છત્તીસગઢ : કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આજે છત્તીસગઢના દુર્ગ જિલ્લાની મુલાકાતે છે. અમિત શાહ અહીં પંડિત રવિશંકર સ્ટેડિયમમાં વિશાળ જાહેર સભાને સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાનના પ્રવાસને લઈને પોલીસ પ્રશાસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. દુર્ગ રેન્જના IG આનંદ છાબરા પોતે મોરચો સંભાળી રહ્યા છે. રવિશંકર સ્ટેડિયમના દરેક ખૂણે પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. દુર્ગ રેન્જના તમામ સાત જિલ્લાના SP પણ મોનિટરિંગ કરી રહ્યા છે.
અમિત શાહનો કાર્યક્રમ :અમિત શાહ ગુરુવારે બપોરે 1.35 કલાકે જયંતિ સ્ટેડિયમ હેલીપેડ ભિલાઈ પહોંચશે. અહીં તેઓ સૌપ્રથમ પંડવાણી ગાયિકા અને પદ્મશ્રી ઉષા બર્લેના ઘરે પહોંચી તેમની શુભેચ્છા મુલાકાત કરવાના છે. અમિત શાહ ઉષા બર્લેના ઘરે 20 મિનિટ રોકાણ બાદ બપોરે 2.10 વાગ્યે પંડિત રવિશંકર સ્ટેડિયમ રોડ માર્ગે દુર્ગ પહોંચશે. અહીં તેઓ વિશાળ જનસભાને સંબોધન કરશે. ગૃહપ્રધાન બપોરે 3 વાગ્યે રવિશંકર સ્ટેડિયમથી જયંતિ સ્ટેડિયમ ભિલાઈ હેલિપેડ જવા રવાના થશે.
દુર્ગમાં વિશાળ જાહેરસભા : આજે અમિત શાહ વિશાળ જાહેરસભા સંબોધવાના છે. જનમેદનીને સમાવવા માટે પંડિત રવિશંકર સ્ટેડિયમમાં એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં લગભગ 50 હજાર લોકો એકસાથે બેસી શકશે. આ જાહેર સભામાં અમિત શાહ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવી રહેલી લોક કલ્યાણકારી યોજનાઓના લાભાર્થીઓને સંબોધિત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના મોટા નેતાઓ છેલ્લા ઘણા દિવસોથી કાર્યક્રમની તૈયારીઓ કરી રહ્યા છે. અમિત શાહ ભાજપના સાતેય મોરચાના કાર્યકરોને પણ સંબોધિત કરશે.