રસંગે #HealthforAll હેઠળ આ દિશામાં સતત વિકાસના લક્ષ્યને સંયુક્ત રાષ્ટ્ર 2030 એજન્ડાના એક મહત્વપૂર્ણ ભાગ તરીકે સામેલ કરવામાં આવ્યું હતું. આ પછી વર્ષ 2017 માં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા સત્તાવાર રીતે 12 ડિસેમ્બરને આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ તરીકે નામ આપવામાં આવ્યું હતું.
સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસનો હેતુ :
યુનિવર્સલ હેલ્થ કવરેજ ડેના આયોજનના મુખ્ય ઉદ્દેશ્યમાં તમામ નાગરિકો માટે તેમના આવકના સ્તર, સામાજિક સ્થિતિ, લિંગ, જાતિ અથવા ધર્મને ધ્યાનમાં લીધા વિના સમાન અને ન્યાયસંગત સુવિધાઓની ઉપલબ્ધતા માટે પ્રયત્ન કરવા, આ દિશામાં તેમને આર્થિક મદદ કરવાનો પ્રયાસ કરવા અને આ માટે તેમને વીમો ખરીદવા, સારવાર અને દવાઓના બિલ ચૂકવવામાં મદદ કરે તેવી સુવિધાઓ વિશે જાગૃત કરવા જોઈએ.
આ ઉપરાંત સામાન્ય લોકોમાં દરેક રોગ અને તેની તપાસ વિશે જાગૃતિ લાવવી તથા ચિકિત્સા સુવિધા અને સારવારની દરેક વ્યક્તિ માટેની ઉપલબ્ધતા સાથે સારવાર પછી જરૂરિયાતમંદોના પુનર્વસન, સંભાળ અને નિવારણ માટેના પ્રયાસો વગેરેનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, દરેક વ્યક્તિ માટે આવશ્યક આરોગ્ય સેવાઓની ઉપલબ્ધતા તરફની પ્રગતિ સાથે સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજથી લોકોને અન્ય ઘણા વ્યક્તિગત અને સામાજિક લાભ પણ મળે છે. જેમ કે વસ્તીના સ્વાસ્થ્યમાં સુધારો, ગરીબીમાં ઘટાડો, નોકરીઓમાં વધારો અને નાણાકીય સુરક્ષા વગેરે.